Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

પતંગરસિકો ઉમટ્યા : છેલ્લીઘડીએ અમદાવાદ, સુરત, વડોદરા અને રાજકોટમાં ઉત્તરાયણની ધૂમ ખરીદી :દુકાનોમાં ભારે ભીડ

પતંગ-દોરીના ભાવમાં વધારો છતાં પતંગરસિકોમાં ઉસ્તાહ યથાવત : પતંગ-માજાં સાથે ટોપી, ચશ્મા, બ્યૂગલની પણ જબરી ખરીદી

અમદાવાદ :રાજ્યમાં ઉત્તરાયણનો માહોલ જામ્યો છે. સાથે મહાનગરો અમદાવાદ, સુરત, વડોદરા, રાજકોટમાં ઉત્તરાયણનો ઉમંગ છવાયો છે, ઉત્તરાયણ પૂર્વ છેલ્લી ઘડીની ખરીદી માટે લોકો ઉમટી રહ્યા છે.પતંગ દોરી સાથે જ અન્ય વસ્તુની ખરીદી પણ લોકો કરી રહ્યાં છે. કાચા સામાનના ભાવમાં વધારો થતા પતંગ-દોરીના ભાવમાં પણ વધારો જોવા મળી રહ્યો છે. તેમ છતાં પતંગરસિકોના ઉત્સાહમાં જરા પણ ફરક પડ્યો નથી.

પતંગ-માજાં સાથે અન્ય એસેસરીઝની પણ લોકોએ ખરીદી કરી રહ્યાં છે. ટોપી, ચશ્મા, બ્યૂગલની દુકોનામાં પણ ગ્રાહકો ઉમટ્યા છે. પતંગ અને દોરીમાં નવી નવી વેરાયટીની પણ ધૂમ મચી છે પરંતુ ઘણા બધા લોકો તૈયાર દોરીને બદલે પસંદગીની દોરી જાતે રંગાવવામાં જ માનતા હોય છે. જેથી દોરી રંગાવવામાં ભારે ભીડ જામી છે. ઉત્તરાયણમાં ઊંધિયુ, જલેબીની પણ ધૂમ ખરીદી થતી હોય સ્વાદરસિકો માટે વેપારીઓ પણ અત્યારથી જ ઊંધિયુ બનાવવાની તૈયારીમાં લાગી ગયા છે. તો શેરડી, બોર-જામફળની લારીઓથી પણ બજારમાં ભીડ જામી છે.

રાજ્યમાં ઉત્તરાયણ પર્વની ઉજવણીને લઈને પતંગ રસિયાઓ થનગની રહ્યા છે.પરંતુ ઉત્તરાયણના પર્વને કોરોનાનું ગ્રહણ લાગ્યું છે.જો કે, કોરોનાનુ સંક્રમણ ન વધે તેની તકેદારીના ભાગરૂપે રાજય સરકારે આ વર્ષે ગાઇડલાઇન જાહેર કરી લોકોને પતંગ ઉડાવવાની છુટ આપી છે.રાજ્ય સરકારની ગાઈડલાઈન મુજબ ધાબા પર ભીડ ભેગી નહી કરી શકાય.બહારના લોકોને બોલાવી શકાશે નહી એટલે કે મિત્ર-સબંધીઓ સાથે નહી પરંતુ પરિવાર સાથે પતંગ ઉડાડવાની મંજુરી આપવામાં આવી છે..અને જો આ નિયમ ભંગ થશે તો જવાબદારી સોસાયટીના ચેરમેન કે સેક્રેટરીની રહેશે.સાથે જ મકાન કે ધાબા પર લાઉડ સ્પીકર અને ડીજે પર પ્રતિબંધ રહેશે..તેમજ જાહેર સ્થળો અને રસ્તાઓ પર એકત્રિત થઈ પતંગ નહી ઉડાડી શકાય.

ઉત્તરાયણને લઇને સરકારે ગાઇડલાઇન જાહેર કરી છે જે આ મુજબ છે

કોઇપણ જાહેર સ્થળો / ખુલ્લા મેદાનો / રસ્તાઓ વગેરે પર એકત્રિત થઇ શકાશે નહી તેમજ પતંગ ચગાવી શકાશે નહી.

વર્તમાન મહામારીની પરિસ્થિતિમાં ઉત્તરાયણનો તહેવાર પોતાના પરિવારના નજીકના સભ્યો સાથે જ ઉજવવામાં આવે તે સલાહભર્યુ છે.

