Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

સ્ટેટ મોનીટરીંગ સેલે અંકલેશ્વર GIDCમાંથી દારૂનું ગોડાઉન ઝડપ્યું : દારૂની 486 પેટીઓ સાથે 3 આરોપીઓની ધરપકડ

શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં દરોડા વેળા જ ટ્રકમાંથી દારૂની પેટીઓ ગોડાઉનમાં ખાલી કરતા ઝડપાઇ ગયું

ભરૂચ ;સ્ટેટ મોનીટરીંગ સેલે અંકલેશ્વર GIDC માંથી વધુ એક દારૂનું ગોડાઉન ઝડપી પાડી કાર્યવાહી હાથ ધરી છે. ટ્રકમાંથી ગોડાઉનમાં થલવાતી દારૂની 486 પેટીઓ સાથે 3 આરોપીની ધરપકડ કરાઈ છે.

મળતી પ્રાથમિક માહિતી મુજબ સ્ટેટ મોનિટરિંગ સેલે અંકલેશ્વર GIDC માંથી દારૂનો ગોડાઉન ઝડપી પાડ્યું છે. સારંગપુર ગામની સીમમાં શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં આવેલું ગોડાઉન માલિકે OLX ઉપર ભાડે મૂક્યું હોવાની વિગતો હાલ બહાર આવી છે.

જેના આધારે આરોપીઓએ ગોડાઉન ભાડે રાખ્યું હતું. SMC ને ગોડાઉનમાં દારૂ કટિંગ થઈ રહયો હોવાની બાતમી મળતા દરોડો પાડ્યો હતો.

શ્રી હરિ ઇન્ડસ્ટ્રીયલ એસ્ટેટમાં સ્ટેટ મોનીટરીંગ સેલનાં દરોડા વેળા જ ટ્રકમાંથી દારૂની પેટીઓ ગોડાઉનમાં ખાલી કરતા ઝડપાઇ ગયું હતું. એસ.એમ.સી. એ ટ્રક, દારૂની પેટીઓ સહિત સ્થળ પરથી 3 આરોપીઓની ધરપકડ કરી છે.

ઝડપાયેલ ટ્રક, દારૂની 486 જેટલી પેટીઓ અને 3 આરોપીઓને અંકલેશ્વર જીઆઇડીસી પોલીસ મથકે લાવી ફરિયાદ નોંધાવવા સાથે હાલ દારૂના જથ્થા અને મુદ્દામાલની ગણતરી હાથ ધરવામાં આવી રહી છે.

આરોપીઓએ કેટલા સમયથી કેટલા રૂપિયામાં ગોડાઉન ભાડે રાખ્યું હતું. દારૂનો અત્યાર સુધી કેટલો જથ્થો ગોડાઉનમાં ઠાલવો ત્યાંથી ક્યાં ક્યાં કોને પોહચાડાયો. તેમજ માલ કોણ અને ક્યાંથી મોકલતો હતો. સાથે આ વેપલામાં ક્યાં ક્યાં બુટલેગરો અને આરોપીઓ સંડોવાયેલા છે તેની વિગત તો તપાસ બાદ જ બહાર આવશે.

(12:37 am IST)