Gujarati News

Gujarati News

News of Wednesday, 14th February 2018

કોંગ્રેસને ફરીવાર ગુજરાતની જનતાએ જાકારો અપાયો છે

૭૫ ટકાથી વધુ ભાજપ સમર્થિત સરપંચો જીત્યા : ગ્રામીણ જનતાએ ભાજપની ખેડૂતલક્ષી અને વિકાસલક્ષી નીતિઓને મંજુરીની મહોર મારી છે : જીતુભાઈ વાઘાણી

અમદાવાદ,તા. ૧૪ : ગાંધીનગરમાં ભાજપ પ્રદેશ કાર્યાલ કમલમ ખાતે સરપંચ અભિવાદન સમારોહ યોજાયો હતો જેમાં પ્રદેશ અધ્યક્ષ જીતુભાઈ વાઘાણીએ પણ પોતાના અભિપ્રાય વક્ત કર્યા હતા. તેમણે કહ્યું હતું કે, ૭૫ ટકાથી વધુ ભાજપ સમર્થિત સરપંચો જીત્યા છે. ગ્રામીણ જનતાએ ભાજપની ખેડૂતલક્ષી અને વિકાસલક્ષી નીતિને વધુ એક વખત મંજુરીની મહોર મારી છે. સતત છઠ્ઠી વખત કોંગ્રેસને ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે. તેમણે વધુમાં ઉમેર્યું હતું કે, ભારત માતા કી જયના જયકાર સાથે ચૂંટાયેલા સૌ સરપંચો અને સભ્યોને હર્ષભેર વધાવી જણાવ્યું હતું કે, ભાજપની સરકારો ગામડાઓની સર્વાંગી સુખાકારી, ગામડામાં પણ શહેર જેવી સુવિધાઓ અને ખેડૂતો વધુ સમૃદ્ધ થાય તે માટે કાર્યરત છે. ૭૫ ટકાથી પણ વધુ ભાજપ સમર્થિત સરપંચોને વિજયી બનાવીને ગ્રામીણ જનતાએ ભાજપની ખેડૂતલક્ષી અને વિકાસલક્ષી નીતિઓને વધુ એક વખત મંજુરીની મહોર મારી છે. જ્યાં જ્યાં કોંગ્રેસના ધારાસભ્યો ચૂંટાયા છે તેવા વિસ્તારોના ગામડાઓમાં પણ ભાજપ સમર્થિત સરપંચો ચૂંટાયા છે.

ગુજરાત વિધાનસભાની ચૂંટણીઓમાં સતત છઠ્ઠી વખત હારનાર કોંગ્રેસને ફરી એક વખત ગુજરાતની જનતાએ જાકારો આપ્યો છે. વાઘાણીએ જણાવ્યું હતું કે, ૧૯૯૫ પહેલા કોંગ્રેસના શાસનમાં ગામડાઓમાં શું સુવિધાઓ હતી અને આજે શું સુવિધાઓ છે. આ બંનેના તફાવત વચ્ચે ભાજપની વિકાસગાથા સમાયેલી છે. કોંગ્રેસ શાસનમાં પાયાની સુવિધાઓથી વંચિત ગામડાઓમાં પીવાનું શુદ્ધ પાણી પણ ઉપલબ્ધ નહોતુ. ગામડાનો માણસ શિક્ષિત ન બને અને પીડિત-શોષિત રહે તે પ્રકારની નીતિઓ કોંગ્રેસની હતી જ્યારે ગુજરાતમાં ભાજપ સરકારના તમામ મુખ્યમંત્રીઓએ અથાગ પરિશ્રમ કરી ગામડાઓના વિકાસને નવી ઉંચાઈએ પહોંચાડ્યો છે. વડાપ્રધાન નરેન્દ્ર મોદી ગામડું, ગરીબ અને ખેડૂતલક્ષી નીતિઓ દ્વારા સમૃદ્ધ કિસાન-સશક્ત ભારત ના મંત્ર સાથે રાત દિવસ અથાગ પરિશ્રમ કરી રહ્યા છે.

(8:26 pm IST)