Gujarati News

Gujarati News

News of Sunday, 16th February 2020

૨૪ ફેબ્રુઆરીએ અમદાવાદમાં મોદી અને અમેરિકાના રાષ્‍ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ વચ્ચે થશે મુલાકાતઃ સાબરમતી આશ્રમની મુલાકાત લઇ બપોરે મોટેરા સ્ટેડિયમમાં મોદી અને ટ્રમ્પ સંબોધન કરશે

અમદાવાદ : અમેરિકાનાં રાષ્ટ્રપતિ ડોનાલ્ડ ટ્રમ્પ, ફસ્ટ લેડી મેલેનિયા  અને PM મોદી 24મીએ શહેરની મુલાકાતે આવશે. ટ્રમ્પને એરપોર્ટ પર ગાર્ડ ઓફ ઓનર અપાશે. નરેન્દ્ર મોદીનાં વડાપ્રધાન બન્યા પછી અન્ય દેશનાં પાંચમા વડા ભારત આવી રહ્યા છે. જેની તડામાર તૈયારીઓ શહેરમાં કરવામાં આવી રહી છે.

મળતી માહિતી પ્રમાણે, ટ્રમ્પનું એરફોર્સ-1 વિમાન 24 ફેબ્રુઆરી સોમવારે સવારે 11:55 કલાકે એરપોર્ટ પહોંચશે. ત્યાર પછી તેઓ પહેલા સાબરમતી આશ્રમ જશે. ત્યાં 25 મિનિટ પસાર કરશે. જે બાદ બપોરે 1:15 વાગ્યે મોટેરા સ્ટેડિયમ પહોંચશે. આ દરમિયાન મોદી પણ તેમની સાથે હશે. અહીં મોદી અને ટ્રમ્પનું ભાષણ થશે. બપોરે 3:30 વાગ્યે ટ્રમ્પ દિલ્હી જવા રવાના થશે.

આ કાર્યક્રમનું નામ બદલાયું હોવાનાં અહેવાલો આવી રહ્યા છે. અગાઉ 'કેમ છો ટ્રમ્પ' નામથી કાર્યક્રમ યોજાવાનો હતો. પરંતુ આતંરાષ્ટ્રીય અને રાષ્ટ્રીય સમીકરણો જોતા રાજ્ય સરકારને નામ બદલવાની સૂચનાઓ મળી હોવાનો અહેવાલ છે. અંગ્રેજી અખબાર ધ ટાઇમ્સ ઓફ ઇન્ડિયાનાં અહેવાલ મુજબ રાજ્ય સરકારને આ કાર્યક્રમનું નામ બદલવાની સૂચનાઓ મળી છે. હવે આ કાર્યક્રમ 'નમસ્તે પ્રેસિડેન્ટ ટ્રમ્પ'નાં નામથી યોજાશે.

ડોનાલ્ડ ટ્રમ્પ, પત્ની મેલેનિયા અને નરેન્દ્ર મોદી એરપોર્ટથી સાબરમતી આશ્રમ અને આશ્રમથી પાછા મોટેરા સ્ટેડિયમ સુધી રોડ શૉ કરતા કરશે. આ દરમિયાન 10 હજાર પોલીસ જવાન રસ્તાની બંને તરફ સુરક્ષામાં તહેનાત રહેશે. તેમનું અભિવાદન કરવા માટે 50 હજાર લોકોની જનમેદની પણ ત્યાં હાજર રહેશે. રોડ શૉ દરમિયાન ગુજરાતી સંસ્કૃત્તિની ભાતીગળ ઝાંખીઓ વચ્ચે વચ્ચે જોવા મળશે. આ માટે વિવિધ સ્ટેજ પણ તૈયાર કરવામાં આવ્યાં છે.

મોટેરા સ્ટેડિયમ ખાતે સીસીટીવી રૂમમાં કાર્યક્રમનાં પગલે પોલીસ ખાસ કંટ્રોલરૂમ ઉભો કરશે. જેમાં બંદોબસ્તમાં હાજર અધિકારીઓ સરળતાથી એકબીજા સાથે મેસેજની આપ-લે પણ કરી શકશે. પોલીસ દ્વારા ટ્રમ્પના રોડ શો માટે નક્કી કરેલા રૂટ પર જે જગ્યાએ સીસીટીવી કેમેરા ન હોય તેવી જગ્યાઓનું સરવે કરીને સોમવાર સાંજ સુધી નવા કેમેરા ઇન્સ્ટોલ કરી દેવાશે.

(11:48 am IST)