Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

આંકલાવના ખડોલ નજીક પુરપાટ ઝડપે જતી કાર ઝાડ સાથે અથડાતા ગોઝાર અકસ્માતમાં એકનું મોત: ત્રણ ઈજાગ્રસ્ત

આંકલાવ:તાલુકાના ખડોલ (હ)ગામ પાસે ગઈકાલે મધ્યરાત્રીના સુમારે પુરપાટ ઝડપે જતી એક કારની આગળ રોઝ આડુ પડતાં કારના ચાલકે મારેલી શોર્ટ બ્રેકને કારણે પલટી જઈને ઝાડ સાથે અથડાતાં એક યુવાનનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ જ્યારે ત્રણને ઈજાઓ થતાં તેઓને સારવાર માટે હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા હતા. આ અંગે આંકલાવ પોલીસે ગુનો દાખલ કરીને તપાસ હાથ ઘરી છે.
પ્રાપ્ત વિગતો અનુસાર આવતીકાલે યોજાનારી વિધાનસભાની ચૂંટણીને અડાસના ભાજપના કાર્યકરો રાજ પૃથ્વીસિંહ કિશોરસિંહ, ચન્દ્રકાન્ત દિનેશભાઈ સોલંકી, હિતેશભાઈ વિનોદભાઈ મહિડા તથા દેવેન્દ્રભાઈ છત્રસિંહ આંકલાવ ગયા હતા અને ત્યાંથી રાત્રીના સુમારે પરત જતા હતા ત્યારે દોઢેક વાગ્યાના સુમારે ખડોલ (હ)પાસે એકાએક કારની આગળ રોઝ આડું આવી જતાં કારના ચાલકે શોર્ટ બ્રેક મારી હતી જેમાં કાર પલટીને ઝાડ સાથે અથડાઈ હતી. જેમાં હિતેશભાઈને માથામાં તથા શરીરે ગંભીર ઈજાઓ થતાં તેનું ઘટનાસ્થળે જ કરૂણ મોત નીપજ્યુ હતુ જ્યારે બીજા ત્રણને ઈજાઓ થવા પામી હતી.
અકસ્માતની જાણ આંકલાવ પોલીસ અને ૧૦૮ મોબાઈલ વાનને થતાં તેઓ તુરંત જ ઘટનાસ્થળે ઘસી ગયા હતા અને ઘવાયેલા ત્રણેયને કારમાંથી બહાર કાઢીને સારવાર માટે મોકલી આપવામાં આવ્યા હતા.

(5:44 pm IST)