Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

પતંગરસિયાઓ માટે આનંદના સમાચાર… આજે આખો દિવસ પતંગ ઉડાડવા માટે સારો અને અનુકૂળ પવન રહેશે

આજે દિવસભર 18થી 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશેઃ સવારમાં ઉત્તરથી પૂર્વ તરફનો પવન રહેશે.જ્યારે બપોર બાદ પવનની દિશા બદલાશે તેવી શક્યતા

અમદાવાદઃ ગુજરાતમાં ઉતરાયણ એટલે કે મકરસંક્રાંતિનો તહેવાર ધામધૂમ પૂર્વક ઉજવવામાં આવે છે. આજે 14 જાન્યુઆરી એટલે પતંગ રસિયાઓ માટે ખાસ દિવસ. આ દિવસે પતંગ રસિયાઓ સવારે વહેલા ધાબે જતા રહે છે અને પતંગ ઉડાવે છે. ખાસ કરીને આજે લપેટ, કાપ્યો છે જેવી બૂમો સાથે ઉજવણી કરતા હોય છે.

આ વચ્ચે પતંગ રસિયાઓ માટે સારા સમાચાર આવ્યા છે. આજે આખો દિવસ પતંગ ઉડાડવા માટે સારો અને અનુકુળ પવન રહેશે.આજે દિવસભર 18થી 28 કિલોમીટર પ્રતિ કલાકની ઝડપે પવન ફૂંકાશે. સવારમાં ઉત્તરથી પૂર્વ તરફનો પવન રહેશે.જ્યારે બપોર બાદ પવનની દિશા બદલાશે તેવી શક્યતા છે…જો કે,પતંગ રસીયાઓને મજા પડી જાય તેમ આખો દિવસ અનુકુળ પવન ફુંકાતો રહેશે.

ઉલ્લેખનીય છે કે કોરોના કેસમાં વધારાને લઇને ઉતરાયણ માટે પણ ગાઇડલાઇનનું પાલન કરવા માટે કહેવામાં આવ્યું છે. જેમાં ખાસ કરીને સોસાયટી કે ફલેટના ધાબા પર ફલેટના રહીશો સિવાય બહારના મહેમાનોને પ્રવેશ આપવા પર પ્રતિબંધ રહેશે, જો આ રીતે પ્રવેશ અપાયો તો સોસાયટીના કે ફલેટના કારભારીઓ સામે પગલે લેવાશે. માસ્ક પહેર્યા વિના ફલેટ કે સોસાયટીને ધાબા પર એકત્ર થઈ શકાશે નહીં. મકાન, ફલેટ, બંગલા કે સોસાયટીના ધાબા પર મોટી સંખ્યામાં લોકો એકત્ર થઈ શકશે નહીં કે DJ કે મ્યૂઝિક સિસ્ટમ વગાડી શકાશે નહીં. આ સિવાય રાજ્યમાં 8 મહાનગરો ઉપરાંત આણંદ અને નડિયાદમાં રાત્રી કફર્યુનો કડક હાથે અમલ કરવાનો રહેશે ચાઈનીઝ દોરી, તુક્કલ, પ્લાસ્ટિક-કાચવાળી કે સિન્થેટીક દોરીના વપરાશ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો છે.

(11:24 am IST)