Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં કમ્પ્યુટર વિષયની ફીમાં 18 વર્ષથી કોઈ જ વધારો કરાયો નથી

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ફીમાં વધારો કરવા માંગણી

ગાંધીનગર: રાજ્યની ગ્રાન્ટેડ સ્કૂલોમાં કમ્પ્યુટર વિષયની ફીમાં 18 વર્ષથી કોઈ જ વધારો કરાયો ન હોવાથી ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળ દ્વારા રાજ્યના મુખ્યમંત્રીને પત્ર લખી ફીમાં વધારો કરવા માંગણી કરી છે. સરકાર દ્વારા 2004-05માં કમ્પ્યુટર વિષય દાખલ કરાયો ત્યારે માસિક રૂ. 50 ફી નક્કી કરાઈ હતી. હાલમાં પણ આ જ ફી વસુલવામાં આવે છે. જેથી આ ફીમાં વધારો કરી માસિક રૂ. 150 કરવા માંગણી કરાઈ છે. જ્યારે સ્કૂલોના જૂના કમ્પ્યુટરના બદલે અદ્યતન કમ્પ્યુટર ફાળવવા પણ માંગણી કરી છે.

ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડ દ્વારા રાજ્યની માધ્યમિક શાળાઓમાં ધોરણ-8માં જૂન, 2004-05ના શૈક્ષણિક વર્ષથી કમ્પ્યુટર વિષય દાખલ કરવા માટે બોર્ડની કારોબારીમાં ઠરાવ કરવામાં આવ્યો હતો. ગુજરાતમાં તે સમયે ધોરણ-8થી 10 માધ્યમિક અને ધોરણ-11 અને 12 ઉચ્ચતર માધ્યમિક ગણાતું હતું. શાળાને ક્રમશઃ ઉપલા વર્ગમાં કમ્પ્યુટર ભણાવવા માટેની મંજુરી જે તે જિલ્લા શિક્ષણાધિકારી દ્વારા આપવામાં આવતી હતી.

ગુજરાત રાજ્ય શાળા સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના મુખ્યમંત્રીને ઉદ્દેશીને લખેલા પત્રમાં જણાવ્યું છે કે, માધ્યમિક કક્ષાએ શાળાના શિક્ષકને 12 દિવસની તાલીમ આપવામાં આવતી હતી અને તાલીમ પામેલા શિક્ષકો કમ્પ્યુટર વિષય ભણાવતા હતા. બોર્ડની ધોરણ-10 અને 12 સામાન્ય પ્રવાહની પરીક્ષામાં પણ કમ્પ્યુટરની પરીક્ષા લેવામાં આવતી હતી અને હાલમાં પણ આ પરીક્ષા લેવામાં આવે છે. કમિશનર શાળાઓની કચેરી દ્વારા ICT સ્કુલ્સ યોજના અંતર્ગત પ્રોજેક્ટ ચેમ્પિયન નિયુક્ત કરવામાં આવેલા હતા અને તે લોકો દ્વારા પ્રથમ તબક્કામાં 3650 શાળાઓમાં અને બીજા તબક્કામાં 2320 શાળાઓમાં તાલીમ, કમ્પ્યુટર મેઈન્ટેનન્સ અને અન્ય કાર્યવાહી થતી હતી.

શિક્ષણ બોર્ડ દ્વારા જ્યારે રાજ્યની શાળાઓમાં કમ્પ્યુટર વિષય દાખલ કર્યો હતો ત્યારે એટલે કે 2004-05ના વર્ષમાં માસિક રૂ. 50 કમ્પ્યુટર શિક્ષણ ફી વિદ્યાર્થી પાસેથી વસુલી શકાશે તેવો પરિપત્ર કર્યો હતો. 18 વર્ષ જેટલો સમય વિતી ગયો હોવા છતાં કમ્પ્યુટર શિક્ષણ ફી માસિક રૂ. 50 અને વાર્ષિક રૂ. 600 જ છે, જેમાં કોઈ વધારો કરવામાં આવ્યો નથી. રાજ્ય સરકાર દ્વારા ગ્રાન્ટેડ શાળાઓમાં અલગથી કમ્પ્યુટર શિક્ષક આપવામાં આવતો નથી. ઉપરાંત ધોરણ-8 પ્રાથમિકમાં જતાં વિદ્યાર્થીઓની સંખ્યા ઘટી છે અને તેના લીધે કમ્પ્યુટરની ફીની આવકમાં પણ ઘટાડો થયો છે.

અગાઉ ધોરણ-11 અને 12માં કમ્પ્યુટર વિષય ફરજિયાત હતો. જોકે, હવે તે વિષયની સામે વિકલ્પ આપેલા હોવાથી વિદ્યાર્થીઓ કમ્પ્યુટર વિષય પસંદ કરતા નથી. આમ, સંખ્યામાં ઘટાડો થયો છે. સંચાલકોને વાર્ષિક રૂ. 600 ફીમાં કમ્પ્યુટર ભણાવવા માટે બહારથી શિક્ષક લાવવા પડે છે. આમ, ફીમાં વધારો કરાયો ન હોવાથી તેમજ વિદ્યાર્થીઓની સંખ્યામાં સતત ઘટાડો થયો હોઈ સંચાલક મંડળના પ્રમુખ ભાસ્કર પટેલે રાજ્યના મુખ્યમંત્રીને આ મુદ્દે પત્ર લખી રજૂઆત કરી છે.

રજૂઆતમાં વધુમાં જણાવાયું છે કે, પ્રત્યેક શાળાને પુર્ણ સમયનો કમ્પ્યુટર શિક્ષક મળે તેવી જોગવાઈ થવી જોઈએ. શાળા મંડળને કમ્પ્યુટર શિક્ષણ માટે માસિક રૂ. 50ને બદલે રૂ. 150 ફી લેવા માટે પરવાનગી આપવી જોઈએ. સરકાર દ્વારા આપવામાં આવેલા કમ્પ્યુટર ખુબ જ જૂના હોવાથી તેના રિપ્લેસ્ટમેન્ટમાં અદ્યતન કમ્પ્યુટર આપવા જોઈએ. જૂના કમ્પ્યુટર પરત લઈ શાળાને 11ના બદલે 20 કમ્પ્યુટર આપવા જોઈએ. જેથી એક વર્ગમાં 60 વિદ્યાર્થી હોય તો એક કમ્પ્યુટર પર 3 વિદ્યાર્થી શીખી શકે. આ, મુદ્દે ચર્ચા કરવા બોલાવવામાં આવે તેવી પણ સંચાલકોની માંગણી છે.

(9:56 pm IST)