Gujarati News

Gujarati News

News of Thursday, 14th June 2018

દારૂની પરમિટ રિન્યૂ કરાવવી છે? પહેલા વ્યસનમુકિત કેન્દ્રમાં ૧૫ દિવસ વિતાવી આવો

નશાબંધી ખાતુ દારૂની પરમિટના નિયમોમાં ફેરફાર કરશે, ફીમાં પણ પાંચ ગણો વધારોઃ છ ઝોનમાં ડોકટરની પેનલ પરમિટ આપશે

અમદાવાદ તા. ૧૪ : હવે ગુજરાતમાં દારૂની પરમિટ લેવા જતા પહેલા દસ વખત વિચારવું પડશે. રાજય સરકારે દારૂબંધીનો કડક અમલ કરવા અને સ્વાસ્થ્યના નામ પર દારૂની પરમિટ લેતા ધારકો પર સકંજો કસવાનું નક્કી કર્યું છે. જેના પ્રથમ તબક્કામાં માર્ચ મહિનાથી ગુજરાત રાજયમાં ૪૨ હજાર જેટલી પરમિટ રિન્યૂ કરવામાં આવી ન હતી. હવે સરકાર દારૂની પરમિટ આપવાના નિયમોમાં ફેરફાર કરી રહી છે. આ નવા નિયમો મુજબ હવે પરમિટધારકને વ્યસન મુકિત કેન્દ્રમાં (ડીએડીકશન સેન્ટર)માં જવાનું પણ ફરજિયાત બનાવવામાં આવશે. નવા નિયમો પ્રમાણે હવે દારૂની પરમિટ ધરાવનારે ત્રીજા રિન્યૂઅલ વખતે ૧૫ દિવસ વ્યસન મુકિત કેન્દ્રમાં જઇને રહેવું પડશે.

નશાબંધી ખાતાના એક અધિકારીએ જણાવ્યું કે, નિયમોમાં આ ફેરફાર એટલા માટે કરવામાં આવ્યા છે કે જેનાથી લોકો સ્વાસ્થ્યના નામે ખોટી પરમિટ ન લે. પરમિટ તો જ રિન્યૂ થશે જો ડીએડીકશન સેન્ટર એવું સર્ટિફિકેટ આપશે કે ધારક દારૂ વગર ખરેખર નથી રહી શકતો.

આ ઉપરાંત વાર્ષિક ફીમાં પણ તોતિંગ વધારો કરવામાં આવશે. હાલમાં વાર્ષિક ફી રૂ. એક હજાર છે જે વધારીને રૂ. પાંચ હજાર કરવામાં આવશે. આ પહેલા ફી વધારો ૧૯૯૯માં કરવામાં આવ્યો હતો. જેમાં રૂ. ૧૦૦થી ફી વધારી રૂ. ૧૦૦૦ કરવામાં આવી હતી. .

હાલમાં ડિસ્ટ્રીકટ સિવિલ સર્જન જ એક માત્ર આ પ્રકારની દારૂની પરમિટનું સર્ટિફિકેટ આપી શકતા હતા. આ ડોકટર ૧૪ બીમારીઓને ધ્યાનમાં રાખીને આ સર્ટિફિકેટ આપતા હતા. અધિકારીએ ઉમેર્યું કે, હવે અમે છ નવા ઝોન બનાવીશું જેમાં ચેકઅપ થશે. આ ઝોન અમદાવાદ, વડોદરા, રાજકોટ, સુરત, ગાંધીનગર અને ભાવનગરમાં હશે. આ પ્રત્યેક ઝોનમાં ત્રણ ડોકટરની પેનલ નિયુકત કરવામાં આવશે. હવે આ પેનલ આ પ્રકારની પરમિટ આપવી કે નહીં તે નક્કી કરશે.

ગુજરાતમાં હાલમાં ૭૦ હજાર દારૂની પરમિટ આપવામાં આવેલી છે. આમાંથી ૬૦ ટકા માત્ર સ્વાસ્થ્યના આધારે આપવામાં આવેલી છે. જયારે બાકીની કેટેગરીમાં મુસાફરો, વિદેશીઓ, નિવૃત્ત સૈનિકો જેવાને આ પરમિટ આપવામાં આવી છે.

નશાબંધીખાતાનાં અધિકારીઓનું કહેવું છે કે આ નવા નિયમોનો મુસદ્દો ગૃહ મંત્રાલયને બુધવારે મોકલી દેવામાં આવ્યો છે. જે આ મુસદ્દાનો લીગલ ડીપાર્ટમેન્ટમાં મોકલશે. આ બધી પ્રક્રિયાને પૂરી થતા ઓછામાં ઓછા ૧૫ દિવસ લાગશે.

આ કવાયત અંગે રાજયનાં ગૃહમંત્રી પ્રદીપસિંહ જાડેજાએ કહ્યું કે, આ પ્રકારનો કોઇ મુસદ્દો મારી ઓફિસ આવ્યો નથી. જો કે અમે નવા નિયમો ટૂંક સમયમાં જ જાહેર કરીશું.(૨૧.૫)

(10:05 am IST)
  • મુંબઈ હુમલાનો માસ્ટર માઈન્ડ હાફિઝ સઈદને જોરદાર ઝટકો :ચૂંટણી આયોગે હાફિઝના સંગઠન જમાત-ઉદ દવાની રાજકીય એકમ મિલ્લી મિસલીમ લીગને રાજકીય પાર્ટી તરીકે નોંધણી કરવાની અરજી ફગાવી :ઇસ્લામાબાદ ઉચ્ચ ન્યાયાલયે પાકિસ્તાન ચૂંટણી પંચે હાફીઝ્ની પાર્ટીને રાજકીય પાર્ટી તરીકે રજીસ્ટ્રેશન કરવાની અરજી નકારી કાઢવાના પોતાના નિર્ણ્યની સમીક્ષા કરે access_time 1:22 am IST

  • પેટ્રોલ-ડીઝલના ભાવમાં ઘટાડો ભૂલી જવાયો :સતત બીજા દિવસે ભાવમાં ઘટાડાને બ્રેક ;કાલે ગુરુવારે પેટ્રોલ-ડીઝલના ભાવ યથાવત રહેશે :ઘટાડો થવાની શકયતા નહિવત;ભાવમાં કોઈ ફેરફાર થશે નહીં તેમ મનાય છે access_time 12:40 am IST

  • રાજસ્થાનમાં આંધીને કારણે દિલ્હીમાં ધૂળની આંધી ;ત્રણ દિવસ ધૂંધળું રહેશે વાતાવરણ;હવામાનના નિષ્ણાંતો મુજબ :રાજસ્થાનમાં ભીષણ તાપમાન વચ્ચે પશ્ચિમી વિક્ષોભના કારણે ભારે પવનથી ધૂળની આંધીની અસર દિલ્હી, એનસીઆર ક્ષેત્રમાં થશે access_time 11:37 pm IST