Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

રાજયના ખેડુતોને જમીનના હક્ક બાબતે તથા તેમને કોઇ હાલાકી ન પડે અને સુશાસનનો પળેપળ અહેસાસ થાય તે જ અમારો નિર્ધાર:મંત્રી બલવંત સિંહ રાજપૂત

મહેસૂલ વિભાગ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂા.૫૧૪૦ કરોડની બજેટમાં જોગવાઈ: ખેડૂતો પોતાની માલિકીની જમીનને બિનખેતી રૂપાંતર કરાવે તે બિનખેતી પરવાનગીના હુકમમાં બાંધકામની સમયમર્યાદા દૂર કરાઈ:: ગુજરાત વિધાનસભા ખાતે મહેસૂલ વિભાગની માંગણીઓ મંજૂર

ગાંધીનગર :રાજયમાં માળખાગત સુવિધાઓ થકી સુગ્રથિત વિકાસ થાય અને નાગરિકો-ખેડૂતોને મહેસૂલી સેવાઓ સરળતાથી સત્વરે મળી રહે એ માટે રાજય સરકારે મક્કમ નિર્ધાર કરીને સમયબધ્ધ આયોજન કર્યું છે.ટેકનોલોજી ના માધ્યમથી મહત્તમ મહેસૂલી સેવાઓ ઓનલાઈન ઉપલબ્ધ બનાવાઈ છે જેના પરિણામે સંપૂર્ણ પારદર્શીતા સાથે આ સેવાઓ મળતા સમયની પણ બયત થાય છે તેમ ઉદ્યોગ મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું છે.

 ગુજરાત વિધાનસભા ખાતે આજે મુખ્યમંત્રી વતી મહેસૂલ વિભાગની માંગણીઓ રજૂ કરતા મંત્રી બલવંતસિંહ રાજપૂતે જણાવ્યું હતું કે, રાજયના ખેડુતોને જમીનના હક્ક બાબતે તથા તેમને કોઇ હાલાકી ન પડે અને સુશાસનનો પળેપળ અહેસાસ થાય તે આશયથી મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઇ પટેલના માર્ગદર્શન હેઠળ મહેસૂલ વિભાગ માટે નાણાંકીય વર્ષ ૨૦૨૩ - ૨૪ માટે રૂા.૫૧૪૦ કરોડની બજેટમાં જોગવાઈ કરી છે.
તેમણે ઉમેર્યું કે, પાટણ ખાતે નવી કલેકટર કચેરી તથા ઈડર, બાબરા, ઉપલેટા, અને માળીયા (હાટીના) ખાતે નવી મામલતદાર કચેરીના બાંઘકામ તથા ઉંઝા અને ભિલોડા મામલતદાર કચેરીના પ્રથમ માળના બાંઘકામ માટે આ વર્ષે રૂ.૪૫.૫૫ કરોડની જોગવાઇ કરાઈ છે.
આ ઉપરાંત નાગરિકોને વધુ સારી સુવિધાઓ માટે રાજયની સબ રજીસ્ટ્રાર અને સ્ટેમ્પ  કચેરીઓ ના રીનોવેશન અને અપગ્રેડેશન  માટે ૭.૪૦ કરોડ ની જોગવાઇ, નવી છ સબ રજીસ્ટ્રાર કચેરીના બાંધકામ માટે રૂ. ૧૧.૪૫ કરોડ અને અમદાવાદ ખાતે સ્ટેમ્પ ડ્યુટી અને નોંધણી ભવન બનાવવા માટે રૂ. ૨૪.૩૯ કરોડની જોગવાઇ કરાઈ છે.
