Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

ડીસાની લૂંટના આરોપીને રાજકોટથી ઝડપી લેવાયો

લૂંટનો આરોપી દોઢ વર્ષથી વોન્ટેડ હતો : સાબરકાંઠા લોકલ ક્રાઈમ બ્રાન્ચનું ઓપરેશન, ૨૦૧૯માં આંગડિયા પેઢીમાં દિલધડક લૂંટને અંજામ આપ્યો હતો

હિંમતનગર, તા. ૧૫ :ડીસાની આંગડીયા લૂંટની ઘટનામાં છેલ્લા દોઢેક વર્ષથી વોન્ટેડ શખ્સને સાબરકાંઠાની લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે રાજકોટ ખાતેથી દબોચી લઇ હિંમતનગર લઇ આવી પુછતાછ કરતા તેણે ડીસા લૂંટના ગુનાની કબૂલાત કરી હતી. જેથી એલસીબીની ટીમે રાજકોટના શખ્સને દબોચી વધુ કાર્યવાહી અર્થે ડીસા પોલીસ હવાલે કર્યો છે. એલસીબીના સૂત્રો દ્વારા પ્રાપ્ત વિગત અનુસાર બનાસકાંઠા જિલ્લાના ડીસા દક્ષિણ પોલીસ સ્ટેશનમાં વર્ષ ૨૦૧૯ માં આંગડીયા લૂંટનો ગુનો દર્જ કરાયો હતો. જે ગુનામાં શકિત રાજકોટ નામ આધારે સાબરકાંઠા લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમે ડીસા આંગડીયા લૂંટમાં સંડોવાયેલ શખ્સની પૂરેપુરી ભાળ મેળવવા જિલ્લા પોલીસ અધિક્ષક ચૈતન્ય મંડલિકે એલસીબીને તપાસ સોંપતા ટીમ એલર્ટ બની હતી. એલસીબીના પી.આઇ.સ એમ.ડી.ચંપાવતે જણાવ્યુ હતું કે ડીસા આંગડીયા લૂંટમાં સંડોવાયેલ શકિત રાજકોટને જબ્બે કરવા એલસીબીના પી.એસ.આઇ. બી.યુ.મુરીમા સહિતની ટીમને એલર્ટ કરી હતી.

તે દરમિયાન એલસીબીના એ.એસ.આઇ. નાથાભાઇ રણછોડભાઇ, રજુસિંહ હીરસિંહ, ધર્મેન્દ્રસિંહ પદમસિંહ સહિતની ટીમે રાજકોટ આંગડીયાની લૂંટમાં સંડોવાયેલ શકિત રાજકોટ તે શકિતસિંહ મહાવીરસિંહ ઝાલા હાલ રહે.રાજકોટ ઉજવલ સોસાયટી, મોરબી રોડ જકાત નાકા પાસે હોવાનું ધ્યાને આવતા ટીમે રાજકોટ ખાતે ઉજવલ સોસાયટીમાં રહેતા મેણતભાઇ આહીરના મકાનમાં ભાડેથી રહેતા શકિતસિંહ મહાવીરસિંહ ઝાલાના ઘરે તપાસ આદરી તેને દબોચી લીધો હતો. એલસીબીની ટીમ ડીસા આંગડીયાની લૂંટમાં દોઢેક વર્ષથી વોન્ટેડ શકિતસિંહ મહાવીરસિંહ ઝાલાને હિંમતનગર લઇ આવી પુછતાછ આદરી હતી. જેમાં તેણે ડીસા લૂંટના ગુનાની કબૂલાત કરતા એલસીબીએ ઝડપાયેલા શખ્સને ડીસા પોલીસ સ્ટેશન હવાલે કરવા તજવીજ હાથ ધરી છે.

(8:27 pm IST)