Gujarati News

Gujarati News

News of Thursday, 14th December 2017

પાટીદારોના આંદોલનની અસર ધરાવતી ૮ બેઠકો ઉપર કોણ જીતશે? ચોરે ને ચૌટે એક જ વાત

મહેસાણા - વિસનગર - ઉંઝા - વિજાપુર - ઘાટલોડીયા - બાપુનગર - ઠક્કરબાપાનગર અને નિકોલઃ ૨૦૧૨માં વિજાપુર સિવાયની બધી બેઠકો ભાજપને મળી'તીઃ આ વખતે શું? ભારે ચર્ચા

નવી દિલ્હી તા. ૧૪ : ગુજરાત વિધાનસભાની બીજા તબક્કાની ચૂંટણી માટે આજે થઇ રહેલા મતદાનમાં પાટીદારોનું પ્રભુત્વ ધરાવતી અમદાવાદ અને ઉત્તર ગુજરાતની આઠ બેઠકો પર પાટીદાર અનામત આંદોલનની અસર પડશે કે કેમ અને જ્યાં પાટીદાર આંદોલન અસરકારક રહ્યું હતું એવી આ આઠ બેઠકો પર કોણ જીતશે એવા જો અને તોના ગણિત સાથેનાં સમીકરણો મંડાયા છે.

ગુજરાતમાં શરૂ થયેલા પાટીદાર અનામત આંદોલન દરમિયાન અમદાવાદમાં યોજાયેલી હાર્દિક પટેલની જંગી સભા પછી થયેલા પોલીસ અત્યાચારને લઇને પાટીદાર સમાજમાં ભાજપ સરકાર સામે ભારે આક્રોશ ફેલાયો હતો. મહેસાણા, વિસનગર, ઊંઝા, વિજાપુર, અમદાવાદ સહિત ઘણાં સ્થળોએ તોફાનો થયા હતા અને પ્રધાનો તેમજ વિધાનસભ્યોની ઓફિસોમાં તોડફોડ પણ થઇ હતી. મહેસાણામાં નાયબ મુખ્યપ્રધાન નીતિન પટેલની ઓફિસમાં તેમજ વિસનગરમાં ભાજપના વિધાનસભ્ય હૃષીકેશ પટેલની ઓફિસમાં તોડફોડ થઇ હતી. પાટીદાર અનામતને લઇને અવાર-નવાર રેલીઓ અને સભાઓ સતત થતી રહેતી હતી. આ ઉપરાંત નાયબ મુખ્ય પ્રધાન નીતિન પટેલ તેમજ અન્ય પ્રધાનો અને ભાજપના વિધાનસભ્યોની સામે અવાર-નવાર દેખાવો સાથે વિરોધ થતો હતો.

ગુજરાત વિધાનસભાની આજે બીજા તબક્કાની ચૂંટણી માટે મતદાન થઇ રહ્યું છે ત્યારે અમદાવાદની ઘાટલોડિયા, નિકોલ, બાપુનગર અને ઠક્કરબાપાનગર વિધાનસભા બેઠકો તેમજ મહેસાણા, વિસનગર, વિજાપુર અને ઊંઝા વિધાનસભા બેઠક પર શું થશે એની ચર્ચા ચોરે ને ચૌટે ચાલી છે. આ તમામ બેઠકો પર પાટીદારોનું પ્રભુત્વ છે ત્યારે આ બેઠકો પર પાટીદારોનો ઝોક કઇ તરફ રહેશે અને પાટીદારો ભારે માત્રામાં મતદાન કરવા બહાર આવે છે કે કેમ એના પર વિજયનો મદાર રહેશે. આ આઠ બેઠકો ઉપરાંત પાટણ, ચાણસ્મા અને હિંમતનગરની બેઠક પર પણ પાટીદારોના આંદોલનને લઇને અસર થઇ શકે છે એવું જણાઇ રહ્યું છે. જે રીતે પાટીદાર સમાજ અને ખાસ કરીને પાટીદાર યુવાનોમાં સત્તાધારી પક્ષ સામે વિરોધ જોવા મળી રહ્યો છે એને કારણે ભાજપ સરકારને પણ ચિંતા પેઠી છે કે પાટીદારોના આ ગઢમાં તેમનો વિજય થશે કે કેમ? એનું કારણ એ છે કે, આ આઠ બેઠકોમાંથી એકમાત્ર વિજાપુરની બેઠક સિવાય બાકીની તમામ બેઠકો પર ૨૦૧૨ની ચૂંટણીમાં ભાજપનો વિજય થયો હતો. આ ઉપરાંત ભાજપનો સપોર્ટર ગણાતો પાટીદાર સમાજ જ ભાજપના વિરોધમાં રસ્તા પર ઉતરી આવતાં ભાજપના આગેવાનોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.

(11:43 am IST)