મંત્રીએ મહેસૂલી સેવાઓ ઝડપથી મળી રહે એ માટે રાજય સરકારે કરેલા ક્રાંતિકારી મહેસૂલી સુધારાની વિગતો આપતા કહ્યું કે,કચ્છ જિલ્લામાં અંદાજે ૮૦ કરતા વધુ ગામોમાં હજારોની સંખ્યામાં ભૂકંપ અસરગ્રસ્ત લોકોના  મકાન ધારકોને સનદ કે માલિકી હક્ક આપવા માટે ગામોમાં ગામતળ નીમ કરવા અને અસરગ્રસ્ત કબજેદારોને મકાનની કબજા કિંમત વસૂલ્યા સિવાય સનદ/માલિકી હક્ક આપવાની કાર્યવાહી કરવામાં આવી છે.રાજ્યના ખેડૂતો પોતાની માલિકીની જમીનને બિનખેતી રૂપાંતર માટે અરજી કરે ત્યારે તેના બિનખેતી પરવાનગીના હુકમમાં જમીન મહેસૂલ નિયમ અન્વયે  “છેલ્લા ત્રણ વર્ષમાં બાંધકામ પૂર્ણ કરવાનું રહેશે” તે મુજબની શરત રાખવામાં આવતી હતી. સંજોગવશાત બિનખેતીનું બાંધકામ સમયમર્યાદા (ત્રણ વર્ષ)માં  પૂર્ણ કરવામાં ન આવે તો શરતભંગની કાર્યવાહી કરવામાં આવતી હતી.આ શરતભંગ અન્વયે લોકોને પડતી હાડમારી નિવારવા, વહીવટના સરળીકરણ અને પારદર્શીતા લાવવાના હેતુસર અમારી સરકારે બાંધકામની સમયમર્યાદાની શરત દૂર કરવા નિર્ણય કરેલ છે અને શરતભંગના કેસો ચલાવતી સમયે બિનખેતી પરવાનગીના હુકમમાં બાંધકામની સમયમર્યાદા બાબતના કેસોને શરતભંગ ન ગણવાનો મહત્વનો નિર્ણય કર્યો છે.
મંત્રીએ ઉમેર્યું કે,આદિજાતિ વિસ્તારના ૧૪ જિલ્લાઓના ૫૩ તાલુકાઓના ૫૪૩ ગામોમાં મોબાઈલ નેટવર્ક કનેક્ટીવીટી મળે અને સરકારના યોજનાકીય લાભો અને ઓનલાઈન શિક્ષણથી આદિજાતિ વિસ્તારના લોકો વંચિત ન રહે એ માટે આદિજાતિ વિસ્તારના મોબાઈલ નેટવર્ક કનેક્ટીવિટી વિહોણા ૫૪૩ ગામોમાં મોબાઈલ ટાવર પ્રસ્થાપિત કરવા માટે સેલ્યુલર ઓપરેટરને મહત્તમ ૨૦૦ ચો.મી. ની મર્યાદામાં સરકારી/ગામતળની જમીન ૩૦ વર્ષના ભાડાપટ્ટે ફાળવાઈ છે.રાજ્યમાં રમત ગમત મેદાન અને  સ્પોર્ટસ સંકુલ માટે જિલ્લા કક્ષાએ ૧૫ થી ૨૦ એકર, તાલુકા કક્ષાએ ૬ થી ૭ એકર અને ગ્રામ્ય કક્ષાએ ૩ થી ૪ એકરમાં મેદાન માટે જમીન ફાળવવા અંગેના માપદંડો નિયત કરાયા છે.
તેમણે કહ્યું કે,મહેસૂલ વિભાગે ૨૪ ઈનામી નાબૂદી કાયદાઓ હેઠળ કબજા હક્કની શરતો નાબૂદ કરી છે જેનાથી ઈનામી નાબૂદી કાયદાઓની જમીનના કબ્બજેદારોની હાડમારીનો અંત આવ્યો છે. પેઢીનામામાં સોગંદનામાના બદલે સ્વ-ઘોષણાપત્ર અમલી કરાયું છે.જેનાથી નાગરિકો ના સમય અને નાણાનો બચાવ તેમજ અગાઉ ફકત ખેતીની જમીન અને બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) માટે જ પેઢીનામું બનાવી આપવાની જોગવાઈ હતી. જેના બદલે હવેથી  ખેતીની જમીન અને બિનખેતીની જમીન (ખુલ્લા પ્લોટ) ઉપરાંત મકાનો, ફ્લેટ, એપાર્ટમેન્‍ટ, વાણિજ્ય દુકાનો, ઓફીસો જેવી તમામ સ્થાવર મિલકતો માટે પણ પેઢીનામું બનાવી આપવાની જોગવાઈ કરાઈ છે.
