Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

નેત્રંગ-દેડિયાપાડા રોડ પરથી કતલના ઈરાદે ટ્રકમાં લઈ જવાતા 16 પશુઓને પોલીસે મુક્ત કરાવ્યા : બે ઝડપાયા

પોલીસે 1.60 લાખના પશુઓ અને ટ્રક મળી કુલ 4.60 લાખનો મુદ્દામાલ કબજે કર્યો: ચાલક અને ક્લિનરની ક્લીનરની અટકાયત: અન્ય બે વોન્ટેડ જાહેર

નેત્રંગ-દેડિયાપાડા રોડ ઉપર આવેલ શણકોઈ ગામના પાટિયા પાસેથી કતલના ઈરાદે ટ્રકમાં લઈ જવાતા 16 પશુઓને પોલીસે મુક્ત કરાવી કુલ 4.60 લાખનો મુદ્દામાલ કબજે કરી બે શખ્શોને ઝડપી પાડ્યા હતા.

નેત્રંગ પોલીસ મથકના પોલીસ ઇન્સ્પેકટર કે.એન.વાઘેલા અને સ્ટાફ નાઈટ પેટ્રોલીંગમાં હતો. દરમિયાન બાતમી મળી કે,અંકલેશ્વર તરફથી ટ્રક નંબર-જી.જે.15.એ.ટી.4216 માં ગેરકાયદેસર રીતે કતલના ઈરાદે પશુઓ ભરી 2 ઈસમો નેત્રંગ-દેડિયાપાડા માર્ગ ઉપરથી પસાર થવાના છે.

બાતમીના આધારે પોલીસે શણકોઈ ગામના પાટિયા પાસે વોચ ગોઠવી હતી. દરમિયાન બાતમી વાળી ટ્રક આવતા પોલીસે તેને અટકાવી હતી. ટ્રકમાં તપાસ કરતા તાડપત્રી અને લાકડાના પાટિયા ખોલી જોતા તેમાંથી 16 ભેંસો મળી આવી હતી.

પોલીસે તમામ પશુઓને મુક્ત કર્યા હતા અને ભરૂચની લુકમાન પાર્ક સોસાયટીમાં રહેતો ટ્રક ચાલક જીસાન દાઉદ ઈસ્માઈલ મન્સૂ અને ક્લીનર હમઝહ અબ્દુલ ઈબ્રાહીમ પટેલની અટકાયત કરી હતી. જયારે પશુ ભરી આપનાર ભરૂચની નર્મદા ચોકડી સબર હોટલ પાસે રહેતો બલ્લુ હાજી અને ટ્રક માલિક આરીફ કાસમ મન્સૂરીને વોન્ટેડ જાહેર કરી વધુ તપાસ હાથ ધરી છે.

   
(12:42 am IST)