Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

અમદાવાદની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સહિત કુલ 52 કોરોના વોરિયર્સ સંક્રમિત થયા

સિવિલમાં પાંચ રેસિડેન્ટ ડોક્ટર, બે કન્સલ્ટન્ટ અને અન્ય સ્ટાફના 2 એમ કુલ નવા વોરિયર્સ કોરોના મુક્ત થતાં જ ફરજ ઉપર પરત ફર્યા

Photo: Corona-Doctor-Sandesh

અમદાવાદઃ અમદાવાદમાં કોરોના બ્લાસ્ટ થતાં જ શહેરની સિવિલ અને સોલા સિવિલ હોસ્પિટલમાં ડોક્ટરો સહિત કુલ 52 કોરોના વોરિયર્સ અત્યાર સુધી સંક્રમિત થયા છે, સોલા સિવિલ હોસ્પિટલમાં વધુ ત્રણ નર્સ કોરોના સંક્રમિત થયા છે, આ સાથે જ સોલા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 10 ડોક્ટર અને 7 અન્ય સ્ટાફ એમ કુલ 17 કોરોના પોઝિટિવ આવ્યા છે, બીજી તરફ અસારવા સિવિલ હોસ્પિટલમાં અત્યાર સુધીમાં 35 કોરોના વોરિયર્સ સંક્રમિત થયા છે, જે પૈકી 9 કોરોના વોરિયર્સ સાજા થતાં કોરોનાના દર્દીઓની સેવા માટે ફરી ફરજ ઉપર આવ્યા છે.

સિવિલ હોસ્પિટલના સુપરિન્ટેન્ડેન્ટ ડો. રાકેશ જોષીનું કહેવું છે કે, સિવિલમાં પાંચ રેસિડેન્ટ ડોક્ટર, બે કન્સલ્ટન્ટ અને અન્ય સ્ટાફના 2 એમ કુલ નવા વોરિયર્સ કોરોના મુક્ત થતાં જ ફરજ ઉપર પરત ફર્યા છે, હોસ્પિટલ સૂત્રોનું કહેવું છે કે, મોટા ભાગના કોવિડ વોરિયર્સની તબિયત સારી છે, માઈલ્ડ પ્રકારના લક્ષણો હોવાથી હોમ આઈસોલેટ થયા હતા, માત્ર એક તબીબને હોસ્પિટલાઈઝ કરવા પડયા હતા. સિવિલમાં કુલ 35ને કોરોનાનો ચેપ લાગ્યો હતો, જે પૈકી 20 ડોક્ટરો સામેલ છે, જ્યારે વિવિધ સંવર્ગના 15 સ્ટાફને ચેપ લાગ્યો હતો. એકબીજાના સંપર્કમાં આવનાર સ્ટાફને તાકીદે કોરોના ટેસ્ટ કરાવી લેવા માટે પણ હોસ્પિટલ તંત્રે તાકીદ કરી હતી.

ત્રીજી લહેરમાં કોરોના સંક્રમિત દર્દીનું હોસ્પિટલમાં દાખલ થવાનું પ્રમાણ ઓછું છે. મોટાભાગના ઘરે રહીને જ સાજા થઈ રહ્યાં છે. લક્ષણો પણ હળવા જોવા મળી રહ્યાં છે.

(11:26 am IST)