Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

જશોદાનગરબ્રિજથી હોર્ડિંગ્સ માથામાં પડી જતાં એકનું મોત

શહેરમાં ઠેર ઠેર લટકી રહ્યા છે મોતના હોર્ડિંગ્સ : તંત્રના વાંકે એક નિર્દોષ વ્યકિતએ જીવ ગુમાવવાનો વારો આવ્યો ત્યારે પોલીસના જવાબદારો વિરૂદ્ધ પગલાની માંગ

અમદાવાદ, તા.૧૫ : શહેરમાં ઠેરઠેર બિલાડીની ટોપની જેમ ફૂટી નીકળેલાં અને આડેધડ લગાવેલા હોર્ડિંગ્સ-બોર્ડ ગમે ત્યારે પડી જતાં કોઇનો ભોગ લઇ લે તેવી શક્યતાઓ પ્રવર્તી રહી છે. શહેરના જશોદાનગર વિસ્તારમાં આવા જ એક બનાવમાં જશોદાનગર બ્રીજ પરથી એક વિશાળ હોર્ડિંગ્સ માથા પર પડતાં એક પિતાનું ગંભીર ઇજાઓ થવાના કારણે સારવાર દરમ્યાન કરૂણ મોત નીપજયુ હતું. જેને પગલે પરિવારમાં શોકની લાગણી પ્રસરી ગઇ હતી. સાથે સાથે પરિવારજનોએ તંત્રના વાંકે ઘરનો મોભી ગુમાવ્યો હોવાનો ઉગ્ર રોષ પણ વ્યકત કર્યો હતો. આ અંગે પ્રાપ્ત માહિતી મુજબ, શહેરના જશોદાનગર વિસ્તારમાં આવેલા સત્યમ્ પાર્ક સોસાયટીમાં રહેતા ૫૬ વર્ષીય દીપકભાઇ મોદી રવિવારે પોતાના બાઇક પર પુત્રને જશોદાનગર સ્કૂલે મૂકવા માટે ગયા હતા. પુત્રને મૂકીને દીપકભાઇ મોદી પોતાના ઘરે પરત આવતા હતા ત્યારે જશોદાનગર બ્રીજ પર લગાવેલુ હોર્ડંગ્સ બોર્ડ અચાનક તૂટીને તેમના માથા પર પડ્યું હતું. જેના કારણે દીપકભાઇનું બાઇક સ્લીપ ખાઇ ગયું હતું અને તેઓ જમીન પર ઘસડાયા હતા.

                           માથામાં હોર્ડિંગ્સ બોર્ડ વાગતાં તેમને તાત્કાલીક સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા. જ્યાં તેઓને હેમરેજ થઇ ગયું હતું. આખરે સારવાર દરમ્યાન ગઇકાલે તેમનું મોત થયું હોવાની વાત સામે આવતાં પરિવારમાં ભારે આઘાત અને શોકની લાગણી પ્રસરી ગઇ હતી. બીજીબાજુ, આ સમગ્ર કેસમાં જે ડિવિઝન ટ્રાફિક પોલીસે અકસ્માત મોતનો ગુનો દાખલ કરીને તપાસ શરૂ કરી છે. પરંતુ આ કિસ્સાને લાલબત્તી સમાન ગણાવી શહેરના કેટલાક જાગૃત નાગરિકોએ જણાવ્યું હતું કે, તંત્રના વાંકે એક નિર્દોષ વ્યકિતએ જીવ ગુમાવવાનો વારો આવ્યો છે ત્યારે પોલીસે ખરેખર તંત્રના જવાબદાર અધિકારીઓ સામે ગુનોનોંધી કાર્યવાહી કરવી જોઇએ. લોકોની આ માંગણીને જોતાં તંત્ર દ્વારા પણ નૈતિકતાના ધોરણે કાર્યવાહી થવી જરૂરી બની રહી છે.

(8:22 pm IST)