Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

ગામડાઓમાં કોરોના સંક્રમણ અટકાવવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્રનો મહત્વનો નિર્ણય

સરપંચઓના અધ્યક્ષસ્થાને સમિતિની રચના કરાશે : આ કમિટી બહારથી આવતા લોકોની યાદી નિભાવી તેમનું સેલ્ફ આઈસોલેશન, ગામમાં રસીકરણ સહિતની કામગીરી કરશે

અમદાવાદ :કોરોનાની સંભવિત ત્રીજી લહેરની શરૂઆત થઇ ચુકી છે. સમગ્ર રાજ્યની સાથે બનાસકાંઠા જિલ્લામાં પણ કોરોનાના કેસોમાં વધારો થયો છે ત્યારે બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા મહત્વનો નિર્ણય લઇ ગામડાઓમાં કોરોના સંક્રમણ ફેલાતું અટકાવવા માટે કલેકટરશ્રી આનંદ પટેલ અને જિલ્લા વિકાસ અધિકાર સ્વપ્નીલ ખરેએ ગ્રામ્યકક્ષાએ તેના કંટ્રોલ માટે સરપંચઓના અધ્યક્ષસ્થાને સમિતિ રચવાનો નિર્ણય કર્યો છે.

 બનાસકાંઠા જિલ્લામાં કોરોનાની ત્રીજી લહેરને અટકાવવા માટે ગ્રામ્ય વિસ્તારમાં સરપંચઓના અધ્યક્ષસ્થાને સમિતીની રચના કરાશે. જેમાં (૧) સરપંચ (અધ્યક્ષ) (૨) ગ્રામ પંચાયત મંત્રી(સભ્ય સચિવ) (૩) પ્રાથમિક શાળાના આચાર્ય (૪) માધ્યમિક શાળાના આચાર્ય (જો હોય તો)  (૫) ગ્રામ સેવક (૬) દૂધ મંડળીના ચેરમેન/મંત્રી (૭) આરોગ્ય વિભાગના કર્મચારી/ આશા વર્કર (૮) આંગણવાડી કાર્યકર (૯) ગામમાં આવેલી એફ.પી.એસ.ના સંચાલક અને (૧૦) ગામના પ્રતિષ્ઠિત આગેવાનો સમિતિના સભ્યો રહેશે.  
 આ કમિટીએ આ મુજબની કામગીરી કરવાની રહેશે.ગામમાં બહારથી આવતા લોકોની યાદી નિભાવવી અને ગામમાં આવ્યા પછી કટુંબના સભ્યો તથા ગ્રામજનોથી અળગા રહે (સેલ્ફ આઈસોલેશન) તે માટે તકેદારી રાખવી, ગામમાં રસીકરણમાં બાકી રહી ગયેલા લોકોની યાદી તૈયાર કરી પ્રથમ ડોઝ અને બીજા ડોઝની ૨સીકરણની કામગીરી ૧૦૦ ટકા પૂર્ણ કરાવી ગામને સુરક્ષિત બનાવવું, શાળાએ જતા ૧૫ થી ૧૮ વર્ષના વિદ્યાર્થીઓ તથા શાળાએ ન જતાં કિશોરોનું રસીકરણ આરોગ્ય કર્મચારીઓ/ પી.એચ.સી.વગેરેના સંપર્કમાં રહી તાત્કાલીક પૂર્ણ કરાવવું, શરદી, ઉધરસ, તાવ જેવા લક્ષણો ધરાવતાં ગામના લોકોનું નજીકના સરકારી દવાખાને ત્વરીત ટેસ્ટીંગ કરાવવું અને જો પોઝીટીવ આવે તો આઈસોલેટ કરવા, ગામમાં કોવિડ ચકાસણી માટે આવતી ટીમને સંપૂર્ણ સહકાર આપવો અને કોરોનાના લક્ષણો ધરાવતાં લોકોને શોધી તેમનું ટેસ્ટીંગ થાય તે સુનિશ્ચિત કરવું, ગામમાં કોવિડ પોઝીટીવ આવેલ વ્યકિત તેમના પરિવારજનો અને અન્ય સ્થાનિકોના સંપર્કમાં ના આવે અને પોતાની જાતને આઈસોલેટ કરે તે રીતે સમજાવવા, આઈસોલેટ થયેલ વ્યક્તિના પરિવારજનોને હૂંફ પુરી પાડીને જરૂરીયાત જણાયે જીવન જરૂરી ચીજવસ્તુઓ ઘરઆંગણે ઉપલબ્ધ બની રહે તે રીતે મદદ પહોંચાડવા સહિતની કામગીરી કરવાની રહેશે.
 આ સમિતિની પ્રથમ બેઠક તા.૧૯/૦૧/૨૦૨૨ના રોજ ૧૨:૦૦ કલાકે યોજાશે. જેમાં ઉપસ્થિત રહેનાર અધિકારીઓના આદેશ પણ કરવામાં આવ્યા છે. પ્રથમ બેઠક ઉપરાંત આ કમિટીની બેઠક જયાં સુધી અન્ય સુચના ના મળે ત્યાં સુધી એકાંતરા દિવસે યોજવામાં આવશે.
 કોરોનાની ત્રીજી લહેરનું સંક્રમણ ગ્રામ્ય વિસ્તારોમાં ન પ્રસરે તે માટે સાવચેત રહેવાની ખુબ જ જરૂર છે. કોરોનાની પહેલી અને બીજી લહેર દરમ્યાન કોરોના સામે લડવા માટે સરપંચઓ અને ગ્રામજનોનો પુરતો સહયોગ વહીવટી તંત્રને મળ્યો હતો ત્યારે પુનઃ આવનારી આ વિપદાનો સામનો કરી સંયુક્ત પ્રયાસો વડે આપણા ગામની સુરક્ષા સુનિશ્ચિત કરવા બનાસકાંઠા જિલ્લા વહીવટી તંત્ર દ્વારા અપીલ કરવામાં આવી છે.

(6:44 pm IST)