Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

અમદાવાદની સિવિલ હોસ્‍પિટલમાં લાંબી લાઇનોમાં ઉભા રહેવામાંથી છૂટકારો મળે તે માટે શરૂ કરાયેલ ઓનલાઇન અેપોઇન્ટમેન્ટ સિસ્ટમ બંધ થવાના આરે

અમદાવાદઃ અમદાવાદની સિવિલ હોસ્પિટલમાં લાંબી લચક લાઇનોમાં દર્દીઓને ઊભા રહેવંુ ન પડે તેમજ દર્દીઓનો સમય ન બગડે અને હોસ્પિટલમાં સરળતાથી સારવાર મળી રહે તે હેતુથી આરોગ્ય વિભાગે સિવિલ હોસ્પિટલમાં શરૂ કરેલી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમ બંધ થવાના આરે છે.

તેનું મુખ્ય કારણ દર્દીઓને ઓનલાઇન એપોઇન્ટમેન્ટની માહિતીનો અભાવ અને એપોઇન્ટમેન્ટ લીધા પછીની આપવાની થતી સગવડ પ્રત્યે તંત્રની ઉદાસીનતા મુખ્ય કારણ છે. દરરોજના ૩પ૦૦થી વધુ અને મહિને એક લાખ દર્દીઓ સિવિલ હોસ્પિટલમાં સારવાર માટે આવે છે.

ગંભીર બાબત એ છે કે વર્ષે ૧ર લાખ દર્દીની ઓપીડી ધરાવતી સિવિલ હોસ્પિટલમાં ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમને શરૂ થયે એક વર્ષ થયું હોવા છતાં માત્ર ગણ્યાગાંઠયા ર૦થી પણ ઓછા લોકોએ આ સિસ્ટમનો લાભ લીધો છે. તેથી હાલમાં આ સિસ્ટમ તદ્દન નિષ્ફળતાના આરે છે.

સિવિલ હોસ્પિટલ ઓનલાઇન બુકિંગ સિસ્ટમની વેબસાઇટ કયાંકને કયાંક ખામી ભરેલી રહી છે. કોઇ પણ દર્દી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ લેવા માટે સિવિલની વેબસાઇટ ખોલે કે તરત જ પ્રાઇવેટ પ્રેક્ટિસ કરતા ડોકટરોની વેબસાઇટ સામે આવે છે.

જેના કારણે મોટા ભાગના દર્દીઓ ગેરમાર્ગે દોરાય તેથી ખાનગી પ્રેક્ટિસ કરતા ડોકટરોએ આ બાબતનો ફાયદો થાય તેવી પણ ચર્ચા થઇ રહી છે. એક વર્ષની કંગાળ હાલત બાદ મોડે મોડે ૧૮ એપ્રિલેે સિવિલ હોસ્પિટલની ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટેની વેબસાઇટ અપડેટ કરવામાં આવી છે, પરંતુ તેની હજુ સુધી હોઇ દર્દીઓને જાણ નહીં હોવાથી તેની શરૂઆત થઇ શકી નથી.

નવી વેબસાઇટમાં પણ દર્દીએ મહેનત કરવી પડેે તેમ છે. civil hospitalahmdabad.org સર્ચ કર્યા બાદ તેમાં hospital services પર કલીક કરવાનું રહેશે. ત્યાર બાદ તેમાં નવો ઓપ્શન આવશે જેમાં health.net પર કલીક કરવાથી ઓનલાઇન એપોઇન્ટમેન્ટ માટેની વિગતો આવશે. જેમાં વ્યકિતએ પોતાની નામ સહિતની દર્શાવેલી વિગતો ભરીને રજિસ્ટ્રેશન કરાવવું પડશે. આ અંગેની માહિતી કોઇ દર્દીઓ પાસે નથી.

સૌથી મહત્ત્વની બાબત એ છે કે દર્દી એક વખત ઓનલાઇન એપોઇન્ટમેન્ટ તો લઇ લેશે, પરંતુ ત્યાર પછી તેની પ્રિન્ટ કઢાવવાની, કઇ બારી પર જવાનું, ડોકટરને તાત્કાલિક મળી શકાશે કે કેમ? વગેરે એપોઇન્ટમેન્ટ પછીની ઊભી થતી તમામ સગવડો સિવિલ હોસ્પિટલમાં ઊભી થતાં હજુ સમય લાગી જશે તેવું સિવિલના સત્તાવાળાઓએ જણાવ્યું છે.

લોકોની ઉદાસીનતા-જાણકારીનો અભાવ અને તંત્રની અવરનેસ ઊભી કરવાની આળસના કારણે ઓનલાઇન એપોઇન્ટમેન્ટ સિસ્ટમની હાલત કંગાળ બની ગઇ છે. સિવિલમાં રોજના ૧૮૦૦ જેટલા નવા કેસ નોંધાય છે. જ્યારે ફોલોઅપ સાથેના કેસો મળીને રોજના ૩પ૦૦ જેટલા, મહિને લાખ જેટલા અને વર્ષે ૧ર લાખ જેટલા દર્દીઓ સિવિલમાં સારવાર અર્થે આવે છે.

(6:37 pm IST)