Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

મેડિકલ ઇન્‍સ્‍યુરન્‍સ કલેમ માટે હોસ્‍પિટલમાં દાખલ થવું જરૂરી નથી

વડોદરા ગ્રાહક ફોરમનો મહત્‍વનો ચૂકાદો : કંપનીને ચુકવણુ કરવા આદેશ : જો દર્દી હોસ્‍પિટલમાં દાખલ થયો ન હોય તો તેનાથી મેડિકલ વીમાનો દાવો નબળો નથી પડી જતો : મેડિકલ કલેમ ફગાવી ન શકાય : દર્દીએ હોસ્‍પિટલમાં દાખલ થવું જરૂરી નથી

વડોદરા તા. ૧૫ : વડોદરા ગ્રાહક ફોરમે મેડિકલ ઈન્‍સ્‍યોરન્‍સને લગતા મામલામાં મોટો નિર્ણય આપ્‍યો છે. ફોરમના જણાવ્‍યા અનુસાર, મેડિકલ ઇન્‍શ્‍યોરન્‍સનો દાવો કરવા માટે જરૂરી નથી કે કોઈ વ્‍યક્‍તિને હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હોય અથવા તેને માત્ર ૨૪ કલાક માટે જ દાખલ કરવામાં આવેલ હોય. ગ્રાહક ફોરમ વતી મેડિકલ ઈન્‍સ્‍યોરન્‍સ કંપનીને દર્દીને ચૂકવણી કરવાનો આદેશ આપવામાં આવ્‍યો છે.

હકીકતમાં, વડોદરામાં રમેશચંદ્ર જોષીએ ૨૦૧૭માં ગ્રાહક ફોરમમાં નેશનલ ઈન્‍સ્‍યોરન્‍સ કંપની વિરૂદ્ધ ફરિયાદ કરી હતી. જોશીએ દાવો કર્યો હતો કે તેમની પત્‍નીને ૨૦૧૬માં ડર્માટોમાયોસિટિસ થયો હતો અને તેને અમદાવાદની લાઇફકેર ઇન્‍સ્‍ટિટ્‍યૂટ ઓફ મેડિકલ સાયન્‍સ એન્‍ડ રિસર્ચ સેન્‍ટરમાં દાખલ કરવામાં આવી હતી. જોષીની પત્‍નીને સારવાર બાદ બીજા દિવસે રજા આપવામાં આવી હતી.

 આ પછી જોશીએ કંપનીને ૪૪,૪૬૮ રૂપિયાનું બિલ ચૂકવવાનું કહ્યું હતું. પરંતુ વીમા કંપનીએ જોશીનો દાવો ફગાવી દીધો હતો. જોષીએ આ અંગે ગ્રાહક ફોરમમાં ફરિયાદ કરી હતી. વીમા કંપનીએ કલમ ૩.૧૫ને ટાંકીને જોશીની અરજી ફગાવી દીધી હતી. કંપનીની દલીલ એવી હતી કે દર્દીને સતત ૨૪ કલાક સુધી દાખલ કરવામાં આવ્‍યો ન હતો.

આ પછી જોશીએ મેડિકલ ઈન્‍સ્‍યોરન્‍સ કંપની વિરૂદ્ધ ગ્રાહક ફોરમનો સંપર્ક કર્યો. તેમણે ફોરમ સમક્ષ તમામ દસ્‍તાવેજો રજૂ કર્યા. તેણે દાવો કર્યો કે તેની પત્‍નીને ૨૪ નવેમ્‍બરે સાંજે ૫.૩૮ કલાકે દાખલ કરવામાં આવી હતી. જયારે ૨૫ નવેમ્‍બર ૨૦૧૬ના રોજ સાંજે ૬.૩૦ કલાકે તેમને રજા આપવામાં આવી હતી.

તે જ સમયે, ફોરમે કહ્યું કે જો એવું માની લેવામાં આવે કે દર્દીને ૨૪ કલાકથી ઓછા સમયમાં હોસ્‍પિટલમાં દાખલ કરવામાં આવ્‍યો હતો. તેમ છતાં તે તબીબી વીમાનો દાવો કરવા માટે હકદાર છે. આજે, આધુનિક યુગમાં, પદ્ધતિઓ અને દવાઓ વિકસિત થઈ છે, આવી સ્‍થિતિમાં, ડોક્‍ટરો તે મુજબ સારવાર કરે છે.

(10:46 am IST)