Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ચોરીના કેસમાં ઝડપાયેલ બાળ આરોપીની બોર્ડની પરીક્ષા ના બગડે તેવી સુરત પોલીસની કામગીરી

બોર્ડની પરીક્ષાઓ પુરી થયા બાદ તેને જુવેનાઈલ હોમ મોકલવા માટેની તજવીજ

સુરત જિલ્લાના કડોદરા ખાતે ત્રણ દિવસ પૂર્વે જ્વેલર્સમાં ધાડ પાડીને પાંચ લાખની ચોરી થતાં હોબાળો મચી જવા પામ્યો હતો. આ સમગ્ર પ્રકરણમાં સ્થાનિક પોલીસ દ્વારા સીસીટીવી કેમેરાના આધારે તસ્કરોને ઝડપી પાડવાના ચક્રો ગતિમાન કરવામાં આવ્યા હતા.

  આ દરમ્યાન ગત મોડી રાત્રે વરેલી ખાતે રહેતા એક બાળ આરોપી સહિત બેની ધરપકડ કરવામાં આવી છે. આશ્ચર્યની વાત એ છે કે પોલીસના હાથે ઝડપાયેલ બાળ આરોપી હાલ ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યો હોવાને કારણે પોલીસ દ્વારા તેના ભવિષ્યને ધ્યાને રાખીને બોર્ડની પરીક્ષાઓ પુરી થયા બાદ તેને જુવેનાઈલ હોમ મોકલવા માટેની તજવીજ હાથ ધરવામાં આવશે. પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ બન્ને આરોપીઓ મોજ - શોખ માટે ચોરી કરતાં હોવાનું જાણવા મળ્યું છે.

મળતી માહિતી મુજબ કડોદરા ખાતે ગત ૧૨મી માર્ચના રોજ મોડી રાત્રે મોનિકા જ્વેલર્સમાં તસ્કરો ત્રાટક્યા હતા. સીસીટીવીમાં નજરે પડેલા બે આરોપીઓ દ્વારા શો – રૂમમાં રાખવામાં આવેલા સોના-ચાંદીના ઘરેણાં મળીને અંદાજે ૫ લાખ રૂપિયાની ચોરી કરવામાં આવી હતી. બનાવ અંગે જાણ થતાં જ ઘટના સ્થળે પહોંચેલા કડોદરા સહિતના ઉચ્ચાધિકારીઓ દ્વારા લૂંટારૂઓને ઝડપી પાડવામાં માટેની તજવીજ હાથ ધરવામાં આવી હતી.

  જેમાં પ્રાથમિક તપાસ દરમ્યાન સીસીટીવી કેમેરાના આધારે પોલીસ દ્વારા આસપાસના વિસ્તારોમાં સઘન તપાસ ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી અને અંતે આ પ્રકરણમાં સંડોવાયેલા આરોપીઓમાં એક બાળ આરોપી હોવાનો ઘટસ્ફોટ થયો હતો. અને વરેલી ખાતે રહેતા બાળ આરોપીઓની અટકાયત કરવામાં આવી હતી. જોકે તે ધોરણ ૧૦ની પરીક્ષા આપી રહ્યો હોવાનું જાણવા મળતાં પોલીસ પણ ચોંકી હતી.

 

મુળ પાલી ગામના વતની આ બન્ને શ્રમિક પરિવારના આ બન્ને આરોપીઓ દ્વારા જ્વેલર્સમાંથી ચોરી કર્યા બાદ બે લાખ રૂપિયા પિતાઓને આપ્યા હતા. આ અંગે જ્યારે પોલીસ દ્વારા તેઓના પિતાની ઉલટતપાસ હાથ ધરવામાં આવી ત્યારે ખુદ પિતાના પગ તળેથી પણ જમીન સરકી ગઈ હતી. પલસાણા જીઆઈડીસીમાં નોકરી કરતાં તેઓના પિતાએ જણાવ્યું હતું કે, રૂપિયા આપતી વખતે આ બન્ને આરોપીઓએ તેઓને ગેમ્સમાં રૂપિયા જીત્યા હોવાનું જણાવ્યું હતું. જો કે, પોલીસ દ્વારા બાકીની રકમ અંગે પૂછપરછ કરતાં તેઓએ મોબાઈલ અને કપડાં પાછળ ખર્ચ્યા હોવાનું જણાવ્યું હતું.

 

 

 

કડોદરામાં જવેલર્સમાં ચોરીના આરોપમાં ઝડપાયેલા રવિ અને કિશન નામના આરોપીઓ વરેલીમાં સાથે રહેતા અને એક જ શાળામાં ભણતાં હોવાનું જાણવા મળ્યું છે. પોલીસ દ્વારા હાથ ધરવામાં આવેલી પ્રાથમિક પૂછપરછ દરમ્યાન આ બન્ને આરોપીઓ દ્વારા જણાવ્યું હતું કે, એક વર્ષ પૂર્વે ઘર પાસે જ એક દુકાનમાંથી તેઓએ છ લાખ રૂપિયાની ચોરી કરી હતી. આ અંગેની જાણ થતાં પોલીસ પણ ચોંકી ઉઠી હતી. જો કે, વધુ તપાસ હાથ ધરતાં દુકાનદાર દ્વારા આ અંગે પોલીસ ફરિયાદ નોંધાવવામાં ન આવી હોવાનું જાણવા મળ્યું હતું.

(6:31 pm IST)