Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

સ્કૂલ ફી રીવીઝન સમિતિના અધ્યક્ષપદે હાઇકોર્ટના નિવૃત જજ ધીરેન મહેતા અને ઉપાધ્યક્ષ તરીકે જસ્ટીસ બંકિમ મહેતાની વરણી

રાજકોટના ચાર્ટડ એકાઉન્ટન્ટ ભરત મીઠાણીને પણ સભ્ય બનાવાયા : આ કમીટી ચારેય ઝોનમાંથી મળેલી ફી નિર્ધારણ અંગેની ફરીયાદોનો નિકાલ કરશે, નિમણુંક થયેલા પદાધિકારીઓનો કાર્યકાળ ત્રણ વર્ષ રહેશે

રાજકોટઃખાનગી સ્કૂલોની ફિ નિયમન અંગે કાર્યરત ગુજરાતની ફી રીવીઝન કમીટીમાં સભ્ય તરીકે રાજકોટના શિક્ષણવિદ્ અને રાજ્ય શાળા સંચાલક મંડળના ઉપપ્રમુખ ડો.જતીન ભરાડની નિમણુંક કરવામાં આવી છે. આ સમિતિના અધ્યક્ષપદે હાઇકોર્ટના નિવૃત જજ ધીરેન મહેતા અને ઉપાધ્યક્ષ તરીકે જસ્ટીસ બંકિમ મહેતાની વરણી કરવામાં આવી છે તેમજ રાજકોટના ચાર્ટડ એકાઉન્ટન્ટ ભરત મીઠાણીને પણ સભ્ય બનાવાયા છે. આ કમીટી ચારેય ઝોનમાંથી મળેલી ફી નિર્ધારણ અંગેની ફરીયાદોનો નિકાલ કરશે. નિમણુંક થયેલા પદાધિકારીઓનો કાર્યકાળ ત્રણ વર્ષ રહેશે.
રાજ્ય સરકાર દ્વારા ફી નિયમન કાયદો અમલી બનાવાયા બાદ રાજ્યના રાજકોટ, અમદાવાદ, વડોદરા અને સુરત ઝોનમાં ઝોન કમિટી બનાવાઈ હતી અને આ ચારેય ઝોનલ સમિતિના કામકાજ અને પ્રશ્નોના નિકાલ માટે રાજ્ય કક્ષાની ફી રિવિઝન કમિટી બનાવાઈ હતી. આજે આ કમિટીના અધ્યક્ષ, ઉપાધ્યક્ષ અને સભ્યોની નિમણુંક કરાઈ. રાજકોટ માટે મહત્વની વાત છે કે કમિટીના બન્ને સભ્યો રાજકોટથી છે. આ નિમણુંક અંગે રાજ્યના શિક્ષણ વિભાગના નાયબ સચિવ કલ્પેશ ભટ્ટ દ્વારા રાજ્યપાલના આદેશથી વરણી અંગેનો ઠરાવ જાહેર કરાયો હતો.

(10:58 pm IST)