Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

બેટ દ્વારકાથી ઓખા પહોંચવા વિદ્યાર્થીઓ માટે ખાસ બોટની વ્યવસ્થા :ઓખા મરીન પોલીસની પ્રસંસનીય કામગીરી

મરીન પોલીસ દ્વારા વિદ્યાર્થીને પરિક્ષાખંડમાં ઉપયોગમાં આવે એવા ભેટ સ્વરૂપે પેન, પેન્સિલ જેવા ઉપહારો પણ અપાયા

અમદાવાદ :  રાજ્યમાં ગઇ કાલે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષા શરૂ થઇ છે. ગઇ કાલે પહેલુ પેપર હતુ અને આજે બીજુ પેપર છે. ત્યારે રાજ્યમાં લાખો વિદ્યાર્થીઓ આ પરિક્ષા આપી રહ્યા છે જેમાં વિદ્યાર્થીની પરીક્ષા માટે દ્વારકા જિલ્લા પોલીસની સરાહનીય કામગીરી કરવામાં આવી છે.

ગઇ કાલથી શરૂ થઈ બોર્ડની પરીક્ષામાં બેટ દ્વારકા ટાપુ પર રહેતા ધોરણ 10 અને 12 ના વિદ્યાર્થીઓની મદદ માટે ઓખા મરીન પોલીસ આગળ આવી છે. બોર્ડની પરીક્ષામાં વિદ્યાર્થીઓ સમયસર પહોંચી શકે તે માટે ઓખા મરીન દ્વારા તેમની મરીન પોલીસની બોટમાં વિદ્યાર્થીઓને આવવાની વ્યવસ્થા કરાઇ છે.

  વિદ્યાર્થીઓ પરીક્ષામાં મોડા ન પડે તે માટે તથા કોઇ મુશ્કેલી ન પડે તે હેતુથી ઓખા મરીન પોલીસ સ્ટેશનના સ્ટાફ દ્વારા સ્કૂલના આચાર્ય તથા વાલીઓનો કોન્ટેક કરી ઓખા મરીન પોલીસની સરકારી બોટની વ્યવસ્થા કરવામાં આવી છે. અને વિદ્યાર્થીઓને શુભેચ્છા પણ આપવામાં આવી હતી.

 દેવભૂમિ દ્વારકા જિલ્લાના બેટ ટાપુ પર આવવા જવા માટે બોટ સિવાય કોઇ બીજો રસ્તો નથી. ત્યારે બોર્ડના વિદ્યાર્થીઓને પરિક્ષા ખંડમાં પહોંચવા કોઇ મુશ્કેલી ન પડે તે માટે પોલીસ દ્વારા આ ખાસ પ્રકારની વ્યવસ્થા કરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે આટલું જ નહીં મરીન પોલીસ દ્વારા વિદ્યાર્થીને પરિક્ષાખંડમાં ઉપયોગમાં આવે એવા ભેટ સ્વરૂપે પેન, પેન્સિલ જેવા ઉપહારો આપીને વિદ્યાર્થીઓનું પ્રોત્સાહન વધાર્યુ હતુ. પોલીસની આ સરાહનીય કામગીરી જોઇને વિદ્યાર્થીઓમાં પણ ખુશી જોવા મળી હતી.

(6:29 pm IST)