Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ઓનલાઇન વેલ્‍યુએશન પ્રમાણે હવે સ્‍ટેમ્‍પ ડયુટી

ડિજિટલાઇઝેશનની દિશામાં નાગરિકો માટે સરકારનું વધુ એક આવકારદાયક પગલુ : જમીન હોય કે મકાન જંત્રી અથવા બજાર પ્રમાણે કિંમત નક્કી કરી ર્સર્ટિફિટેક ઇશ્‍યુ કરશે

અમદાવાદ,તા. ૧૫ : મકાન હોય કે જમીન, મિલ્‍કતનું વેલ્‍યુએશન નક્કી કરી નિયમ મુજબ ભરવાની થતી સ્‍ટેમ્‍પ ડયુટીનો અભિપ્રાય આપવા માટે હવે સરકારે ઓનલાઇન સિસ્‍ટમ અમલી બનાવી છે. આ સિસ્‍ટમ ૧૫મી માર્ચને બુધવારથી રાજયભરમાં અમલી બનાવવામાં આવી છે. હવેથી મિલકતનું ઓનલાઇન વેલ્‍યુએશન કરી કલમ-૩૧ હેઠળ સ્‍ટેમ્‍પ ડયુટીનો અભિપ્રાય આપવામાં આવશે.

મહેસુલ વિભાગની મોટા ભાગની કામગીરી ઓનલાઇન કરી દેવામાં આવી છે. અરજદારોએ સરકારી કચેરીઓના ધક્કા નહી ખાવા પડે તેથી મેન્‍યુઅલી કામગીરીને પણ તબક્કાવાર રીતે ઓનલાઇન કરવામાં આવી રહી છે. જ્‍યારે ગુજરાત સરકારે ડિજિટલાઇઝેશનની દિશામાં નાગરિકના હિત માટે વધુ એક આવકારદાયક પગલુ ભર્યું છે. સરકારે મિલકતની બજાર કિંમત નક્કી કરી નિયમ મુજબ ભરવાની થતી સ્‍ટેમ્‍પ ડયુટીની રકમ નક્કી કરવા ઓનલાઇન સિસ્‍ટમ અમલી બનાવી છે. અત્‍યાર સુધી કઇક અરજદારને પોતાની મિલકતની બજાર કિંમત ખબર નહીં હોય તે કિસ્‍સામાં દસ્‍તાવેજની નોંધણી સમયે સ્‍ટેમ્‍પ ડયુટી કેટલી ભરવી અથવા સ્‍ટેમ્‍પ ડયુટી ભરવા મુદ્દે અસમંજસની પરિસ્‍થિતી હોય તો તેવા કિસ્‍સામાં ડેપ્‍યુટી કલેકટર સ્‍ટેમ્‍પ ડયુટીને મેન્‍યુઅલી અરજી કરવી પડતી હતી. અરજદાર દ્વારા અરજી કરાયા બાદ ડેપ્‍યુટી કલેકટર બજાર કિંમત નક્કી કરી ભરવાની થતી સ્‍ટેમ્‍પ ડયુટી અંગેનો અભિપ્રાય આપતા હતા.

પરંતુ હવે આ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામાં આવી છે. ૧૫મી માર્ચથી મેન્‍યુઅલી અરજી સ્‍વીકારવાનું બંધ કરી ફરજિયાતપણે ઓનલાઇન અરજી સ્‍વીકારાશે અરજદારોએ irems.gujarat.gov.in પોર્ટલ પર અરજી કરવાની રહેશે. વેબસાઇટ ઉપર ઇ-ફાઇલિંગમાં જઇને લોગિંન આઇડી બનાવવાની રહેશે. ત્‍યારબાદ મિલકતની જરૂરી વિગતો ભરીને અરજી કરવાની રહેશે.(૨૨.૬)

કલમ-૩૧ હેઠળની કાર્યવાહી ઓનલાઇન

અત્‍યાર સુધી કલમ-૩૧ હેઠળની કાર્યવાહી માટે અરજદારો અરજી કરતા હતા. ત્‍યારબાદ જંત્રી અને બજાર કિંમત પ્રમાણે વેલ્‍યુએશન કરી તેના પર કેટલી સ્‍ટેમ્‍પ ડયુટી ભરવાને થાય તે નક્કી કરાતુ હતું. પરંતુ હવે આ તમામ પ્રક્રિયા ઓનલાઇન કરી દેવામાં આવે છે. અરજદારે કલમ ૩૧ માટે પણ ઓનલાઇન અરજી કરવાની રહેશે. અરજી મળ્‍યાના બે દિવસમાં તેનો સ્‍વીકાર કે અસ્‍વીકાર કરવાનો રહેશે. તેમજ ૧૦ દિવસની અંદર અરજીનો નિકાલ કરી દેવાનો રહેશે. ઉપરાંત અરજદારની અરજી મળે એટલે સ્‍ટેમ્‍પ ટયુટીની ગણતરી કરી કલમ-૩૧ હેઠળ અભિપ્રાય ઓનલાઇન આપવાનો રહેશે.

(10:58 am IST)