Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

ગુજરાતની વિકાસયાત્રાને દેશ-દુનિયામાં સમક્ષ ઉજાગર કરવાનું કામ માહિતી વિભાગ કરી રહ્યો છે: મંત્રી રાઘવજીભાઈ પટેલ

પ્રગતિ, પ્રતિતિ, પરિણામ અને પ્રત્યાયનના મંત્રને સાચા અર્થમાં ચરીતાર્થ કરતો માહિતી અને પ્રસારણ વિભાગ: સત્યને તોડી મરોડીને જનતાને ગુમરાહ કરતાં મુદ્દાઓ સામે જનહિતલક્ષી સત્ય રજૂ કરતો માહિતી વિભાગ: ગુજરાત પાક્ષિક, રોજગાર સમાચાર અને ધ ગુજરાત જેવા પ્રકાશનોનું લોકોમાં અનેરું આકર્ષણ: સોશિયલ મીડિયાના યોગ્ય ઉપયોગથી રાજ્ય સરકારની યોજનાઓ નાગરિકોના આંગળીના ટેરવે પહોંચી

ગાંધીનગર : વડાપ્રધાન મોદીએ આપેલા ‘ગુજરાત મારો આત્‍મા, ભારત મારો પરમાત્મા’ મંત્રને માહિતી ખાતાની અસરકારક અને પરિણામલક્ષી પ્રચાર પ્રસારની કામગીરીથી રાજ્ય સરકારે સુપેરે સિધ્ધ કર્યો છે, તેમ કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે જણાવ્યું હતું. પ્રચાર-પ્રસારના સાધનોનો સમૂચિત ઉપયોગ કરીને રાજ્યનું માહિતી ખાતું જનતાને વિકાસલક્ષી યોજનાઓ અને જનહિતને વરેલી મૃદુ અને મક્કમ મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઇ પટેલના નેતૃત્વ હેઠળની રાજ્ય સરકારના મહત્વપૂર્ણ કાર્યક્રમોની જાણકારી લોકોને સમયસર, ઝડપથી અને વિશ્વસનીય રીતે પૂરી પાડે છે, તેમ તેમણે ઉમેર્યું હતું.

વિધાનસભા ખાતે માહિતી અને પ્રસારણ વિભાગની અંદાજપત્રીય માંગણીઓનો મુખ્યમંત્રી વતી જવાબ આપતા કૃષિ મંત્રી રાઘવજીભાઈ પટેલે ઉમેર્યું હતું કે, ઇન્ફોર્મેશન બ્લાસ્ટ અને આદાન-પ્રદાનના આ યુગમાં ગુજરાતની વિકાસયાત્રાની છબી દેશ અને દુનિયામાં ઉજાગર કરવાની દિશામાં ગુજરાત અને ગુજરાતીઓના ગૌરવને સુપેરે રજૂ કરવામાં રાજ્યના માહિતી વિભાગની ભૂમિકા સરાહનીય રહી છે. જેના પરિણામે આજે દેશ અને દુનિયાના લોકો ગુજરાત અને ગુજરાતીઓને સન્માનપૂર્વક જૂએ છે.
  મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, પ્રગતિ, પ્રતિતિ, પરિણામ અને પ્રત્યાયનના મંત્રને સાચા અર્થમાં ચરીતાર્થ કરવા માહિતી વિભાગે વિવિધ માધ્યમોના સમુચિત સમન્વય થકી રાજ્ય સરકારની વાત યથા-તથા સ્વરૂપે સમાજ સમક્ષ મૂકીને પ્રજા અને સરકાર વચ્ચે કડીરૂપ ભૂમિકા ભજવી છે. તેમણે ઉમેર્યું હતું કે, સત્યને તોડી મરોડીને જનતાને ગુમરાહ કરતાં અને ખોટા મુદ્દા ઊભા કરી કાગારોળ મચાવતાં તક સાધુઓની મનધડંગ વાત સામે માહિતી વિભાગે હંમેશા જનહિતલક્ષી સત્ય રજૂ કરીને ડંકાની ચોટ ઉપર જડબાતોડ જવાબો આપ્યા છે.
મંત્રીએ વધુમાં જણાવ્યું હતું કે, માહિતી વિભાગે સમાચાર યાદી દ્વારા વધુને વધુ પ્રચાર પ્રસિદ્ધિ થાય તે માટે ગુજરાતી ઉપરાંત હિન્દી અને અંગ્રેજી એમ ત્રણેય ભાષામાં નિયમિત રીતે સમાચાર યાદીઓ પ્રસિદ્ધ કરીને માધ્યમોમાં બહોળી સ્વિકૃતિ મેળવી છે. આ ઉપરાંત માહિતી વિભાગ દ્વારા જ પ્રસિદ્ધ થતાં ગુજરાત પાક્ષિક, ગુજરાત રોજગાર સમાચાર અને અંગ્રેજીમાં પ્રસિદ્ધ થતું ધ ગુજરાત ત્રિમાસિક જેવા પ્રકાશનોએ લોકોમાં અનેરું આકર્ષણ જમાવ્યું છે.
મંત્રી પટેલે ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારના માહિતી વિભાગે ઈન્ટરનેટ અને સોશિયલ મીડિયાના માધ્યમોનો યોગ્ય ઉપયોગ કરીને રાજ્ય સરકારની કલ્યાણકારી યોજનાઓ નાગરિકોના આંગળીના ટેરવે મૂકી છે. આ ઉપરાંત કુદરતી આફતોના સમયે પણ માહિતી ખાતાએ સોશિયલ મીડિયાના પ્લેટફોર્મનો અસરકારક અને પરિણામલક્ષી ઉપયોગ કરીને બચાવ, રાહત અને સહાયની કામગીરીમાં અમૂલ્ય યોગદાન આપે છે.
વધુમાં મંત્રીએ ઉમેર્યું હતું કે, રાજ્ય સરકારની જાહેરખબરોને વધુ અસરકારક બનાવવા માહિતી નિયામકની કચેરી ખાતે જ ઇનહાઉસ ડિઝાઇનીંગ અને મેટર તૈયાર કરવાની વ્યવસ્થા ઉભી કરવામાં આવી છે જેના કારણે જાહેરખબર વધુ અસરકારક અને વૈવિધ્યસભર બની શકી છે. માહિતી નિયામકની કચેરી દ્વારા તસવીર પ્રદર્શનો દ્વારા પણ રાજ્ય સરકારની પ્રચાર પ્રસિદ્ધિ કરી પ્રજાલક્ષી યોજનાઓ છેવાડાના માનવી સુધી પહોંચાડવાનું કામ કરવામાં આવી રહ્યું છે.
મંત્રી પટેલે માહિતી અને પ્રસારણ વિભાગ હેઠળ પ્રચાર અને પ્રસાર માટે રૂ. ૧૮૫.૫૫ કરોડની માગણી ગૃહ સમક્ષ રજૂ કરી હતી.

(7:54 pm IST)