Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

તિલકવાડા તાલુકામાં સગીર દિકરી પર બળાત્કાર કરી ગર્ભવતી બનાવતા તેને ઝેરી દવા પી લેતા મોત

તિલકવાડા પોલીસમાં પહેલા ઝેરી દવા પીવા બાબતનો ગુનો દાખલ થયો ત્યારબાદ સારવાર દરમિયાન સગીરાની સોનોગ્રાફીમાં ગર્ભવતી હોવાનું બહાર આવ્યું ત્યારે બીજો ગુનો નોંધાયા બાદ મોત થયું

(ભરત શાહ દ્વારા)રાજપીપળા : નર્મદા જિલ્લાના તિલકવાડા તાલુકાના એક ગામની સગીર દિકરી ને લગ્નની લાલચે બળાત્કાર કરી ગર્ભવતી બનાવી હોવાનો કિસ્સો પોલીસ મથકે નોંધાયો છે

  પોલીસ સૂત્રોમાંથી પ્રાપ્ત માહિતી અનુસાર તિલકવાડા તાલુકાના એક ગામમાં રહેતી સગીર વયની દીકરીને લગ્ન કરવાની લાલચ આપી તેની સાથે અવાર નવાર શરીર સુખ માણી ગર્ભવતી બનાવતા દીકરીના પિતાએ તિલકવાડા પોલીસ મથકે મિતેશભાઇ રાજુભાઇ બારીયા( રહે.પહાડ તા.તિલકવાડા જી.નર્મદા) વિરૂદ્ધ ફરિયાદ કરતા પોલીસે મીતેશ બારીયા સામે બળાત્કાર અને પોકસો ની કલમ મુજબ ગુનો દાખલ કર્યો છે.

  જોકે બે દિવસ પહેલા જ આ દિકરી એ ઝેરી દવા પી લીધી હોવાથી તેને સારવાર અર્થે વડોદરા એસ.એસ.જી. હોસ્પિટલ લઈ જવાઈ હતી ત્યાં તેની સોનોગ્રાફી કરતા એ ગર્ભવતી હોવાનું બહાર આવ્યું હતું ત્યારબાદ તેના પિતા એ તિલકવાડા પો.સ્ટે.માં મિતેશ બારીયા વિરૂદ્ધ ફરિયાદ આપી હતી જોકે આજે સવારે સારવાર દરમિયાન આ સગીરાનું મોત નીપજ્યું હોવાનું પોલીસ સૂત્રોમાંથી જાણવા મળ્યું છે .આમ તિલકવાડા પોલીસ મથકે પહેલા ઝેરી દવા પીધી હોવાનો અને ત્યારબાદ બળાત્કાર અને પોક્સો હેઠળ ગુના દાખલ થયા છે.

(10:26 pm IST)