Gujarati News

Gujarati News

News of Wednesday, 15th August 2018

પરિવારનું ગુજરાન ચલાવનાર પતિને પોલીસે તડીપાર કરીને જેલ ભેગો કરી દેતા અમદાવાદમાં મહિલા તેના પરિવાર સાથે આત્મવિલોપન કરવા પોલીસ સ્‍ટેશને પહોંચતા દોડધામ

અમદાવાદ: અમદાવાદના સરખેજ વિસ્તારમાં એક મહિલા તેના પરિવાર સાથે આત્મવિલોપન કરવા માટે સરખેજ પોલીસ સ્ટેશન આવી પહોંચતાં પોલીસ તંત્રમાં દોડધામ મચી ગઈ હતી. જ્યારે મહિલાને આત્મવિલોપન કરતાં રોકી પોલીસે હકીકત જાણવાની કોશિશ કરી હતી. મહિલાએ પોતાના પરિવાર પર થઇ રહેલી આપવિતી અધિકારી સમક્ષ રજૂ કરી મહિલાએ જણાવ્યું કે તેના પરિવારનું ગુજરાન ચલાવનારા તેના પતિને પોલીસે તડીપાર કરી જેલભેગો કરી દીધો છે. 

પીડિત મહિલાએ એ પણ જણાવ્યું કે તેના પતિ વિરોધમાં અગાઉ મારામારીના બે કેસ થયા હોવાથી પોલીસે તેના સામે તડીપાર લગાવી તેને જેલભેગો કરી દીધો છે. પરંતુ તેના કારણે આજે આ પરિવાર નોંધારું અને જીવન નિર્વાહ કરવા માટે લાચાર થઇ ગયું છે અને એટલા માટે જ તેની પત્ની અને પરિવાર તેના પતિની તડીપાર કેન્સલ કરીને પોલીસ તેને પાછો લઈ આવે તેવી જીદ પર અડીને બેઠી હતી. જો પોલીસ તેમ નહીં કરે તો મહિલા પોતાના પ્રાણ પોલીસ સ્ટેશનની સામે જ ત્યાગી દેશે તેવી પોલીસને સ્પષ્ટ ચેતવણી આપી હતી. 

તો બીજી તરફ પોલીસે મહિલાને તડીપાર બાબતે સમજાવતા જણાવ્યું હતું કે તેમની માગણી અયોગ્ય છે અને તે માટે જો મહિલાને કંઈ માંગ કરવી હોય તો સરકાર પાસે જવું પડશે. પરંતુ મહિલાનું કહેવું માત્ર એક જ હતું કે મારા પતિની તડીપાર નાબૂદ કરીને મારા પતિને પાછો લઈ આવો નહિ તો હું આત્મવિલોપન કરીને મારા પ્રાણની આહુતિ આપી દઈશ.

(6:34 pm IST)