માસ્ક વિના કોઇપણ વ્યકિત મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે સોસાયટીના મેદાનમાં પતંગ ચગાવવાના હેતુથી એકત્રિત થઇ શકશે નહી . ત્યાં ઉપસ્થિત લોકોએ સોશિયલ ડિસ્ટન્સિંગનું પાલન અને સેનેટાઇઝરની વ્યવસ્થા ફરજિયાતપણે કરવાની રહેશે.

મકાન / ફલેટના ધાબા / અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં ત્યાંના રહીશ સિવાયની કોઈપણ વ્યકિતને પ્રવેશ આપવાનો રહેશે નહી . ફ્લેટ / રહેણાંક સોસાયટી સંબંધિત કોઇ પણ સૂચનાઓના ભંગ બદલ સોસાયટી / ફ્લેટના સેક્રેટરી / અધિકૃત વ્યક્તિઓ જવાબદાર રહેશે અને તેઓ વિરુદ્ધ નિયમાનુસારની કાયદેસર કાર્યવાહી કરવામાં આવશે.

મકાન / ફ્લેટના ધાબા / અગાસી કે રહેણાંક સોસાયટીના મેદાનમાં મોટી સંખ્યામાં લોકોના એકત્રિત થવા પર પ્રતિબંધ રહેશે.

મકાન / ફલેટના ધાબા / અગાસી કે સોસાયટીના મેદાનમાં લાઉડ સ્પીકર, ડી.જે. અથવા કોઈ પણ પ્રકારની મ્યુઝીક સિસ્ટમ વગાડવાથી ભીડ એકત્રિત થવાથી સોશિયલ ડિન્ટન્સિંગનો ભંગ થવાની તેમજ કોરોના સંક્રમણ વધવાની શક્યતા હોવાથી લાઉડ સ્પીકર ડી.જે. તેમજ મ્યુઝીક સિસ્ટમનો ઉપયોગ પ્રતિબંધિત રહેશે.

65 વર્ષથી વધુ વયના વયસ્ક વ્યકિતઓ / અન્ય રોગોથી પીડિત વ્યકિતઓ, સગર્ભા સ્ત્રીઓ અને 10 વર્ષથી ઓછી વયના વ્યકિતઓ ઘરે રહે તે સલાહભર્યુ છે.

કોઇપણ વ્યકિત જાહેર જનતાની લાગણી દુભાય તેમજ જાહેર સુલેહ શાંતિનો ભંગ થાય તેવા કોઇ પણ પ્રકારના લખાણો / સ્લોગન / ચિત્રો પતંગ પર લખી શકાશે નહી.

સુપ્રીમ કોર્ટ / હાઇકોર્ટ તથા NGT ની સૂચનાઓ અન્વયે ચાઇનીઝ સ્કાય લેન્ટર્ન , ચાઇનીઝ તુક્કલ , સ્કાય લેન્ટર્ન , સિન્થેટીક / કાંચ પાયેલા માંઝા , પ્લાસ્ટીક દોરી વગેરે પ્રતિબંધિત રહેશે.

ઉપરોકત સૂચનાઓનું ઉલ્લંધન કરનાર વ્યકિત The Disaster Management Act , 2005 તેમજ The Indian Penal Code,1860 ની જોગવાઇઓ હેઠળ કાર્યવાહીને પાત્ર થશે.

ઉતરાયણના પર્વ ને હવે ત્રણ દિવસ બાકી છે ત્યારે પતંગ અને દોરીની ખરીદી નિકળી છે શહેરોમાં પતંગ બજારમાં બે ઈચ થી માંડી 5ઈચ થી પાચ ફુટની પતંગો જોવા મળી રહી છે. હવે તો 15 હજાર વાર દોરીની ફિરકીઓ ઉપલબ્ધ છે તેની સાથે પતંગો પણ અનેક પ્રકારની વેરાઇટીમા જોવા મળી રહી છે.વિવિધ પ્રકાર ની ડિઝાઇન, નેતા અને સેલિબ્રિટીના ફોટા વાળી પતંગો, માત્ર ત્રણ દિવસ બાકી હોવા થી પતંગ રસીયાઓ પતંગો ખરીદવા આવી રહ્યા છે. જોકે આ વર્ષે પતંગ અને દોરીમા 15થી 20 ટકા જેટલો ભાવ વધારો લોકોને લાગી રહ્યો છે જ્યારે વેપારીઓ જણાવી રહ્યા છે કે પતંગ દોરાનો પુરવઠો ઓછો છે અને ડીમાન્ડ વધારવા છે જો ના કારણે ભાવમા વધારો થયો છે

(10:20 pm IST)