Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

જયારે સુરતના બોર્ડના વિદ્યાર્થી માનવ માટે લોકરક્ષક ઇમતિયાઝભાઈ દેવદૂત સાબિત થયા

પરીક્ષા સેન્‍ટર સમજવામાં ભૂલ, પિતા મૂકી ચાલ્‍યા ગયેલ, રિક્ષા ભાડાના રૂપિયા ન હતા, અને ચમત્‍કાર સર્જાણો :સીપી અજય કુમાર તોમરની પ્રજાલક્ષી જાહેર કરેલ નીતિ આશીર્વાદરૂપ બની, એ વિધાર્થીને સમયસર મૂળ સેન્‍ટર પર પોલીસ દ્વારા પોતાનાં બાઈક પર પહોંચાડી દેવાયો

રાજકોટ તા.૧૫:  સુરતના લોકપ્રિય પોલીસ કમિશનર અજયકુમાર તોમર દ્વારા ધોરણ ૧૦,૧૨ બોર્ડની પરીક્ષા વિદ્યાર્થીઓ માટે ખૂબ અગત્‍યની હોવાનું અને આવા સમયે તેમને કોઈ જાતનો સ્‍ટ્રેસ ન આવે તે માટે એક ઓછી જાણીતી પણ ખૂબ મહત્‍વની બાબતે લીધેલ મહત્‍વના નિર્ણયને કારણે સુરતમાં પ્રથમ દિવસે જ એક વિદ્યાર્થીની કારકિર્દી રોળાય જતા અટકવા સાથે ત્રણ થી ચાર કિસ્‍સામાં વિદ્યાર્થીઓ માટે આશીર્વાદરૂપ બનતા વાલીઓ દ્વારા પોલીસ કમિશનર અજય કુમાર તોમર તથા મદદરૂપ બનેલ સ્‍ટાફને દિલથી દુઆ આપી હતી.                  

આમાં એક કિસ્‍સો તો ખૂબ અગત્‍યનો અને ખૂબ મહત્‍વનો છે અને વિધાર્થીમાટે આશીર્વાદરૂપ બન્‍યો તેની વાત જાણીએ.                               

સુરતના માનવ દવે નામના વિધાર્થી ને તેમના પિતા સરથાણા જકાત નાકા પાસે પરીક્ષા સેન્‍ટર પર્‌ ઉતારી પોતાના અગત્‍યના કામે ચાલ્‍યા ગયા, હવે પરીક્ષા સેન્‍ટર સમજવામાં ભૂલ હતી, માનવનું પરીક્ષા સેન્‍ટર વરાછા કૌશલ વિદ્યાલય હતું, રિક્ષા ભાડાના ચૂકવવાના રૂપિયા ન હતા, ખિસ્‍સું ખાલી હતું, એટલે મૂંઝવણ અનુભવી રોડ પર ઉભો હતો.

આ દરમિયાન ફરજ પર રહેલ લોકરક્ષક ઈમ્‍તિયાઝ ભાઈ ની નજરે આ દૃશ્‍ય પડ્‍યું, પરિસ્‍થિતિ સમજતા તેમને વાર ન લાગી, પાસે જય કોઈ મૂંઝવણ છે તેવું પૂછતા માનવે સેન્‍ટર સમજવામાં થયેલ ભૂલ, રિક્ષા ભાડાના રૂપિયા ન હોવાનું જણાવતા , ઈમ્‍તિયાઝભાઈ દ્વારા તેને આશ્વાસન આપી પોતાના બાઈક પર્‌ તેના મૂળ સેન્‍ટર પર સમયસર પહોંચાડી દેતા માનવનું આખું વર્ષ બગડતા અટકી ગયેલ. અન્‍ય ત્રણ ચાર કિસ્‍સામાં પણ ટ્રાફિકમાં ફસાયેલ વિદ્યાર્થીઓને પોલીસ મદદ કરી હતી, આવા પ્રજાલક્ષી નિર્ણયથી પોલીસ કમિશનર અને સમગ્ર સુરત પોલીસની કામગીરી પર લોકો આફ્રિન પોકારી ઊઠયા છે.

(4:39 pm IST)