Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

અમદાવાદમાં અત્યાર સુધીમાં 54 પોલીસકર્મી કોરોના સંક્રમિત : તમામ પોલીસકર્મીને ફરજીયાત RTPCR ટેસ્ટ કરાવવા આદેશ

નરોડા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં RTPCR ટેસ્ટની વ્યવસ્થા કરાઈ : ત્રણ દિવસમાં 700 પોલીસકર્મીઓએ ટેસ્ટ કરાવ્યો

અમદાવાદ સહિત રાજય ભરમાં કોરોનાનું સંક્રમણ વધતા આરોગ્ય વિભાગ માટે ચિંતાનો વિષય બન્યો જ છે. પરંતુ અમદાવાદમાં ફ્રન્ટલાઈન વર્કર તરીકે ફરજ બજાવતા પોલીસ કર્મચારીઓમાં પણ ચિંતાનું મોજુ ફરી વળ્યું છે. કારણ કે અત્યાર સુધીમાં 54 પોલીસ કર્મચારીઓ પોઝિટિવ આવતા પોલીસના ઉચ્ચ અધિકારીઓ દ્વારા તમામ પોલીસ કર્મચારીઓને ફરજીયાત RTPCR ટેસ્ટ કરાવવાના મૌખિક આદેશ કરાયા છે.

કોરોનાની પકડ હવે ધીરે ધીરે મજબૂત બની રહી છે અને હવે પોલીસ કર્મચારીઓ પણ કોરોનાના ભરડામાં સપડાઈ રહ્યા છે. શહેરમાં અત્યારસુધીમાં 54 પોલીસ કર્મીઓ કોરોના પોઝિટિવ આવતા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન સંચાલિત કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં પોલીસ કર્મીઓના RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

તો ફ્રન્ટલાઈન વર્કર તરીકે પોલીસને બુસ્ટર ડોઝ અપવાની વ્યવસ્થા કરવામાં આવી છે. અમદાવાદના નરોડા કોમ્યુનીટી હેલ્થ સેન્ટરમાં નરોડા, કૃષ્ણનગર પોલીસ સ્ટેશન, મેઘાણીનગર પોલીસ સ્ટેશન ના પોલીસ કર્મીઓ માટે અહીં RTPCR ટેસ્ટ ની વ્યવસ્થા કરાઈ છે.

જે અંગે હેલ્થ સેન્ટરના સુપરિટેનડેન્ટ ડો. બિંદીયા જણાવે છે કે ત્રણ દિવસથી પોલીસ કર્મીઓના RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે. ત્રણ દિવસમાં 700 પોલીસ કર્મીઓએ ટેસ્ટ કરાવ્યા છે.

સંક્રમણ જે રીતે વધી રહ્યું છે ત્યારે પોલીસ કર્મીઓ જો A સીમટોમેટિક હોય તો તેઓમાં લક્ષણો ન જણાય પણ તેઓ અન્ય કોઈને ચેપ ફેલાવી શકે છે જેને ધ્યાનમાં રાખીને તેઓના RTPCR ટેસ્ટ કરાઈ રહ્યા છે. શહેરમાં આવા 13 હેલ્થ સેન્ટર છે જ્યાં આ પ્રકારે ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.

મહત્વનું છે કે કોરોનાને મ્હાત આપવા આરોગ્ય તંત્ર ટેસ્ટિંગ પર વધુ ભાર આપી રહ્યું છે જેથી ઝડપથી લોકોને સારવાર આપી શકાય. ત્યારે હવે પોલીસ કર્મીઓના પણ RTPCR ટેસ્ટ કરવામાં આવી રહ્યા છે.નોંધનીય છે કે જે રીતે મહારાષ્ટ્ર માં પોલીસ કર્મીઓ કોરોના સંક્રમિત થઈ રહ્યા છે તે પણ ચિંતાનો વિષય છે.

(9:06 pm IST)