Gujarati News

Gujarati News

News of Friday, 15th June 2018

વીએસને અદ્યતન બનાવવામાં ૨૫૦ કરોડનો જંગી ખર્ચ થશે

વીએસને હાઇટેક બનાવવાના પ્રોજેકટમાં ખર્ચ થશેઃ અત્યારસુધીમાં હોસ્પિટલના નિર્માણ પાછળ ૩૪૫ જેટલી રકમ ખર્ચ થઇ ચુકી છે : દર્દીઓને વધુ સુવિધાઓ મળશે

અમદાવાદ,તા.૧૫: શહેરના વિદાય લેતા મેયર ગૌતમ શાહે વીએસ કેમ્પસમાં બનતી ૨૧ માળની અદ્યતન હોસ્પિટલનું સંચાલન મ્યુનિસિપલ કોર્પોરેશન જ કરશે તેવી સ્પષ્ટ જાહેરાત કરીને આ હોસ્પિટલના સંચાલનના સંદર્ભમાં વારંવાર ઊઠતા સવાલો પર પૂર્ણવિરામ મૂકી દીધું છે. બીજીબાજુ, હેલિપેડ સહિતની અનેકવિધ સુવિધાઓ સાથે ખૂબ જ હાઇટેક અને અદ્યતન હોસ્પિટલના નિર્માણ પાછળ અધધધ...ખર્ચો થઇ રહ્યો છે. જેમાં અત્યારસુધીમાં રૂ.૩૪૫ કરોડ તો ખર્ચાઇ ચૂકયા છે અને હજુ બીજા રૂ.૨૫૦ કરોડનો ખર્ચ થાય તેવો અંદાજ સેવાઇ રહ્યો છે. કરોડો રૂપિયાનો અધધધ....ખર્ચ કર્યા બાદ પણ અમ્યુકો તંત્ર દ્વારા શહેરના ગરીબ અને જરૂરિયાતમંદ નાગરિકો અને દર્દીઓને સરળતાથી અને રાહત દરે સારવાર ઉપલબ્ધ બનાવશે તો આ ખર્ચો લેખે લાગશે તેવી ચર્ચા પણ અમ્યુકો વર્તુળમાં ચાલી રહી છે. અગાઉના મેયર ગૌતમ શાહે વી.એસ.હોસ્પિટલના પ્રોેજેકટને લઇ ભારે આત્મવિશ્વાસ સાથે દર્દીઓને અસરકારક અને ઝડપી સારવાર ઉપલબ્ધ બનાવવાની હૈયાધારણ આપી હતી. જો કે, હવે નવા મેયર બીજલબહેન પટેલ પણ શહેરના ગરીબ અને મધ્યમ વર્ગના દર્દીઓને અત્યાધુનિક તબીબી સારવાર ઘરઆંગણે ઉપલબ્ધ કરાવવાની દિશામાં આગળ વધશે તેમાં કોઇ બેમત નથી. જોકે આ નવી હોસ્પિટલનાં નિર્માણ પાછળ મ્યુનિસિપલ તિજોરીમાંથી અત્યાર સુધીમાં રૂ. ૩૪૫ કરોડ જેટલી અધધધ રકમ ખર્ચાઇ ચૂકી છે. જોકે નિર્માણમાં વિલંબ થાય તો આ ખર્ચમાં વધારો થવાની શક્યતા છે. વીએસ હોસ્પિટલના પરિસરના કુલ ૨૭ એકર જમીનમાં પથરાયેલી ૨૧ માળની હોસ્પિટલમાં બે બેઝમેન્ટ, ગ્રાઉન્ડ ફ્લોર, ૧૮ માળ તથા હેલિપેડ-એર એમ્બ્યુલન્સની સગવડ ઉપલબ્ધ બનાવવાની છે. ઇન્ટિગ્રેટેડ બિલ્ડિંગ ઓટોમેશન સિસ્ટમ તથા રેઇન વોટર હાર્વેસ્ટિંગ સિસ્ટમ સાથે સમગ્ર બિલ્ડિંગને અત્યાધુનિક ફાયર સિસ્ટમથી સજ્જ કરાઇ રહી છે. આ સમગ્ર હાઇરાઇઝ બિલ્ડિંગના ત્રણ ટાવરમાં ૨૪ લિફ્ટ એલિવેટર્સ, ઇમર્જન્સીના બે ફાયર કેમ્પ તેમજ બારથી પંદર માળ સુધી ૪૦૦ ડોક્ટર માટે રેસિડેન્ટ ક્વાટર્સ બનાવાઇ રહ્યાં છે. હોસ્પિટલના ૧૮મા માળે ઓપરેશન લાઇવ જોઇ શકાય તેવા ૩૦૦ વ્યક્તિની ક્ષમતાનાં ઓડિટોરિયમનું પણ નિર્માણ થશે. પ્રોજેક્ટનું ૭૫ ટકા કામ પૂર્ણ થઇ ચૂક્યું છે અને જુલાઇના અંત સુધીમાં તેનું લોકાર્પણ કરાશે. આ હોસ્પિટલના નિર્માણ પાછળ અત્યાર સુધીમાં રૂ. ૩૪૫ કરોડ ખર્ચાઇ ચૂક્યા છે, પરંતુ તેના નિર્માણનો અંદાજિત ખર્ચ રૂ. ૫૮૫ કરોડનો હોઇ હજુ રૂ. ૨૫૦ કરોડની રકમ હોસ્પિટલના નિર્માણ માટે ખર્ચાય તેવો અંદાજ સેવાઇ રહ્યો છે.

(9:39 pm IST)