 તેમણે કહ્યું કે, ખેડૂતોના વિકાસ તથા ઉદ્યોગોના વિકાસને એક જ ૫ટલ ૫ર લાવવાનું કામ ઇંટીગ્રેટેડ ઓનલાઇન રેવન્યુ એપ્લીકેશન પોર્ટલ / આઇઓરા iORA થકી સાર્થક બન્યું છે તેમ જણાવી મંત્રી શ્રી એ ઉમેર્યું કે,રાજયનો ખેડૂત આઇઓરા પોર્ટલ થકી ખેડૂત ખરાઇ ની અરજી,વારસાઇ નોંઘ, હયાતી માં હકક દાખલ વગેરે નોંઘો માત્ર એક જ પોર્ટલ ૫રથી કરી શકે છે. તેમજ  ડીજીટલી સાઇન સાથેના તથા ક્યુ આર કોડવાળા ગામ નમુના નં. ૬,૭/૧૨ તથા ૮-અની નકલો, ડીજીટલી સીલ્ડ પ્રો૫ર્ટી કાર્ડની નકલ, ડીજીટલી સહી કરેલ દસ્તાવેજની નકલ ગ્રામ પંચાયત ખાતેથી તથા ઘરે બેઠા ઓનલાઇન ૫ણ મેળવી શકે છે.
 આઇઓરા પોર્ટલ થકી બીનખેતી સેવા સંલગ્ન અરજીઓ જેવી કે પ્રિમિયમની નવી શરતની જમીનની અરજી,બોનાફાઇડ ૫ર્ચેઝરની અરજી, પ્રામાણિક ઐાઘોગીક હેતુ માટે જમીન ખરીદવા ની અરજી જેવી કુલ-૩૪ પ્રકારની સેવાઓ ઓનલાઇન ઉ૫લબ્ઘ કરાવવામાં આવી રહી છે.
આઇઓરા પોર્ટલ સાથે સીટી સર્વે ઇન્ફોરમેટીક સીસ્ટમ અને ઈ-ધરાના જોડાણથી રાજ્યમાં શહેરી તથા ગ્રામ્ય વિસ્તારોમાં બિનખેતીની પરવાનગી મળતાની સાથે જ, બિનખેતી કરાવનાર તમામ નાગરીકોને, કોઈ પણ અરજી કર્યા વિના સીધા જ પ્રોપર્ટી કાર્ડ બનીને, ડિજિટલી ઉપલબ્ધ થઇ જાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે.
મંત્રીએ ઉમેર્યું કે,ખેતીની જમીનના વેચાણના કિસ્સામાં અગાઉ સબરજીસ્ટ્રાર ક્ચેરી ખાતે નોંધણી પ્રક્રિયા પૂરી કર્યા બાદ તેની ફેરફાર નોંધ ઇ-ધરા કેન્દ્રમાં પાડવામાં આવતી હતી. તેને બદલે ઓટોમ્યુટેશન થાય તે હેતુથી ગરવી સોફ્ટવેરમાં સબરજીસ્ટ્રાર કચેરી ખાતે વેચાણ લેનાર, વેચાણ આપનાર તથા થર્ડ પાર્ટીના નામ, સરનામા વગેરે વિગતો દાખલ કરીને તે ડેટા ગરવી સોફ્ટવેર સીસ્ટમ દ્વારા ઓનલાઇન ઇ-ધરામા જાય છે. જેમાં, કાચી ફેરફાર નોંધ અને કલમ-૧૩૫-ડી ની નોટીસ જનરેટ થાય છે. આમ, ખેતીના જમીનમા વેચાણની ફેરફાર નોંધ ઓટોમ્યુટેશન પધ્ધતિથી દાખલ કરવાની સુવિધા સરકારે કરી છે.
