Gujarati News

Gujarati News

News of Friday, 14th January 2022

સમસ્યામાંથી જ સમાધાન શોધી કાઢે તેનું નામ ગુજરાતી લગ્નમાં 150 લોકોની મર્યાદા થતા અપનાવી અજીબ ટ્રિક

ઘરે બેઠા જ સોશિયલ મીડિયાના માધ્યમથી સગા સબંધીઓ લગ્નની વિધિ નિહાળશે

અમદાવાદ:સમસ્યામાંથી જ સમાધાન શોધી કાઢે તેનું નામ ગુજરાતી. કોરોનાના વધતા કેસ સામે સરકારે લગ્ન સહિત સામાજિક મેળવડા માટે 150 લોકોની મર્યાદા જાહેર કરી છે. 400 લોકોને આમંત્રણ અપાઈ ગયું હોય અને પછી આવી સમસ્યા ઉભી થાય ત્યારે ના કોને પાડવી તે સૌથી મોટી તકલીફ છે. ત્યારે આ સમસ્યાનો તોડ અમદાવાદમાં એક વર કન્યાના પરિવારે શોધી કાઢ્યો છે.લગ્ન પણ થઈ જશે અને લગ્ન સમારંભમાં જોડાશે અને હાજર પણ નહીં રહે તેવો વચલો માર્ગ આજના ટેકનોલોજીના  યુગમાં આ પરિવારે શોધી કાઢ્યો છે.

 કોરોનાના કેસમાં સતત વધી રહ્યા છે અને વધતા સંક્રમણને લઈ સરકાર દ્વારા સતત રિવ્યુ બેઠક યોજવામાં આવી રહી છે. તેવામાં ફરી એકવાર ધાર્મિક, રાજકીય, સામાજિક , શૈક્ષણિક , સાંસ્કૃતિક સમારંભમાં લોકોની હાજરી પર કાપ મુકવામાં આવ્યો છે.ઉત્તરાયણ બાદ કમુરતા ઉતરતા મોટી સંખ્યામાં લગ્નનું આયોજન છે. પણ હવે નવી ગાઈડલાઈન મુજબ લગ્ન સમારંભમાં કેટરિંગ અને અન્ય સેવાના માણસો 150 લોકોને હાજર રહેવાની પરમિશન છે.

અમદાવાદમાં એક લગ્નના આયોજન ને લઈ 400 લોકોને આમંત્રણ આપ્યા હતા પણ કોરોનાએ આયોજન ઊંધું વાળ્યું છે. તેવામાં વર પક્ષે જોરદાર આઈડિયા શોધી કાઢ્યો છે. અમદાવાદના ઘાટલોડિયામાં રહેતા રાજ કિરિના લગ્ન વાડજમાં રહેતા શ્રદ્ધા શાહ સાથે આગામી 22 જાન્યુઆરીએ યોજ્યા છે. કોરોનાના કારણે એકાએક ગાઈડલાઈન ચેન્જ થતા હવે 150 પરિવાર જનોને જ લગ્નમાં લઈ જવા પડશે. 400 લોકોને આમંત્રણ આપવામાં આવ્યા છે. જેથી રાજના પરિવારજનો દ્વારા નક્કી કરાયું કે લગ્નમાં માત્ર ઘરના જ જે પરિવાર જનો હશે તે જોડાશે. અને એ લગ્નની લાઈવ વિધિ સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવશે. જેથી ઘરના સિવાય બાકી રહી જતા પરિવાર જનો લગ્ન સમારંભમાં જોડાશે તો ખરા ફક્ત સમારંભમાં હાજર નહી હોય.

ઘરે બેઠા જ સોશિયલ મીડિયાના માધ્યમથી સગા સબંધીઓ લગ્નની વિધિ નિહાળશે. જે લોકોને આમંત્રણ આપવામાં આવ્યા હતા તેઓના ઘરે લગ્નની મીઠાઈ પહોંચાડી આ આયોજન અંગે અવગત કરવામાં આવી રહ્યા છે. મહત્વનું છે કે 7 મી તારીખે ગુજરાત સરકારે ખુલ્લી જગ્યામાં લગ્ન સમારંભ માટે 400 વ્યક્તિની અને બંધ હોલમાં યોજાતા સમારંભ માટે ક્ષમતાના 50 ટકા લોકોને આમંત્રણ આપી શકાશે તેવી જાહેરાત કરી હતી . પણ કેસ વધતા 150 લોકોની મર્યાદા નક્કી થતા હવે આવા આઈડિયા અપનાવવાની ફરજ લોકોએ પડી રહી છે.

(8:51 pm IST)