Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ખેડૂતોને કૃષિલક્ષી તાલીમ આપી આર્થિક રીતે સધ્ધર કરવા એ જ અમારો નિર્ધાર : કૃષિ યુનિવર્સિટીમાં થતા સંશોધનો અને નવીન ટેકનોલોજીનું માર્ગદર્શન ખેડૂતોને તાલીમ દ્વારા અપાય છે: કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલ

અમદાવાદ જિલ્લામાં ૧,૫૯૦ ખેડૂતોને સંસ્થાકીય તાલીમ અપાઈ

રાજકોટ તા.૧૫

રાજ્યના કૃષિ મંત્રી રાધવજીભાઈ પટેલે જણાવ્યું છે કે, રાજ્યના ખેડૂતોની આવક બમણી થાય અને આર્થિક રીતે સધ્ધર બને એ માટે રાજ્ય સરકારે મક્કમ નિર્ધાર કર્યો છે.રાજ્ય સરકાર દ્વારા કૃષિલક્ષી કૌશલ્ય તાલીમ કાર્યક્રમ અંતર્ગત ખેડૂતોને સંસ્થાકીય,પ્રિસીઝનલ તથા અન્ય માર્ગદર્શન માટે તાલીમ પૂરી પાડવામાં આવે છે. રાજ્ય માં કાર્યરત ચારેય કૃષિ યુનિવર્સિટીઓમાં ખેતી માટે થતા સંશોધનો તથા વૈજ્ઞાનિક ઢબે ટેકનોલોજીના માધ્યમ દ્વારા માર્ગદર્શન મળી રહે એ માટેનું સંપૂર્ણ માર્ગદર્શન આ તાલીમમાં પુરૂ પાડવામાં આવે છે.

આજે વિધાનસભા ખાતે અમદાવાદ જિલ્લામાં કૃષિલક્ષી કૌશલ્ય વિકાસ તાલીમ કાર્યક્રમ અંગેના પ્રશ્નના પ્રત્યુત્તરમાં મંત્રીશ્રી પટેલે કહ્યું કે, અમદાવાદ જિલ્લામાં છેલ્લા બે વર્ષમાં ૧,૫૯૦ ખેડૂતોને સંસ્થાકીય તાલીમ આપવામાં આવી છે જેમાં ૭૮૦ મહિલાઓ અને ૮૧૦ પુરુષોનો સમાવેશ થાય છે. આ પાછળ રૂ. ૧૯,૭૩,૧૬૬નો ખર્ચ રાજ્ય સરકાર દ્વારા કરાયો છે.  

મંત્રીશ્રી એ ઉમેર્યું કે, આ તાલીમનો મુખ્ય હેતુ પ્રવર્તમાન ટેકનોલોજીના યુગમાં વૈજ્ઞાનિક ઢબે ખેતી કરીને પાક ઉત્પાદન વધે એ આશયથી થતા સંશોધનો અને ટેકનોલોજીનું મહત્તમ માર્ગદર્શન આપવામાં આવે છે.જેમાં સંસ્થાકીય તાલીમ તથા પ્રિસીઝનલ તાલીમ કાર્યક્રમ,રાજ્ય બહાર પ્રવાસ કાર્યક્રમ સહિતના પ્રયાસો સરકાર દ્વારા કરાય છે. આ તાલીમના પરિણામે ખેડૂતો સારી રીતે ખેતી કરીને પાક ઉત્પાદન વધારી શકે છે. ખેતી આજે એક ઉદ્યોગ તરીકે બન્યો છે ત્યારે નવી ટેકનોલોજી, બજાર વ્યવસ્થા, બજાર ભાવ સહિતની માહિતી તાલીમમાં આપવામાં આવે છે. આધુનિક યુગમાં મહિલાઓ પણ વિકાસમાં સહભાગી બની રહી છે ત્યારે મહિલાઓને પણ આ પ્રકારની તાલીમ આપીને આર્થિક રીતે સધ્ધર કરવાના પ્રયાસો રાજ્ય સરકાર દ્વારા હાથ ધરાય છે. તેમ તેમણે ઉમેર્યું હતું.

(4:43 pm IST)