Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

નવદુર્ગા હાઈસ્કૂલ ખાતે અધિક કલેકટરે બોર્ડ પરીક્ષા આપવા જતાં વિદ્યાર્થીને ગુલાબ આપી શુભેચ્છા પાઠવી

-----નર્મદા જિલ્લામાં ધોરણ.૧૦ અને ૧૨ ની બોર્ડની જાહેર પરીક્ષાઓનો શાંતિપૂર્ણ માહોલમાં થયેલો પ્રારંભ: આજથી પ્રારંભાયેલી બોર્ડની બંને જાહેર પરીક્ષાઓમાં જિલ્લાભરની શાળાઓમાં નોંધાયેલા કુલ- ૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે
     ફોટો navdurga
( ભરત શાહ દ્વારા)રાજપીપળા : ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા ધોરણ- ૧૦ (SSC)  અને ૧૨ (HSC) ની જાહેર પરીક્ષાઓનો તા.૧૪ મી માર્ચથી નર્મદા જિલ્લામાં શાંતિપૂર્ણ માહોલમાં પ્રારંભ થયો છે. બોર્ડની આ જાહેર પરીક્ષાઓના પ્રારંભે આજે સવારે ધોરણ-૧૦ના પરીક્ષાર્થીઓને રાજપીપલાની શ્રી નવદૂર્ગા હાઈસ્કૂલ ખાતે અધિક જિલ્લા મેજીસ્ટ્રેટ સી.એ.ગાંધી, જિલ્‍લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારા, જાયન્ટ્સ ગૃપ ઓફ રાજપીપલાના પ્રમુખ રૂપલબેન દોશી અને સ્વૈચ્છિક સંસ્થાના હોદ્દેદારો, સંસ્થાના કેમ્પસ ડાયરેક્ટર નિમેષભાઈ પંડ્યા,શાળાના સ્ટાફગણ વગેરેએ પણ  પરીક્ષાર્થીઓને ગુલાબના પુષ્પ સાથે સાકરથી મોઢું મીઠું કરાવીને પરીક્ષામાં ઉજ્જવળ કારકિર્દી માટે શુભેચ્છાઓ પાઠવી હતી.              

 આ પ્રસંગે જિલ્‍લા શિક્ષણાધિકારી એમ.સી.ભુસારાએ માધ્યમો સાથે વાત કરતા જણાવ્યું હતું કે, નર્મદા જિલ્લામાં આજથી પ્રારંભાયેલી બોર્ડની આ જાહેર પરીક્ષા માટે ધોરણ- ૧૦ ની પરીક્ષામાં બોર્ડની આ જાહેર પરીક્ષાઓમાં જિલ્લામાં ધોરણ-૧૦ માં જિલ્લાના ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯,૮૧૬ વિદ્યાર્થીઓ પરીક્ષા આપી રહ્યાં છે.

  સમગ્ર જિલ્લામાં તમામ પ્રકારનો પોલીસ બંદોબસ્ત અને વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. પેપર લાવવા-લઈ જવાની વ્યવસ્થામાં હથિયારધારી પોલીસ જવાનોની સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે. તેમજ વિદ્યાર્થીઓને કોઈ તકલીફ ન પડે તે માટે જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના માર્ગદર્શન હેઠળ જિલ્લા વહિવટીતંત્ર ધ્વારા જરૂરી વ્યવસ્થાઓ ઉભી કરવા સાથે જરૂરી પ્રાથમિક સારવારની પુરતી દવાઓની પણ સુવિધા કરવામાં આવી છે. વિદ્યાર્થીઓ શાંતિપૂર્વક અને નિર્ભયતાથી પરિક્ષા આપી પરિક્ષામાં સફળતા મેળવે તેવી શુભેચ્છાઓ પણ તેમણે પાઠવી હતી. 

  અત્રે ઉલ્લેખનીય છે કે, આજથી પ્રારંભાયેલી બોર્ડની આ બંને જાહેર પરીક્ષાઓમાં જિલ્લાભરમાંથી કુલ- ૧૪,૬૨૪ વિદ્યાર્થીઓ પરીક્ષામાં બેસશે, જેમાં ધોરણ-૧૦ માં જિલ્લામાં ૧૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૯,૮૧૬ વિદ્યાર્થીઓ માટે ૩૧ પરિક્ષા બિલ્ડીંગોમાં ૩૪૨ બ્લોક નક્કી કરાયા છે. જ્યારે ધોરણ- ૧૨ સામાન્ય પ્રવાહની પરીક્ષામાં ૦૬ પરીક્ષા કેન્દ્રો ખાતે ૫૨૪૪ પરીક્ષાર્થીઓ બેસશે, જે માટે ૧૩ બિલ્ડીંગમાં ૧૭૧ બ્લોક નક્કી કરાયા છે.

 ધોરણ- ૧૨ વિજ્ઞાન પ્રવાહમાં જિલ્લામાં બે પૈકી રાજપીપલામાં શ્રી એમ.આર.વિદ્યાલય, સરકારી હાઈસ્કૂલ રાજપીપલા અને શ્રીમતી સુરજબા મહિડા કન્યા વિનય મંદિર ખાતે જ્યારે દેડીયાપાડામાં સેન્ટ ઝેવિયર્સ હાઇસ્કુલ નિવાલ્દા મળી કુલ ૬૧ બ્લોકમાં ૧૨૫૦ વિદ્યાર્થીઓ પરીક્ષા આપશે.

 આ પ્રસંગે અધિક જિલ્‍લા મેજીસ્ટ્રેટ સી.એ. ગાંધીએ વિદ્યાર્થીઓને શુભેચ્છા પાઠવવા સાથે શ્રી નવદુર્ગા હાઈસ્કૂલમાં ઊભા કરાયેલા સીસીટીવી કન્ટ્રોલ રૂમનું નિરિક્ષણ કર્યું હતું. જ્યારે શિક્ષણાધિકારી એમ.સી. ભુસારાએ રાજપીપલાની અન્ય શાળાઓના પરીક્ષા કેન્દ્રો ખાતે પરીક્ષાર્થીઓ સાથે શુભેચ્છા મુલાકાત લઇને વિદ્યાર્થીઓ નિર્ભિકપણે પરીક્ષા આપી શકે તે માટે પ્રોત્સાહિત કર્યાં હતાં

   
(10:13 pm IST)