Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

વડોદરામાં ધો.12 સાયન્સની વિદ્યાર્થીની મોબાઇલ ફોન રાખી ગેરરીતી કરતા પકડાઇ: કમરમાં સંતાડી લાવી હતી

વડોદરા :રાજ્યમાં ધોરણ 10 અને ધોરણ 12ની બોર્ડની પરિક્ષા ચાલી રહી છે. ત્યારે કડક સુરક્ષા વચ્ચે આ બોર્ડની પરિક્ષા ચાલી રહી છે. સીસીટીવી પણ લગાવવામાં આવે છે જેથી પરિક્ષામાં કોઇ વિદ્યાર્થીને ચોરી કરવાની તક ન મળે.પરંતુ આમ છતાં વડોદરામાં એક વિદ્યાર્થી પરિક્ષામાં સાથે મોબાઇલ લઇ ગયો હતો અને આ બાબતની પ્રિન્સિપાલને જાણ થતાં મામલો પોલીસ સ્ટેશન પહોંચ્યો હતો.

આ બનાવની વિગત મુજબ શહેરમાં આવેલી ઉત્કર્ષ વિદ્યાલયના પ્રિન્સીપાલે નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતુ કે ગઇ કાલે ઉત્કર્ષ વિદ્યાલયમાં ધોરણ 10ના બોર્ડ કેન્દ્રના સ્થળ સંચાલક તરીકે ફરજ પર હતા ત્યારે બ્લોક નંબર 27માં સુપરવાઇઝર તરીકે પરેશભાઇ બી. પ્રજાપતિ હતા. આ દિવસે ધોરણ-12નું વિજ્ઞાનનું ભૌતિક શાસ્ત્રનું પેપર હતુ. જેમાં બ્લોક નં-27માં એક વિદ્યાર્થીના ખોળામાં મોબાઇલ જોવા મળ્યો હતો. સુપરવાઇઝરને આ ધ્યાનમાં આવતા મને જાણ કરી હતી. આ સાથે જ અમે ઓબ્ઝવર ડી.બી.સવાણીને સાથે રાખીને કલાસરૂમમાં ગયા હતા.

 

જ્યાં વિદ્યાર્થીનીને ઓબ્ઝવર દ્વારા બહાર લઇ જઇને ચેક કરવામાં આવતા વિદ્યાર્થીનીએ કમરના ભાગે મોબાઇલ ફોન સંતાડી રાખ્યો હતો. આમ પરિક્ષા સમયે વિદ્યાર્થીની પરિક્ષા ખંડમાં બિનઅધિકૃત રીતે પોતાની પાસે મોબાઇલ ફોન રાખી ગેરરીતી કરતા પકડાઇ હતી.જેથી અમે જિલ્લા શિક્ષણાધિકારીને કચેરી તરફથી પરિક્ષામાં ગેરરીતી કરતા પકડાયેલ વિદ્યાર્થી બાબતે જાણ કરી હતી અને તેના વિરૂદ્ધ ગોત્રી પોલીસ સ્ટેશનમાં એફ.આઇ.આર નોંધાવી હતી.

(6:30 pm IST)