Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

ગુરૂવારે 245 દિવસ બાદ રાજ્યનાં દૈનિક કેસની સંખ્યા 11 હજારને પાર અને 231 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 50 હજારને પાર પહોચી ગઈ

નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 3,673 કેસ, સુરતમાં 2,690સ વડોદરામાં 940, રાજકોટમાં 440 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 319 કેસ નોંધાયા

Photo: Mehsana-Corona

અમદાવાદઃ ગુજરાતમાં કોરોનાની ત્રીજી લહેરની સ્થિતિ ગત વર્ષ–2021ના મે મહિના જેવી છે, માત્ર રાહતની વાત એ છે કે, મે મહિનામાં દૈનિક મોતની સંખ્યા ડબલ ડિજિટમાં નોંધાતી હતી જ્યારે અત્યારે મોતની સંખ્યા સિંગલ ડિજિટમાં નોંધાઈ રહી છે. આજે ગુરૂવારે 245 દિવસ બાદ રાજ્યનાં દૈનિક કેસની સંખ્યા 11 હજારને પાર અને 231 દિવસ બાદ એક્ટિવ કેસની સંખ્યા 50 હજારને પાર પહોચી ગઈ છે. વિતેલા 24 કલાકમાં રાજ્યમાં નવા 11,176 કેસ નોંધાયા છે. બીજી તરફ આજે 6 મહિના બાદ એક સાથે કોરોનાના કારણે પાંચ દર્દીઓનાં મોત નીપજ્યાં છે. જેમાં અમદાવાદ અને સુરત શહેરમાં એક–એક, વલસાડ, રાજકોટ અને ભાવનગર જિલ્લામાં એક–એક દર્દીનું મોત થયું છે. બીજી તરફ છેલ્લા 24 કલાકમાં સારવાર દરમિયાન વધુ 4,285 દર્દી સાજા થતાં તેમને રજા આપવામાં આવી છે. નાજુક સ્થિતિના કારણે 64 દર્દીની સારવાર વેન્ટિલેટરના સહારે ચાલી રહી છે. 

નવા નોંધાયેલા કેસમાં અમદાવાદ શહેરમાં 3,673 કેસ, સુરતમાં 2,690સ વડોદરામાં 940, રાજકોટમાં 440 અને ગાંધીનગર કોર્પોરેશનમાં 319 કેસ નોંધાયા છે. આ સિવાય ભાવનગર અને જામનગર મ્યુનિ.માં પણ કેસ ત્રણ આંકડામાં પહોચી ગયાં છે. જિલ્લાઓમાં સૌથી વધુ વલસાડમાં 337, ભરૂચમાં 308, સુરતમાં 243, નવસારીમાં 155, ગાંધીનગરમાં 134, રાજકોટમાં 133, કચ્છમાં 129, મહેસાણામાં 117, આણંદમાં 103 અને ખેડામાં 101 કેસ નોંધાયા છે. આ સિવાય અરવલ્લી, પોરબંદર, છોટા ઉદેપુર, ડાંગ અને બોટાદ સિવાયના અન્ય તમામ જિલ્લાઓમાં કેસ ડબલ ડિજિટમાં નોંધાવા લાગ્યાં છે. 

રાજ્યમાં કુલ કેસનો આંક 9 લાખને ટચ થવામાં હવે માત્ર 3,106 કેસ જ દૂર છે. કુલ 8,96,894 નાગરીકો સંક્રમિત થઈ ચૂક્યાં છે. 8,36,140 દર્દીઓએ કોરોનાને હરાવ્યો છે જ્યારે 10,142 દર્દીઓને કોરોના ભરખી ગયો છે. ગત 13 મે, 2021ના રોજ રાજ્યમાં 11,017 કેસ નોંધાયા હતા જેના બીજા દિવસે 14મી મેના રોજ 11 હજારથી ઓછા 10,742 કેસ નોંધાયા હતા. આ દરમિયાન સાજા થનાર દર્દીની સંખ્યા પણ વધુ હતી જેથી એક્ટિવ કેસ ઘટવા લાગ્યાં હતા. 27મી મે, 2021ના રોજ રાજ્યમાં એક્ટિવ કેસ 49,082 હતા.

(11:27 am IST)