Gujarati News

Gujarati News

News of Tuesday, 14th August 2018

રાજય સરકાર ગુન્હાખોરી અને નશાબંધી ડામવા કડકાઇથી કામ કરશેઃ સ્કુલ-કોલેજોના કેમ્પસને ડ્રગ્સ મુકત કરવા ઝુંબેશ ચલાવાશેઃ ચેઇનની ચીલઝડપ કરનારને હવે ૩ના બદલે પ થી ૧૦ વર્ષની જેલની સજા-રપ હજારના દંડની જોગવાઇઃ ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ડીજીપી શિવાનંદ ઝાની જાહેરાત

ગાંધીનગરઃ રાજયમાં સ્કુલ-કોલેજોના કેમ્પસમાં ડ્રગ્સનું દુષણ અટકાવવા માટે રાજય સરકાર ખાસ ઝુંબેશ ચલાવશે. આ ઉપરાંત ચેઇનની ચીલઝડપ કરનારા સામે પણ પગલા ભરશે અને ૩ ના બદલે પ થી ૧૦ વર્ષની જેલની સજા પણ ફટકારવામાં આવશે.

રાજ્ય ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજા અને ડીજીપી શિવાનંદ ઝાએ રાજ્યમાં ગુનાખોરી અને નશાબંધી અંગે પત્રકાર પરિષદ સંબોધી હતી. જેમાં તેમણે જણાવ્યું હતું કે રાજ્યમાં નશાબંધીના કડક અમલ માટે રાજ્યવ્યાપી ઝુંબેશ શરૂ કરવામાં આવશે. જેમાં શિવાનંદ ઝાએ કહ્યું હતું કે આ મામલે એટીએસ(એન્ટી ટેરરિસ્ટ સ્ક્વોડ) ના માર્ગદર્શન હેઠળ એસઓજી(સ્પેશિયલ ઓપરેશ ગ્રુપ) કાર્યવાહી કરશે. ડીજીપીએ કહ્યું હતું કે તાજેતરમાં ગુજરાતમાં નશાના પદાર્થના કેસમાં વધારો થયો છે જે ચિંતાનું કારણ છે. આ માટે કોલેજ અને સ્કૂલ કેમ્પસને ડ્રગ્સ ફ્રી કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે.

પત્રકાર પરિષદ દરમિયાન પ્રદીપસિંહે જણાવ્યું હતું કે ગુજરાતને નશામુક્ત કરવા માટે ખાસ ઝુંબેશ શરૂ કરવામાં આવશે. તેમજ નશાબંધીના ભંગ માટેની પ્રવૃત્તિઓ ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવામાં આવશે. આ માટે સ્કૂલ અને કોલેજ કેમ્પસમાં ખાસ કાર્યક્રમ કરવામાં આવશે.

સ્કૂલ-કોલેજ કેમ્પસને નશા મુક્ત કરવાની સાથે સાથે ગૃહમંત્રીએ ચેઇન સ્નેચર્સ સામે કડક કાર્યવાહી કરવાની જાહેરાત કરી હતી. આ માટે રાજ્ય સરકારે કાયદામાં ફેરફેર કરવાની વાત તેમણે કહી હતી. ગૃહમંત્રીએ કહ્યું હતું કે હવેથી ચેઇન સ્નેચિંગના ગુનામાં ત્રણ વર્ષને બદલે પાંચથી દસ વર્ષની જેલની સગાની જોગવાઈ કરવામાં આવી છે. સજાની સાથે સાથે રૂ. 25 હજારના દંડની પણ જોગવાઈ કરવામાં આવી છે. આ માટે રાજ્ય સરકાર કાયદામાં ફેરફાર કરીને વટહુકમ લાવશે.

આ ઉપરાંત ચોરીના ગુનામાં સાતથી 10 વર્ષની જેલની સજા થશે. ગૃહમંત્રીએ જણાવ્યું હતું કે મહિલાની સુરક્ષા એ સરકારની પ્રાથમિકતા છે. આ માટે ચેઇન સ્નેચિંગના કાયદાને વધારે કડક બનાવવામાં આવશે.

રાજ્યના મુખ્ય શહેરોમાં ચાલુ કરવામાં આવેલી ટ્રાફિક ડ્રાઇવ મામલે ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું હતું કે, રાજ્યભરમાં આ ટ્રાફિક ઝુંબેશ ચાલુ જ રહેશે. આ માટે અમદાવાદ અને સુરત શહેરમાં એસઆરપીની વધારે કંપનીઓ ફાળવવામાં આવશે. ટ્રાફિક ડ્રાઇવ માટે પોલીસ કમિશ્નરો અને એસપીને સૂચનાઓ આપવામં આવી છે. સાથે જ તેમણે લોકોને પણ આ ઝુંબેશમાં સહકાર આપવાની અપીલ કરી હતી.

(6:16 pm IST)