Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

ગાંધીનગરમાં લારી ગલ્લાના દબાણ હટાવવા સે-11માં 23 દુકાનો સીલ કરવામાં આવી

ગાંધીનગર: શહેરમાં લારીગલ્લા અને શેડના દબાણો તોડી સંતોષ માની લેનાર કોર્પોરેશનની ટાઉન પ્લાનીંગ શાખાની આખરે ઉંઘ ઉડી છે અને સે-૧૧માં કોમર્શિયલ બિલ્ડીંગોના ભોંયરામાં પાર્કીંગ અને સ્ટોરની જગ્યામાં ઉભી થઈ ગયેલી ર૩ જેટલી દુકાનોને સીલ મારી દીધા છે. જેના પગલે વેપારીઓએ વિરોધ નોંધાવ્યો હતો પરંતુ આ શાખા દ્વારા સીલીંગની કાર્યવાહી ચાલુ જ રાખવામાં આવી હતી. તો આ કોમ્પ્લેક્ષોની બહાર માર્જીનની જગ્યામાં કરવામાં આવેલા પાકા બાંધકામ પણ તોડી પાડવામાં આવ્યા હતા. 
આગામી સમયમાં પણ કોર્પોરેશનની આ ઝુંબેશ ચાલુ રહેવાની છે. જેના પગલે શહેરમાં ગેરકાયદે બાંધકામ ઉભું કરીને લાખો-કરોડો કમાઈ લેનાર લોકોમાં દોડધામ મચી ગઈ છે. 
ગાંધીનગર શહેરમાં પાર્કીંગના મુદ્દે દબાણો હટાવવાનું શરૃ કરવામાં આવ્યું છે ત્યારે અત્યાર સુધી કોર્પોરેશન દ્વારા લારીગલ્લાના દબાણો હટાવવામાં આવ્યા હતા અને દુકાનોની બહાર ઉભા થયેલા શેડ તોડી પડાયા હતા પરંતુ આ મામલે કોર્પોરેશનની બેવડી નીતિનો ચોમેર વિરોધ શરૃ થતાં મ્યુનિ. કમિશનર દ્વારા ટાઉન પ્લાનીંગ શાખાને રીતસર ખખડાવામાં આવી હતી અને પાકા દબાણો હટાવવા માટે તાત્કાલિક પગલાં ભરવા તાકીદ કરાઈ હતી. અગાઉ જે કોમર્શિયલ કોમ્પ્લેક્ષોને પાર્કીંગના મુદ્દે નોટિસો ફટકારવામાં આવી હતી તેની સામે સખતાઈથી કામ કરવાનો આદેશ મળતાં જ ટાઉન પ્લાનીંગ શાખા અને દબાણ ટીમ બપોરે સે-૧૧ના કોમર્શિયલ કોમ્પ્લેક્ષોમાં પહોંચી હતી. 

(5:24 pm IST)