આ ઉપરાંત વારસાઇની ફેરફાર નોંધ માટે ઓનલાઇન અરજી કરવાની દાખલ કરવામા આવેલ સુવિધા હયાતીની હક્ક દાખલ કરવા માટે પણ અમલમાં મૂકવામાં આવી છે.હયાતીમાં હક્ક દાખલ કરવા માટે અગાઉ અરજદારે નિયત ફોર્મમાં અરજી, જરૂરી પુરાવા જેવા કે હયાતીમા હક્ક દાખલનો સંમતી લેખ, પેઢિનામુ વગેરે સહિત ઇ-ધરાના નાયબ મામલતદારને નોંધ પાડવા માટે રજૂ કરવામાં આવતું અને તેના આધારે ઇ-ધરામાં કાચી ફેરફાર નોંધ પાડવામાં આવતી હતી. આ સેવા વધુ ઝડપી, સરળ અને સુવિધાપૂર્ણ બને તે માટે અરજદાર આઇઓરા પોર્ટલમાં ઓનલાઇન અરજી કરી શકે તેવી પધ્ધતિ વિકસાવાઈ છે.
તેમણે ઉમેર્યું કે,દસ્તાવેજની નોંધણીની પ્રક્રિયામાં વધુ પારદર્શકતા લાવવા તથા પક્ષકારોનો કિંમતી સમય બચે, સરકારી સંસાધનોનો યોગ્ય ઉપયોગ થઈ શકે તે હેતુથી ગરવી વેબ એપ્લિકેશન અપગ્રેડ કરી ગરવી ટુ પોઇ‌ન્ટ ઝીરો ૨.૦ લોન્ચ કરવામાં આવ્યુ છે.ગરવી ૨.૦ ના અમલીકરણ થી દસ્તાવેજ નોંધણી માટેની સમગ્ર પ્રક્રિયાનો સમયગાળો ૨૦ મિનીટથી ઘટીને  ૭ થી ૮ મિનિટ નો થયો છે.પક્ષકારો ઘરે બેઠા ઓનલાઈન નામ, સરનામા તથા મિલકત ની વિગતો ની ડેટા એન્ટ્રી કરી ઓનલાઈન ફી ભરી દસ્તાવેજ નોંધણી માટે અપોઇમેન્ટ મેળવી શકે છે.આ સુવિધાથી પક્ષકારોના સમયનો બચાવ થાય છે તથા કચેરીમાં તેમના કામનો ભૂલ રહિત ઝડપી નિકાલ થાય છે.સબરજીસ્ટ્રાર કચેરીઓમાં નોંધાયેલ લેખોની ઇન્ડેક્ષ-૨ની નકલ અને દસ્તાવેજની પ્રમાણિત નકલ ઘરે બેઠા ઓનલાઈન મેળવી શકાય તે માટેની સુવિધા આઇઓરા પોર્ટલ પર ઉપલબ્ધ કરાઈ છે.
મંત્રીએ કહ્યું કે,અમદાવાદ-મુંબઇ હાઇસ્પીડ રેલ પ્રોજેકટ, વડનગર ડેવલોપમેંટ પ્રોજેક્ટ, બ્લ્યુ ફ્લેગ બીચ, ભાડભુત યોજના, રાજકોટ- ગ્રીન ફિલ્ડ એરપોર્ટ, મીયાગામ- કરજણ-ડભોઇ-સમલાયા રેલવે લાઇન ગેઝ કન્વર્ઝન જેવા મહત્વના પ્રોજેક્ટ માટે જમીન સંપાદનની કામગીરી ચાલી રહી છે.
ખેડૂત ખાતેદારને  ઝડપથી વળતર મળી રહે તેમજ રાજ્ય કે કેંદ્ર સરકારના અતિમહત્વના પ્રોજેક્ટ સમયમર્યાદામાં પૂર્ણ થઈ શકે તેવા આશયથી ગતિશક્તિ ગુજરાત અંતર્ગત જમીન સંપાદનની કામગીરી ઓનલાઈન થઈ શકે તે માટે બાયસેગ, ગાંધીનગર અને જી.આઈ.ડી.બી.ના પરામર્શમાં જમીન સંપાદન પોર્ટલ વિકસાવવામાં આવ્યુ છે.જેમાં જમીન સંપાદન માટેના જાહેર નામા ઓનલાઈન પોર્ટલના માધ્યમથી મંજુર કરવાનું ફરજિયાત કરવામાં આવ્યું છે.આનાથી કલમ-10 (ક), કલમ-11(1) અને કલમ-19(1) ના સંપાદનના જાહેરનામા મંજુર કરવાનું પહેલાં કરતા ઝડપી અને પારદર્શક બન્યું છે.
