Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

તિલકવાડા પોલીસ સ્ટેશનમાં યુવાનને પીએસઆઈ સહિત અન્ય 3 લોકોએ ઢોર માર માર્યો હોવાનો આક્ષેપ

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ચોરમોહડી ગામના ભીલ સમાજના યુવાન મનોજને ઢોર માર માર્યો હોવાના આક્ષેપ સાથે નર્મદા ડીએસપી ને રજુઆત કરી છે.પીડીત યુવાનના પરિવારે તિલકવાડા પીએસઆઈ સહીત અન્ય 3 લોકો વિરૂદ્ધ કોર્ટમાં પણ ફરિયાદ કરી હોવાનું જાણવા મળ્યું છે.

નર્મદા ડીએસપીને કરેલી લેખીત રજુઆત મુજબ તિલકવાડાના ચોરમોહડી ગામનો દિલીપ 8/03/2023 ના રોજ ક્યાંક જતો રહ્યો હતો.દરમિયાન ગામના જ દિનેશ છગનભાઈએ દિલીપ એમની દીકરીને ભગાડીને ગયો હોવાની તિલકવાડા પોલીસમાં ફરિયાદ નોંધાવી હતી.આ બાબતે પોલીસે બોલાવતા 13/03/2023 ના રોજ દિલીપના પરિવારના મહેશ રશિક ભીલ, મનોજ, સુમિત્રાબેન, ઊર્મિલાબેન, ભીખાભાઈ અને સંતોકબેન તિલકવાડા પોલીસ સ્ટેશનમાં ગયા હતા.મનોજના પરિવારે આક્ષેપ લગાવ્યો હતો કે મનોજને પોલીસ સ્ટેશનના ધાબા પર અન્ય 3 પોલીસ કર્મીઓ દ્વારા માર મરાયો હતો.તો આ બાબતે ફરિયાદ કરતા મનોજના પરિવારે તિલકવાડા પીએસઆઈએ ધમકી આપી હોવાનો પણ આક્ષેપ લગાવ્યો છે.
સાંજે 6 કલાકે ઘરે ગયા બાદ મનોજે જણાવ્યું હતું કે પોલીસે મને બોવ માર્યો છે અને જો મારવાની વાત કોઈને કરી તો જાનથી મારી નાખવાની ધમકી આપી છે.આવતીકાલે પણ મને ફરી બોલાવ્યો છે ત્યારે પણ મને મારશે એટલે મારે ઝેરી દવા પીને મરી જવુ છે.જો કે મનોજને 108 માં ગરુડેશ્વર હોસ્પિટલમાં સારવાર અર્થે દાખલ કરાયો હતો.તો ત્યાં તિલકવાડા પોલીસના કર્મીઓએ સમાધાન માટે મનોજનો બળજબરીથી અંગુઠો લીધો હોવાનું પણ રજુઆતમાં જણાવાયું છે.આ ઘટનાં બાબતે મનોજના પરીવારે ભાવેશ લંબુ કાઠિયાવાડી, નરેન્દ્ર જમાદાર, મયુરભાઈ અને તિલકવાડા પીએસઆઈ વિરૂદ્ધ એટ્રોસીટી એક્ટ સહિત 323, 504, 506(2), 342, 114 મુજબ ફરીયાદ નોંધવા કોર્ટમાં ફરિયાદ પણ કરી છે.
- આ બાબતે નર્મદા પોલીસ વડા પ્રશાંત સુંબેએ જણાવ્યું હતું કે કેવડિયા ડીવાયએસપીને આ મુદ્દે તપાસ સોંપાઈ છે, એમની તપાસ બાદ આગળની કાર્યવાહી થશે

   
(10:32 pm IST)