Gujarati News

Gujarati News

News of Wednesday, 15th March 2023

વિશ્વ ક્ષય દિવસની ઉજવણી અંતર્ગત નર્મદા જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા સાયક્લોથોન યોજાઈ

જિલ્લા પંચાયત કચેરીથી ચાર રૂટમાં ફરીને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરીયા સુધી પહોંચેલી સાયક્લોથોનનું અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર-રાજપીપલા ખાતે થયેલું સમાપન: સાયક્લોથોનમાં સામેલ સાયક્લિસ્ટોને સમાપન સ્થળે પ્રમાણપત્રો આપી સન્માનિત કરાયા

(ભરત શાહ દ્વારા) રાજપીપળા : આગામી વર્ષ ૨૦૨૫ સુધીમાં ભારત દેશને ટીબી મુક્ત બનાવવાના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સ્વપ્નને ચરિતાર્થ કરવા માટે નર્મદા જિલ્લા કલેક્ટર શ્વેતા તેવતિયાના નેતૃત્વ અને માર્ગદર્શન હેઠળ જિલ્લા વિકાસ અધિકારી અંકિત પન્નુની રાહબરીમાં જિલ્લા આરોગ્ય વિભાગ અને જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા ૨૪મી માર્ચ વિશ્વ ક્ષય દિવસની ઉજવણીને ધ્યાનમાં લઈને તબક્કાવાર વિવિધ કાર્યક્રમો યોજાઈ રહ્યા છે. જેના ભાગરૂપે આજરોજ જિલ્લા પંચાયત કચેરી ખાતેથી સાયક્લોથો યોજાઈ હતી.
  “હા! આપણે ટીબીને ખતમ કરી શકીએ છીએ” થીમ અંતર્ગત “ટીબી હારેગા દેશ જીતેગા”ના સૂત્ર સાથે જિલ્લા ક્ષય કેન્દ્ર દ્વારા આયોજીત સાયક્લોથોનનું મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.જનકકુમાર માઢક, અધિક જિલ્લા આરોગ્ય અધિકારી ડો.અનિલ વસાવા અને જિલ્લા ક્ષય અધિકારી ડો. ઝંખના વસાવાના હસ્તે જિલ્લા પંચાયત કચેરીના પ્રાંગણમાંથી પ્રસ્થાન કરાવાયું હતું.
   જિલ્લા પંચાયતના પ્રાંગણમાંથી શરૂ થયેલી સાયક્લોથોન ૦૪ કિમી, ૧૦ કિમી, ૨૨ કિમી અને ૩૨ કિમી એમ ચાર રૂટમાં યોજાઈ હતી. આ સાયક્લોથોન જિલ્લા પંચાયત થઈને ગાંધીચોક, કલેક્ટર કચેરી, જકાતનાકા, સર્કિટ હાઉસ, વાઘપરા પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર અને પ્રાથમિક આરોગ્ય કેન્દ્ર બોરિયા સુધી પહોંચી પરત અર્બન હેલ્થ એન્ડ વેલનેસ સેન્ટર(જુની સિવિલ હોસ્પિટલ) રાજપીપલા ખાતે સંપન્ન થઈ હતી. આ સાયક્લોથોનમાં ભાગ લઈ પૂર્ણાહૂતિ સુધી પહોંચેલા તમામ સાઈક્લિસ્ટોને પ્રમાણપત્રો એનાયક કરવામાં આવ્યા હતા

   
(9:59 pm IST)