Gujarati News

Gujarati News

News of Tuesday, 15th December 2020

અમદાવાદમાં યુવાને ગળેફાંસો ખાઇને આપઘાત કરી લીધા બાદ કોરોના મહામારીના કારણે પોલીસને જાણ કરીશુ તો મૃતદેહ નહીં મળે તેવા ડરથી મૃતકની બારોબાર પરિવારે અંતિમવિધી કરી નાખી

અમદાવાદ: કોરોના મહામારી વિશે અને કાયદાની પ્રક્રિયાથી અજાણ લોકો કેવી ગંભીર ભૂલો કરી બેસે છે. તેવી ઘટના નાના ચિલોડામાં વિસ્તારમાં બની હતી, જેનું રહસ્ય મહિલાએ પતિના મૃત્યુ બાદ સાસરિયાં વિરુદ્ધ નરોડા પોલીસ સ્ટેશનમાં ફરિયાદ કરતા 70 દિવસે ખુલ્યું હતું.

પોતાની ફરિયાદમાં મહિલાએ જણાવ્યું કે, તેના પતિએ ગળેફાંસો ખાઈ આપઘાત કર્યો હતો પણ કોરોના મહામારીને કારણે પોલીસને જાણ કરીશું તો ડેડબોડી નહી મળે તેવા ડરથી બારોબાર પરિવારે મૃતકની અંતિમવિધી કરી નાંખી હતી.

નરોડાના નાના ચિલોડા ખાતે શક્તિનગરમાં રહેતી સીમા જયકુમાર શર્મા (ઉં,27)એ સસરા રાકેશ શર્મા, સાસુ મીનાદેવી, દિયર અમિત અને નણંદ નિશા વિરુદ્ધ શારીરિક માનસિક ત્રાસ અંગે નરોડા પોલીસ સ્ટેશનમાં સોમવારે સાંજે 5.30 વાગ્યે ફરિયાદ નોંધાવી છે.

જે મુજબ 2014માં સીમાના લગ્ન જય સાથે થયા હતા. લગ્નના થોડા સમયમાં સાસુ, સસરા અને દિયર સીમાને ત્રાસ આપતા અને તકરાર કરતા હતા. નણંદ નિશા પણ ઘરે આવતી તો સીમાને કહેતી કે, તું દહેજમાં કઈ લાવી નથી. તેમ કહી બીજા લોકોને ચઢામણી કરતી હતી.

ગત તા.4-10-2020ના રોજ સીમાનો પતિ જય બપોરે ઘરે આવ્યો હતો. સાસુ જોડે બીજા ઘરની ચાવી માંગી હતી. જે સાસુએ ના આપતા તે ઉપરના રૂમમાં ગયો હતો. સીમા થોડીવાર પછી ઉપર રૂમમાં ગઈ અને જોયું તો પતિ જયે પંખા સાથે દુપટ્ટો બાંધી આત્મહત્યા કરી હતી. કોરોના મહામારીમા લાશ મળશે નહીં તેવા ડરથી પરિવારે પોલીસને જાણ કરી ન હતી.

પતિના 13માની વિધિ પતાવી સીમા સાડી બદલવા પિયર ગઈ બાદ સાસરિયાં હેરાન કરશે તેમ વિચારી ત્યાં જ રોકાઈ હતી. પિયરમાં સીમાએ પતિના મૃત્યુના 21માં દિવસે બાળકીને જન્મ આપ્યો હતો. સાસરિયાં સીમા પાસે દહેજમાં પતિના વેપાર માટે રૂપિયાની માંગણી કરતા અને ત્રાસ આપતા હતા.

(5:11 pm IST)