તેમણે ઉમેર્યું કે રાજયમાં મૂળ સરવે પછી પ્રથમવાર સમગ્ર રાજયની ખેતીની જમીનોની નવેસરથી આધુનિક માપણીની ટેકનોલોજીનો ઉપયોગ કરી જમીન સાથે હીત ઘરાવતા તમામને ચોકકસ અને ડીજીટલ રેકર્ડ પુરો પાડવાના હેતુથી સંકલીત કાર્યક્રમ હાથ ધર્યો છે જે હેઠળ રાજયના તમામ ૩૩ જિલ્લામાં કામગીરી પ્રગતિ હેઠળ છે. માપણી હેઠળના કુલ ૧૮,૦૪૬ ગામો પૈકી કુલ ૧૮૦૩૫ ગામમાં માપણી પુર્ણ થઈ છે અને ૧૧૯૮૮ ગામના રેકર્ડ પ્રમોલગેટ કરી અમલવારી કરવામાં આવી છે.રી સરવે પછી હકપત્રક (ગામ નમુના નં ૭) સાથે જે તે સરવે નંબરનો નકશો આપનાર ગુજરાત દેશમાં પ્રથમ રાજય છે.
રાજ્યમાં રી સરવેના પ્રમોલગેશન બાદના ખેડુત ખાતેદારોની વાંધા અરજીઓ માટે સાદી અરજી લઇને તથા કોઇપણ માપણી ફી લીધા વગર વાંધા અરજી નિકાલની કામગીરી કરવામાં આવે છે. હાલમાં રાજ્યના કુલ ૩૩ જિલ્લામાં કુલ ૫,૯૩,૦૬૨ વાંધા અરજી મળી છે જે પૈકી ૪,૫૧,૩૨૨ વાંધા અરજીનો માપણી પુર્ણ કરી નિકાલ કરાયો છે.
એટલુંજ નહીં,રી-સરવે પ્રમોલગેશન થયેલ ગામોના ડીઝીટલ નકશાને “ભુ-નકશા” એપ્લોકેશનમાં  ૧૧૯૮૮ ગામોના નકશાને ડીઝીટલ જી આઇ એસ બેઝ ઓનલાઈન અપલોડ કરવામાં આવ્યાછે.અને તે પૈકી ૧૧૯૨૮ ગામોના નકશાના સરવે નંબરોમાં યુનિક લેન્ડ પાર્સલ આઇડેન્‍ટીફીકેશન નંબર તૈયાર કરવામાં આવ્યા છે.
રાજયમાં રી સરવે રેકર્ડ પ્રમોલગેશન બાદ તૈયાર થયેલ જીયોગ્રાફિકલ કોર્ડીનેટવાળા ડીઝીટલ નકશાઓના રેકર્ડને અદ્યતન કરી નિભાવણી માટે ડી જી પી એસ (DGPS) મશીનોની ખરીદીની  પ્રક્રિયા કરવામાં આવી છે. આ કામગીરી ઝડપી બનાવવા ડી.જી.પી.એસ (DGPS)  મશીનો માટે વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં રૂ. ૨૮૦૦ લાખ ની જોગવાઇ કરવામાં આવી છે.  
