Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

કોરોનાને ભૂલી પતંગ-દોરી ખરીદવા લોકો ઉમટી પડ્યા

ઉત્તરાયણની ઉજવણી કરવા અમદાવાદીઓ તૈયાર : ઉત્તરાયણમાં ઊંધિયાનું પણ મોટા પ્રમાણમાં વેચાણ થવાની શક્યતા, ઠેક-ઠેકાણે વેચાણ માટે મંડપો ઉભા થઈ ગયા

અમદાવાદ, તા.૧૩ : ૨૦૨૨ના પહેલા તહેવાર એવા ઉત્તરાયણની રંગેચંગે ઉજવણી કરવા માટે અમદાવાદીઓએ પૂરી તૈયારી કરી લીધી છે. ગુરૂવારે સાંજે કોટ વિસ્તારોમાં આવેલાં બજારોમાં લોકોની જોરદાર ભીડ છેલ્લી ઘડીએ પતંગ તેમજ દોરીની ખરીદી કરવા માટે ઉમટી પડી હતી. એક તરફ કોરોનાના ડેઈલી કેસનો આંકડો દસ હજારને આંબવાની તૈયારીમાં છે ત્યારે બજારોમાં લોકો માસ્ક અને સોશિયલ ડિસ્ટન્સની પરવાહ કર્યા વિના પતંગ-દોરી ખરીદતા જોવા મળ્યા હતા.

માત્ર અમદાવાદ જ નહીં, રાજ્યના અન્ય શહેરોમાં પણ પતંગ બજારોમાં આવા જ દ્રશ્યો જોવા મળી રહ્યા છે. સરકારે કોરોનાને ધ્યાનમાં રાખતા ધાબા પર વધારે ભીડ એકઠી ના થાય તેમજ સોસાયટીઓમાં બહારથી કોઈ ના આવે તેવા નિયમો બનાવ્યા છે, પરંતુ લોકોએ તો ધાબા પર મ્યૂઝિક સિસ્ટમ ગોઠવવા સહિતની તૈયારીઓ કરી લીધી છે. ૨૦૨૧માં પણ કોરોનાના ઓછાયા વચ્ચે જ ઉત્તરાયણની ઉજવણી થઈ હતી. જોકે, તે વખતે કેસોનો આંકડો સાવ મામૂલી હતો, પરંતુ આ વર્ષે ત્રીજી લહેરના ટાણે જ ઉત્તરાયણ આવી છે.

જાન્યુઆરી મહિનાની શરુઆતમાં જ કોરોનાના કેસોમાં અચાનક ભડકો થતાં પતંગ-દોરીના વેપારીઓને ત્યાં ઘરાકી સાવ ઘટી ગઈ હતી. જોકે, છેલ્લી ઘડીઓમાં બજારોમાં ભીડ દેખાતા વેપારીઓ પણ ખુશ જણાયા હતા. અમદાવાદ સહિતના નાના-મોટા શહેરોમાં રસ્તા પર મંડપ બાંધીને પણ અનેક લોકો પતંગ-દોરીનો ધંધો કરે છે. તેમને ત્યાં પણ ભીડ જોવા મળી રહી છે. પતંગ-દોરીની સાથે લોકો ટોપી, ગોગલ્સ, ભૂંગળા જેવી વસ્તુઓ પણ ખરીદી રહ્યા છે. તો બીજી તરફ, ચિક્કી, મમરાના લાડુ ઉપરાંત શેરડી અને બોરની પણ ખરીદી થઈ હતી.

ગુજરાતમાં ઉત્તરાયણના દિવસે ઊંધિયું અને જલેબી ખાવાની પણ પરંપરા છે. કોરોના ભલે હોય, પરંતુ ઉત્તરાયણના દિવસે મોટી સંખ્યામાં લોકો ઊંધિયું ખરીદવા પણ ઉમટી પડે તેવી પૂરેપૂરી શક્યતા છે. જેની તૈયારીના ભાગરુપે ઊંધિયું વેચનારા લોકોએ પણ તમામ તૈયારી કરી લીધી છે. બજારમાંથી લીલા શાકભાજીનો ઉપાડ પણ વધી ગયો છે. જોકે, આ વખતે જેમ પતંગ-દોરીના ભાવ વધ્યા છે તેમ ઊંધિયા અને જલેબીના ભાવમાં પણ વધારો સંભવ છે.

આ વખતે ઉત્તરાયણમાં ઠંડી પણ જોરદાર પડી રહી છે. રાજ્યમાં છેલ્લા ત્રણ દિવસથી કોલ્ડવેવ જેવી સ્થિતિ છે. આ ઉપરાંત, હવામાન ખાતા દ્વારા એવું પણ કહેવામાં આવ્યું છે કે ઉત્તરાયણના દિવસે પવનની ગતિ સામાન્ય રહેશે. મતલબ કે, પતંગરસિકોને પતંગ ઉડાવવા માટે વધારે મહેનત નહીં કરવી પડે. જોકે, ધાબા પર ભીડ એકઠી ના થાય તે સુનિશ્ચિત કરવા માટે પોલીસે પણ પૂરી તૈયારી કરી રાખી છે. અમદાવાદની જ વાત કરીએ તો પોલીસ આ વખતે ડ્રોન કેમેરા દ્વારા ધાબાઓ પર નજર રાખવાની છે.

(9:14 pm IST)