Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

રાજ્યની સરકારી તમામ સરકારી કચેરીઓમાં 15મી જાન્યુઆરી શનિવારે રજા જાહેર : ઉત્તરાયણની સાથે હવે વાસી ઉત્તરાયણ પણ મનાવી શકાશે

કોરોના નિયંત્રણની કામગીરી સાથે સીધા સંકડાયેલ કર્મચારીઓ- અધિકારીઓ અને આવશ્યક સેવાના વિભાગોમાં કાર્યરત કચેરીઓને રજા સંબંધેની સૂચનાઓ લાગુ પડશે નહિ.

અમદાવાદ :રાજ્યની સરકારી તમામ સરકારી કચેરીઓમાં 15મી જાન્યુઆરી શનિવારે રજા જાહેર કરાઈ છે, ઉત્તરાયણની સાથે હવે વાસી ઉત્તરાયણ પણ મનાવી શકાશે અલબત્ત કોરોના નિયંત્રણની કામગીરી સાથે સીધા સંકડાયેલ કર્મચારીઓ- અધિકારીઓ અને આવશ્યક સેવાના વિભાગોમાં કાર્યરત કચેરીઓને રજા સંબંધેની સૂચનાઓ લાગુ પડશે નહિ.

નોવેલ કોરોના વાઈરસના સંક્રમણ / ચેપને નિયંત્રણમાં લાવવા રાજ્ય સરકાર દ્વારા નિવારાત્મક પગલાંઓ લેવા સંબંધમાં તેમજ સરકારી કર્મચારી-અધિકારીઓની કચેરીમાં હાજરી સંબંધમાં વખતોવખત જરૂરી સૂચનાઓ બહાર પાડવામાં આવી છે.

નોવેલ કોરોના વાઈરસના ચેપને નિયંત્રણ કરવા સાથે સીધા સંકળાયેલ કર્મચારીઓ / અધિકારીઓ તેમજ આવશ્યક / તાત્કાલિક સેવાઓ સાથે સંકળાયેલ વિભાગો / કચેરીઓ જેવી કે આરોગ્ય અને પરિવાર કલ્યાણ વિભાગ તેમજ તેઓને સંલગ્ન કચેરીઓ, અન્ન અને નાગરિક પુરવઠા વિભાગ અને તેઓને સંલગ્ન કચેરીઓ, કલેક્ટર કચેરી, ડિઝાસ્ટર મેનેજમેન્ટ સાથે સંકળાયેલ કચેરીઓ, પંચાયત, નગરપાલિકાઓ, મહાનગરપાલિકાઓ (આવશ્યક / તાત્કાલિક પ્રકારની કામગીરી સાથે સંકળાયેલ કર્મચારી/ અધિકારીઓ), ગેસ, વીજ વિતરણ કરતી કંપનીઓ, પાણી પુરવઠા સાથે સંકળાયેલ સંલગ્ન કચેરીઓ, પોલીસ તંત્ર, હોમગાર્ડ્સ, નાગરિક સંરક્ષણ વગેરે જેવી કચેરીઓને રજા સંબંધેની સૂચનાઓ લાગુ પડશે નહિ.
રાજ્ય સરકાર દ્વારા જાહેર હિતમાં તેમજ તમામની સ્વાસ્થ્ય સુખાકારીને ધ્યાને લઈ ગુજરાત રાજ્યની તમામ સરકારી કચેરીઓમાં (ઉપર દર્શાવ્યા સિવાયની) શનિવાર, તા,૧૫/૦૧/૨૦૨૨ના રોજ રજા જાહેર કરવામાં આવે છે.

   
(7:28 pm IST)