Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

હોમ આઈસોલેશનના દર્દીઓને ઘરે બેઠા દવાઓ પહોંચાડવામાં આવશેઃ આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલ

મહામારી સામે નિયંત્રણ મેળવવા સરકાર દ્વારા વિવિધ 14 વિષયો સમાવિષ્ટ તબીબી નિષ્ણાતોની ટીમનું ગઠન કરાયું છેઃ આરોગ્ય મંત્રી

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાના 43 હજાર એક્ટિવ કેસ હોવા છતાં હોસ્પિટલાઈઝેશન દર 2.50 ટકા અને ઓક્સિજનની જરૂરિયાતનો દર 0.39 ટકા જેટલો છે, તેમ કહેતાં રાજ્યના આરોગ્ય મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે, હોમ આઈસોલેશનના દર્દીઓને ઘરે બેઠા દવાઓ પહોંચાડવામાં આવશે, આ દર્દીઓ માટે કેન્દ્ર સરકારની ઈસંજીવની સેવા અને રાજ્યની ટેલીમેડિસીન સેવા અસરકારક છે, કોવિડ દર્દીઓ માટે યુદ્ધના ધોરણે 97 હજાર બેડની વ્યવસ્થા ઊભી કરાઈ છે. 

આરોગ્ય મંત્રીએ કહ્યું કે, મહામારી સામે નિયંત્રણ મેળવવા સરકાર દ્વારા વિવિધ 14 વિષયો સમાવિષ્ટ તબીબી નિષ્ણાતોની ટીમનું ગઠન કરાયું છે, અત્યારે 138 ટેસ્ટિંગ લેબ છે, હવે 40 સબ ડિસ્ટ્કિટ હોસ્પિટલમાં ટેસ્ટિંગ લેબ કાર્યરત બનશે. હોમ આઈસોલેટ દર્દી માટે 600 સંજીવની રથ કાર્યરત છે. આકસ્મિક સ્થિતિમાં ડીઆરડીઓની હોસ્પિટલ શરૂ કરવાની તૈયારી છે. દવાઓનો સ્ટોક પર્યાપ્ત માત્રામાં ઉપલબ્ધ છે. લગ્નમાં 150 લોકોની મર્યાદાનો નિયમ હાલ ચાલુ રહેશે. આરોગ્ય કર્મચારીઓ ઘરે ઘરે જઈ સર્વે કરી રહ્યા છે, તમામ પ્રભારી મંત્રીઓને પોતાના ક્ષેત્રમાં જઈ તૈયારી અંગે નિરીક્ષણ કરી રહ્યા છે. રાજ્યમાં કુલ 394 પીએસએ પ્લાન્ટ કાર્યરત છે, 97 હજારથી વધુ કોરોના સારવાર માટે બેડની વ્યવસ્થા છે, જેમાં 70 હજાર ઓક્સિજન બેડ અને 15 હજાર ક્રિટિકલ બેડ અને 8 હજાર વેન્ટિલેટર બેડનો સમાવેશ થાય છે. રાજ્યના પ્રાથમિક અને સામૂહિક આરોગ્ય કેન્દ્રમાં 3840 નવા બેડ તૈયાર કરવામાં આવશે. 

(11:29 am IST)