Gujarati News

Gujarati News

News of Friday, 15th November 2019

નવસારીના વાંસદા તાલુકામાં બપોરે 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયોઃ લોકોમાં ભયનો માહોલ ફેલાયો

નવસારી :નવસારી જિલ્લાના વાંસદા તાલુકામાં છેલ્લા બે મહિનાઓથી આવતા ભૂકંપના આંચકાઓને કારણે તાલુકાના ગામોના લોકોમાં ભયનો માહોલ બન્યો છે. સતત ભૂકંપને કારણે લોકોના ઘરોમાં તિરાડો પાડવા માંડી છે, ત્યારે નવસારીના વાંસદા તાલુકામાં અત્યાર સુધીનો તીવ્ર ભૂકંપનો આંચકો અનુભવાયો છે. વાંસદામાં બપોરે 1.36 કલાકે 3.5ની તીવ્રતાનો ભૂકંપ અનુભવાયો છે. તો નવસારીથી પૂર્વ દક્ષિણ દિશાએ 46 કિમી દૂર તેનું કેન્દ્ર બિંદુ નોંધાયું છે. વાંસદા અને ચીખલી તાલુકાનાં ગામડાઓમાં ભૂકંપના આંચકા અનુભવાયા છે. ત્યારે સતત પાંચમા દિવસે ભૂકંપનાં આંચકાને લઈ ગ્રામીણોમાં ભયનો માહોલ ફેલાયો છે. 

સતત આંચકા છતા તંત્રને દરકાર નથી કરતું

                         સતત આવતા ભૂકંપના આંચકા કયા કારણે તેનાથી સ્થાનિક સરકારી તંત્ર પણ અજાણ છે. સ્થાનિક તંત્ર દ્વારા લોકોને પણ કોઈ માહિતી ન અપાતા લોકોમાં રોષ જોવા મળ્યો છે. તંત્ર સમગ્ર બાબતને સામાન્ય માની કોઈ માહિતી પણ ગ્રામીણોને ન આપતા લોકોમાં રોષ જોવા મળી રહ્યો છે.

અનેક ઘરોમાં તિરાડ પડી

                          નવસારી જિલ્લાનાં વાંસદા તાલુકા કેટલાક ગામોમાં બે મહિનામાં સતત ભૂકંપના આંચકાઓ અનુભવાઈ રહ્યા છે. નવસારીથી ૩૪ કિમી, વલસાડથી ૪૩ કિમી અને સુરતના ઉકાઈથી પણ અમુક કિમી દૂર એપી સેન્ટર હોવાનું સામે આવી રહ્યું છે. જેમાં ગત અઠવાડિયામાં વાંસદામાં 2.7ની તીવ્રતાનો ભૂકંપ આવતા તાલુકાના ઉપસળ, મોટી વાલઝર, નાની વાલઝર સહીતનાં આસપાસનાં ગામોમાં લોકોનાં ઘરોમાં મોટી મોટી તિરાડો પડી જવા પામી હતી. સામાન્ય રીતે વાંસદાનાં ગામોમાં કાચા કે અર્ધ પાકા ઘરો વધુ હોય છે, ત્યારે લોકોના ઘરોમાં તિરાડો પડતા ઘર પડી જવાની ભીતિ લોકોમાં સેવાઈ રહી છે. સાથે જ સ્થાનિક તંત્ર દ્વારા ભૂકંપના આંચકાઓ કયા કારણસર આવી રહ્યા હોવાની માહીતી ન આપતા ગ્રામીણોમાં ભયનાં માહોલ સાથે રાજ્ય સરકાર અને તંત્ર સામે રોષ જોવા મળી રહ્યો છે.

                   ઉલ્લેખનીય છે કે, ભૂકંપના ઝાટકોને લઇ સ્થાનિક તંત્ર નચિંત હોય એવી સ્થિતિ જણાઈ હતી. સ્થાનિક તંત્રના મતે વાંસદા ભૂકંપ પ્રભાવિત ઝોનમાં પણ નીચે હોવાથી અને ભૂકંપના આંચકા ૩ની તીવ્રતાથી ઓછા હોવાથી કોઈ ચિંતાજનક સ્થિતિ નથી અને મોટો ભૂકંપ આવે એવું નથી. પરંતુ સતત આવી રહેલા ભૂકંપને કારણે ગાંધીનગરના સિસ્મોલોજી વિભાગની ટીમને બોલાવી સર્વે કરાવવા સાથે જ ગ્રામ્ય સ્તરે તલાટીઓને પણ એલર્ટ કર્યા હોવાનો રાગ આલાપ્યો હતો.

                  ભૂકંપને લઇને હાલ તો વાંસદા તાલુકા સહીત સરહદના ચીખલી અને ખેરગામ તાલુકાના ગામોમાં પણ ભાયનો માહોલ જોવા મળી રહ્યો છે. જેમાં પણ તંત્ર ભૂકંપ આવવાના કારણો વિષે લોકોને માહિતગાર કરે એવી ગ્રામીણો આશા સેવી રહ્યા છે.

(5:16 pm IST)