મંત્રીએ ઉમેર્યું કે,રાજયમાં સ્વામિત્વ યોજના અંતર્ગત વર્ષ ૨૦૨૨-૨૩માં રાજયના ૪૬૬૩ ગામોમાં ડ્રોન દ્વારા મિલકતોની માપણી કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.૨૬૮ ગામો ગ્રાઉન્ડ ટ્રુથીંગની કામગીરી અને ૧૦૯ ગામોમાં પ્રમોલગેશન અને ૧૮,૫૮૬ પ્રોપર્ટીકાર્ડ તૈયાર થયાછે.વર્ષ ૨૦૨૩-૨૪ ના બજેટમાં ડ્રોન થી માપણી કર્યા બાદના પ્રોપર્ટી કાર્ડ તૈયાર કરવાની સ્વામિત્વ યોજના ની કામગીરી કરવા રૂ. ૪૦૫ લાખ ની જોગવાઇ કરવામાં આવી છે.  સીટી સર્વે કચેરીઓમાં રહેલ મિલ્કતોને લગતા જુના ઓરીજીનલ રેકર્ડના  સ્કેનિંગની કામગીરી માટે વર્ષ ૨૦૨૩-૨૪ માટે  રૂ.૫૦૦/- લાખની,પી.એમ ગતી શક્તિ પોર્ટલ પર શહેરી વિસ્તારોના નકશા ઇમેજ ઉપલબ્ધ કરાવવા માટેની કામગીરી માટે વર્ષ ૨૦૨૩-૨૪ માટે રૂ.૨૫૨.૫૦/- લાખ ની જોગવાઇ કરવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે રાજયમાં આવનાર કોઇપણ આપતિ સામે દ્રઢપણે મુકાબલો કરીને નાગરિકોને સહાયરૂપ થવુ એ અમારી પ્રાથમિકતા છે. કુદરતી આફતોમા સહાયરૂપ થવા કૃષિ,ખેડૂત કલ્યાણ અને સહકાર વિભાગને કૃષિ રાહત પેકેજ અંતર્ગત નાના અને સીમાંત ખેડૂતોને સહાય માટે  રૂા.૧૧૯, ૯૨, ૭૦, ૪૦૧ તથા કોરોના વાઇરસ અંતર્ગત વુમન ડીગનીટી કીટ માટે પાંચ જિલ્લા કલેકટર કચેરીને રૂ.૨૦,૧૫, ૦૦૦ અને કોરોનાના કારણે મૃત્યુ પામેલ વ્યકિતના વારસદારોને રહેમરાહે ચૂકવણી અર્થૅ તમામ કલેકટર કચેરીને કુલ રૂ.૪૮,૫૩,૦૦, ૦૦૦ ની ગ્રાંન્ટ ફાળવાઈ છે.
આ ઉપરાંત વર્ષાઋતુ-૨૦૨૨ દરમ્યાન રાજયમાં સરેરાશ વરસાદના ૧૨૨.૦૯ ટકા વરસાદ નોંધાયેલ છે. જે અન્વયે રાજય સરકાર દ્રારા માનવમૃત્યુ સહાય પેટે રૂા.૫૮૦ લાખ, પશુમૃત્યુ સહાય માટે- રૂા.૧૬૧.૭૦ લાખ, રોકડ સહાય રૂા.૪૧૭.૭૧ લાખ, ઘરવખરી સહાય રૂા.૭૮૦.૨૯ લાખ, ઝુંપડા સહાય રૂા. ૨.૪૨ લાખ અને મકાન સહાય પેટે રૂા.૨૧૦.૬૨ લાખ અસરગ્રસ્ત વિસ્તારોમાં ચૂકવવામાં આવી છે.
તેમણે ઉમેર્યું કે,માળખાકીય સુવિધાઓમાં ઉત્તરોત્તર વધારો કરવા માટે જ્યારે જમીનની જરૂરીયાત હોય ત્યારે, સરકારી જમીનનો યોગ્ય હેતુ માટે મહત્તમ ઉપયોગ થઇ શકે તે માટે સરકાર સરકારી જમીન ની ફાળવણી કરે છે. વડોદરા ખાતે રાષ્ટ્રીય મહત્વની સંસ્થા ઇન્ડીયન ઇન્સ્ટીટ્યુટ ઓફ ઇન્ફરમેશન ટેકનોલોજી (IIIT),વડોદરાને ૫૦ એકર સરકારી જમીન, ઓખા અને બેટ દ્વારકા વચ્ચે સરળતાથી આવાગમન થાય તે સીગ્‍નેચર બ્રીજ ના હેતુ માટે કુલ ૧,૧૫,૫૮૧ ચો.મી. સરકારી જમીન, ગુજરાત ઇન્ટરનેશનલ ફાયનાન્સ ટેક-સીટી કંપની લી. ગીફ્ટ સીટી ને ચાલુ નાણાકીય વર્ષમાં વધુ ૨,૮૬,૫૧૭ ચો.મી. જમીનની, બીએસએફ, મિલિટરી, નેવી, કોસ્ટગાર્ડ વગેરેને ૧૮,૫૫,૬૯૮ ચો.મી. જમીન,નગરપાલિકા, મહાનગરપાલિકા તથા શહેરી વિકાસ સત્તામંડળોને વિવિધ આવાસ યોજનાઓ માટે ૩૩,૯૪૦ ચો.મી. જમીન,પી.એચ.સી., સી.એચ.સી, અને પેટા આરોગ્ય કેન્દ્ર માટે ૯,૭૬૫ ચો.મી. જમીન,દૂધ ઉત્પાદક મંડળીઓ અને સહકારી મંડળીઓ ને ૧,૧૮,૪૧૯ ચો.મી. જમીન ફાળવાઈ છે.
