Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

કપડવંજની સી.એન.વિદ્યાલય માટે ભૂતપૂર્વ વિદ્યાર્થીએ ૯૫ લાખનું દાન આપ્યું

સી.એન.વિદ્યાલયની નવી અદ્યતન લેબ માટે આપી ભૂતપૂર્વ વિદ્યાર્થી એ ઋણ ચૂકવ્યું

અમદાવાદ : કપડવંજ કેળવણી મંડળ સંચાલિત સી . એન . વિદ્યાલયની નવી અદ્યતન લેબ માટે શાળાના જ ભૂતપૂર્વ વિદ્યાર્થી એવા ડો . દિનેશ ઓ . શાહ દ્વારા રૂપિયા 38 લાખનું દાન જાહેર કર્યું છે . આ અગાઉ ડો . દિનેશ ઓ . શાહ દ્વારા સી . એન . વિદ્યાલયની નવી લેબોરેટરી માટે 57 લાખનું દાન આપવામાં આવ્યું હતું . જાહેર થયેલ 38 લાખના દાન સાથે સી . એન . વિદ્યાલયની નવી લેબોરેટરી માટે કુલ દાનની રકમ 95 લાખ થશે .

જેનો સંપૂર્ણ ઉપયોગ લેબોરેટરીના બાંધકામ , તેના ઇંટિરિયર અને લેબના સાધનો માટે કરાશે . આ લેબ ડો . દિનેશ ઓ શાહના નામે સ્થાપિત થશે . પ્રોફેસર એમેરીટસ ડો . દિનેશ ઓ શાહ સી.એન. વિદ્યાલયના ભૂતપૂર્વ વિદ્યાર્થી છે અને નડિયાદ ધર્મસિંહ દેસાઈ યુનીવર્સીટી સ્થિત શાહ અને શુલ્મન સેન્ટરના સ્થાપક છે.

કપડવંજ કેળવણી મંડળ માટે ગર્વની વાત છે કે વિજ્ઞાન , સાહિત્ય અને સેવાકાર્યમાં અગ્રણી તેવા મંડળના ભૂતપૂર્વ વિદ્યાર્થી અને વિશ્વના ખ્યાતનામ વૈજ્ઞાનિક ડો . દિનેશ શાહ દ્વારા પોતાના વતન પ્રત્યેનું ઋણ ચૂકવવા તથા પોતાના ગામના વિદ્યાર્થીઓને સગવડતા આપવાના ઉચ્ચ આશય સાથે આ માતબર રકમનું દાન જાહેર કરેલ છે. કપડવંજ કેળવણી મંડળ ડો . ડી . ઑ . શાહનો આભાર વ્યક્ત કર્યો છે અને આ લેબનો લાભ વિદ્યાર્થીઓને મળે તેવો પ્રયાસ કરવાની નેમ લીધી છે.

(7:41 pm IST)