Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ઓટીપી તથા અન્ય કોઇ ટ્રાઝેક્શનના મેસેઝ આવ્યા વિના લાખ ગાયબ :વડોદરા સાયબર ક્રાઇમમાં ફરિયાદ:બે શખ્શો ઝડપાયા

જરૂર ના હોય તો આધારકાર્ડનું બાયોમેટ્રિક વેરિફિકેશન ઓપ્શન બંધ રાખવું હિતાવહ: આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટની કોપી બનાવી લોકોની જાણ બહાર રૂપિયા ઉપાડી લઇ ફ્રોડ કરતાં બે ઇસમોને વડોદરા સાયબર ક્રાઇમે પકડી પાડ્યા

વડોદરા : ટેકનોલોજી જેટલી ફાયદાકારક છે એટલી જો માહિતી ન હોય તો નુકસાનકારક પણ છે. જાણ બહાર મિનિટોમાં લાખો રૂપિયાના ટ્રાન્ઝેકેશન થઇ જતા હોય છે. ત્યારે આધારકાર્ડ અને પાનકાર્ડ પણ આજે એટલા મહત્વના છે. આ સાથે જ જરૂર ના હોય તો આધારકાર્ડનું બાયોમેટ્રિક વેરિફિકેશન ઓપ્શન બંધ રાખવું હિતાવહ છે. કારણ કે આધારકાર્ડ અને ફિંગર પ્રિન્ટની કોપી બનાવી લોકોની જાણ બહાર રૂપિયા ઉપાડી લઇ ફ્રોડ કરતાં બે ઇસમોને વડોદરા સાયબર ક્રાઇમે પકડી પાડ્યા છે.

આ બનાવની વિગત મુજબ સાયબર ક્રાઇમમાં નોંધાયેલી ફરિયાદમાં જણાવ્યા મુજબ ફરિયાદીએ બેન્કમાં જઇ સ્ટેટમેન્ટ કઢાવતા તેઓના બેંક ખાતામાંથી અલગ-અલગ તારીખોમાં 10,000ના કુલ 10 ટ્રાન્ઝેકેશન થયા હતા. જેમાં કુલ 1,00,000 તેઓની જાણ બહાર ઉપાડી ગયા હતા. જેના ઓટીપી તથા અન્ય કોઇ ટ્રાઝેક્શનના મેસેઝ તેઓને આવેલ ન હતા અને બેંકના કર્મચારીએ તેઓને જણાવ્યુ હતુ કે રૂપિયા તેઓના આધાર કાર્ડ અને ફિંગર પ્રિંટથી ઉપાડેલ છે. જેથી ફરિયાદીને ફ્રોડની જાણ થઇ હતી. અને સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી.

જેથી આધાર કાર્ડ અને ફિંગર પ્રિંટનો ઉપયોગ કરી ફરિયાદીના ખાતામાંથી કુલ 1,00,000 તેઓની જાણ બહાર ટ્રાન્સફર કરી લઇ તેઓની સાથે ઇલેક્ટ્રોનિક માધ્યમથી ઓનલાઇન છેતરપિંડી કરી હતી. ફરિયાદ મુજબ છેતરપિંડી કરનાર સામે ગુન્હો દાખલ કરવામાં આવ્યો હતો જેમાં ગુનાની તપાસ કરતાં ટેકનિકલ ફાઇનાસીયલ એનાલીસીસીના આધારે 2 ઇસમો સંડોવાયેલ હોવાનું જાણવા મળ્યુ હતુ. જેમાં આરોપી સંજીવકુમાર બાબુભાઇ બારીયા (રહે.દાહોદ) અને સતીશ કાન્તીભાઇ ભાભોરે (રહે.દાહોદ) ફરિયાદીનો આધારકાર્ડ અને ફિંગરપ્રિન્ટનો ડેટા મેળવીને ફિંગરપ્રિન્ટનો ફોટો પાડીને તેનો દુરુપયોગ કર્યો હતો. ખોટુ બેન્ક ખાતુ ખોલીને તેમજ પોતાના બેન્ક ખાતામાં aadhaar enabled payment system ના માધ્યમથી પૈસા ટ્રાન્સફર કરીને ઉપાડી લેતા હતા.

પોલીસે આરોપી પાસેથી જુદી-જુદી કંપનીના 13 મોબાઇલ,ફીંગર પ્રિન્ટ ડીવાઇસ 2 નંગ, સ્પાઇરલ ફાઇલ તેમજ ડીબીટી એન્ટ્રી માહિતી પત્રક ભરેલ ફોર્મના મોટા બંચ, જુદી જુદી કંપનીના મોબાઇવ સીમ કાર્ડ 186 નંગ,આધારકાર્ડ, પાનકાર્ડ, લેપટોપ સહિતનો મુદ્દામાલ જપ્ત કર્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે જો તમારે પણ આવી છેતરપિંડીથી બચવુ હોય તો જરૂર ના હોય તો આધારકાર્ડનું બાયોમેટ્રિક વેરિફિકેશન ઓપ્શન બંધ રાખવું હિતાવહ છે.

(6:27 pm IST)