આ ઊપરાંત પ્રધાનમંત્રીનો ડ્રીમ પ્રોજેક્ટ "બુલેટ ટ્રેન” અને ડેડિકેટેડ ફ્રેઇટ કોરિડોર માટે સરકારે ૩,૮૯,૭૯૭ ચો.મી. જમીન,શહેરી વિસ્તારમાં પાણી પુરવઠા તથા ગટર વ્યવસ્થાની માળખાકીય સુવિધા સુપેરે મળી રહે તે આશયથી નગરપાલિકા, મહાનગરપાલિકા, પાણી પુરવઠા બોર્ડને જંત્રીના ૧૦ ટકા કિંમતે કુલ ૪,૬૩,૪૯૧ ચો.મી. જમીન,વીજ સબસ્ટેશન માટે જેટકોને ૫,૫૪,૧૬૩ ચો.મી. જમીન અને જી.આઇ. ડી.સી.ને ૩,૪૩,૪૬૦ ચો.મી. જેટલી બહોળા પ્રમાણમાં જમીન ફાળવાઈ છે.
તેમણે ઉમેર્યું કે,કચ્છમાં વર્ષ-ર૦૦૧ માં આવેલ ભયાનક ભૂકં૫ના પીડિતોને શ્રઘ્ઘાજંલી આ૫વાના અને કચ્છના પુન:નિર્માણ અને પુન:સ્થા૫ન માટે દાખવેલ નેતૃત્વને દર્શાવવાના હેતુથી ભુજ ખાતે સ્મૃતિવન મેમોરીયલનું નિર્માણ કરવામાં આવેલ છે. પ્રથમ તબકકામાં ૧૧,૦૦૦ ચો.મીટરનું બાંઘકામ કરાયું છે. જેમાં ૭(સાત) ઇન્ટરએકટીવ ગેલેરીઓમાં વિશ્વની સૌથી મોટી ધરતીકંપ સિમ્યુલેટર, ડિજિટલ હોમેજ ગેલેરી, જાણીતા કલાકારોના શિલ્પો, ૨૩૪ બેઠક ક્ષમતાનું ઓડિટોરિયમ, કાફે, પુસ્તકાલય, સોવેનીયર શોપનો સમાવેશ કરવામા આવ્યો છે.
ગુજરાત રાજ્‍ય ૧૬૦૦ કિ.મી. લાંબો દરિયાકિનારો ધરાવે છે જે વાવાઝોડા માટે સંવેદનશીલ છે. વારંવાર આવનાર વાવાઝોડાથી વ્‍યક્‍તિની જાનહાની તથા સરકારી અને વ્‍યક્‍તિગત માલમિલકતોને ખૂબ જ નુકશાન પહોંચે છે,જે વિકાસની ગતિમાં અવરોધ ઉત્‍પન્ન કરે છે. જેને ધ્‍યાને લઈને જી.એસ.ડી.એમ.એ દ્વારા વિશ્વ બેંક અને એન.ડી.એમ.એના સહયોગથી રાષ્ટ્રીય ચક્રવાત જોખમ શમન પ્રોજેક્ટ અમલમાં મુકવામાં આવ્યો છે. નાણાંકીય વર્ષ ૨૦૨૩-૨૪માં આ યોજના માટે રૂા.૪૪૦૦ લાખ ની બજેટમાં જોગવાઈ સૂચવવામાં આવી છે

(6:46 pm IST)