Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

પ્રેમને ઉંમર નડતી નથી ! વડોદરાના બીજા ધોરણમાં ભણતા ટેણીયાઅે સાથે ભણતી ટેણકીને પ્રેમપત્ર લખ્યોઃ સ્‍કૂલના પ્રિન્સીપાલે કહ્યું કે અેક બાળક કોઇને આઇ લવ યુ કહે તો તેમાં કંઇ જ ખોટું નથી

વડોદરાઃ વડોદરા ની એક સ્કૂલમાં બીજા ધોરણમાં અભ્યાસ કરતા એક વિદ્યાર્થીએ તેની એક ક્લાસમેટને લવ લેટર આપતા હોબાળો મચી ગયો છે. સાત વર્ષની નાની ઉંમરમાં વિદ્યાર્થીઓને અભ્યાસ પ્રત્યે રૂચી જાગવાને બદલે પ્રેમ પાંગરી રહ્યો હોવાનું જાણીને બાળકોના વાલીએ પણ પરેશાન છે. આ અંગે બાળકીને વાલીએ લવ લેટર લખનાર વિદ્યાર્થીને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે તેવી જીદ પકડી છે. બીજી તરફ સ્કૂલના પ્રિન્સિપાલ આ ઘટનાને સામાન્ય ગણાવી રહ્યા છે.

બાળકીના વાલીના આક્ષેપ પ્રમાણે તેની દીકરીને બીજા ધોરણમાં ભણતો એક સ્ટુડન્ટ વારેવારે લવ લેટર આપી રહ્યો છે. જેના કારણે તેમની દીકરી ગુમસૂમ રહેવા લાગી છે. આ અંગે જ્યારે સ્કૂલના પ્રિન્સિપાલને ફરિયાદ કરવામાં આવી ત્યારે તેમણે પણ આ વાત હસી કાઢી હતી અને કોઈ પગલાં લેવાનો ઇન્કાર કરી દીધો હતો. આ મામલે હવે બાળકીના વાલી તરફથી સ્કૂલના ટ્રસ્ટીને ફરિયાદ કરવામાં આવી છે.

આ બનાવ અંગે સ્કૂલના મહિલા પ્રિન્સિપાલે જણાવ્યું હતું કે, "આજે ક્લાસ પૂરો થયા બાદ મને એક બાળકીના વાલી મળવા આવ્યા હતા. તેમણે ફરિયાદ કરી હતી કે તેમની દીકરીને કોઈ છોકરાએ આઇ લવ યુ લખેલો લેટર આપ્યો છે. મેં તેમને સમજાવ્યા હતા કે આમાં કશું જ ખોટું નથી. એ લોકોનો એવો હઠાગ્રહ હતો કે આ બાળકને સ્કૂલમાંથી કાઢી મૂકવામાં આવે. મેં તેમને સમજાવ્યું હતું કે સ્કૂલમાં આપણે બધા બાળકોને પ્રેમ કરવાનું શીખવીએ છીએ, નફરત કરવાનું નહીં. એક બાળક કોઈને આઈ લવ યુ કહે તો તેમાં કંઈ જ ખોટું નથી. બાળકના વાલીએ આનો ખોટો અર્થ કાઢ્યો છે."

સ્કૂલના પ્રિન્સિપાલને જ્યારે પૂછવામાં આવ્યું કે બીજા ધોરણના બાળકને લવ લેટર લખતા કોણે શીખવ્યું ત્યારે તેમણે જણાવ્યું કે, "ટેક્નોલોજીને કારણે આજે કંઈજ છાનું રહ્યું નથી. બધાના ઘરમાં આજે ટીવી હોય છે. અમે અમારી સ્કૂલમાં પ્રેમના કોઈ પાઠ નથી ભણાવતા પરંતુ એકબીજાને પ્રેમ કરવાનું શીખવીએ છીએ."

આ અંગે બાળકીના પિતાએ જણાવ્યું કે, "મારી દીકરી બીજા ધોરણમાં અભ્યાસ કરે છે. ગઇકાલે તેની બેગ ચેક કરતા તેમાંથી એક પત્ર મળ્યો હતો, જેમાં આઇ લવ યુ લખેલું હતું. બાળકીને આ લેટર અંગે પૂછવામાં આવતા તે કલાક સુધી રડી હતી. બાદમાં ગુમસૂમ રહેવા લાગી હતી. શાંતિથી તેની પૂછપરછ કરવામાં આવતા માલુમ પડ્યું હતું કે તેના ક્લાસનો એક વિદ્યાર્થી તેને વારેવારે લવ લેટર આપ્યા કરે છે. બાળકીએ અમને કહ્યું કે હું આ લેટર ફાડીને ફેંકી દઉં છું."

"આ મામલે અમે સ્કૂલના પ્રિન્સિપાલને ફરિયાદ કરતા તેમણે આ વાત હસીને કાઢી નાખી હતી. અમે જ્યારે તેમને આવી વાતોને પ્રોત્સાહન ન આપવાનું કહ્યું ત્યારે તેમણે કહ્યું હતું કે અમે સ્કૂલમાં બાળકોને એકબીજાને પ્રેમ કરતા શીખવીએ છીએ. તેઓ કોઈ એક્શન લેવા તૈયાર ન હતા અને અમને સ્કૂલમાંથી ભગાડી મૂક્યા હતા."

(6:30 pm IST)