Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

વિરમગામ સહિત અમદાવાદ જિલ્લામાં ઉત્તરાયણે પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો

અનેક લોકોએ પરિવારજનો સાથે ઊંધિયું અને જલેબીની લિજ્જત માણી : વિરમગામની આસપાસનું આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું જોવા મળ્યું

(વંદના નીલકંઠ વાસુકિયા ) વિરમગામ : વિરમગામ, માંડલ, દેત્રોજ, સાણંદ, ધોલેરા, ધંધુકા તાલુકા સહિત અમદાવાદ જીલ્લામાં ઉત્તરાયણ પર્વ પર પતંગ રસિકોમાં અનેરો ઉત્સાહ અને ઉમંગ જોવા મળ્યો હતો. ઉત્તરાયણના દિવસે વિરમગામ પંથકમાં પતંગબાજીનું આકાશી યુધ્ધ જામ્યુ હતું અને ચારે બાજુ “કાપ્યો છે” “લપેટ…. લપેટ” ની બુમો સાંભળવા મળી હતી. અનેક લોકોએ પતંગ ચગાવવાની સાથે પરિવારજનો સાથે ઊંધિયું અને જલેબીની લિજ્જત માણી હતી. ઉત્તરાયણના દિવસે સવારથી જ શહેરમાં ઠેર ઠેર જલેબી અને ગરમા ગરમ ઉંધીયાનું વેચાણ વેપારીઓ દ્વારા શરૂ કરી દેવામાં આવ્યું હતું. વિરમગામની આસપાસનું આખુ આકાશ રંગબેરંગી પતંગોથી છવાયેલું જોવા મળ્યું અને પતંગ ચગાવવાનો અનેરો આનંદ માણવા શહેરીજનો સવારથી જ ધાબા પર જોવા મળ્યા હતા ઉત્તરાયણને દાન-પુણ્ય માટેનું શ્રેષ્ઠ પર્વ માનવામાં આવતું હોવાથી વિરમગામ પંથકમાં પણ અનેક સેવાભાવી લોકો દ્વારા સેવા કાર્ય કરવામાં આવ્યું હતું. કોરોના મહામારી અંગે જનજાગૃતિ કરતા સંદેશા વાળી પતંગો પણ ચગાવવામાં આવી હતી

(7:32 pm IST)