Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

પ્રથમ વર્ષની ઉજવણી કરવા વિજયભાઇ રૂપાણીની સરકાર સુસજ્જ

૨૫મી ડિસેમ્બરથી કાર્યક્રમોની શરૂઆત થશે : જસદણ પેટાચૂંટણીના પરિણામો પણ ઉજવણી વેળા જાહેર

અમદાવાદ, તા. ૧૩ : ગુજરાતમાં વિજયભાઇ રૂપાણી સરકાર તેમની બીજી અવધિના પ્રથમ વર્ષની ઉજવણી કરવા માટેની તૈયારીમાં છે. ૨૫મી ડિસેમ્બરથી કાર્યક્રમોનું આયોજન કરવામાં આવનાર છે. પ્રધાનોની પેનલ દ્વારા કાર્યક્રમો ઉપર નજર રાખવામાં આવશે. જો કે, જસદણના પરિણામ પણ કેટલીકરીતે મહત્વપૂર્ણ બની રહેશે. જસદણ પેટાચૂંટણી ૨૦મી ડિસેમ્બરના દિવસે યોજાશે અને પરિણામ ૨૩મી ડિસેમ્બરના દિવસે જારી કરાશે. ઉજવણીને લઇને કેટલાક પ્રશ્નો પણ છે પરંત સરકાર પ્રથમ વર્ષની ઉજવણી કરવા માટે સજ્જ થઇ ચુકી છે. ૨૫મી ડિસેમ્બરથી શરૂ કરવામાં આવ્યા બાદ એક સપ્તાહ સુધી ઉજવણીનો દોર ચાલશે. અત્રે નોંધનીય છે કે, ૨૬મી ડિસેમ્બર ૨૦૧૭ના દિવસે રૂપાણી અને તેમના કેબિનેટના સભ્યોએ શપથ લીધા હતા. ગઇકાલે કેબિનેટની બેઠક યોજાઈ હતી જેમાં ઉજવણી કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. પબ્લિસીટીના કાર્યક્રમો તૈયાર કરવા માટે મુખ્યમંત્રીએ ચીફ સેક્રેટરી જેએનસિંહને આદેશ કરી દીધો છે. અન્ય સુચનાઓ પણ આપવામાં આવી છે. તમામ સેક્રેટરીઓને કાર્યક્રમોને લઇને સંબંધિત વિસ્તારમાં સરકારની સિદ્ધિઓની યાદી તૈયાર કરવા સૂચના આપી દેવામાં આવી છે. રાજ્ય સરકાર ૨૬મી ડિસેમ્બરના દિવસે કાર્યક્રમ યોજનાર છે. જિલ્લા વહીવટીતંત્ર દ્વારા પણ ઉજવણીના કાર્યક્રમો તૈયાર કરવામાં આવી રહ્યા છે. આ ગાળામાં જસદણ પેટાચૂંટણી યોજાનાર છે. ત્રણ રાજ્યોમાં વિધાનસભાની ચૂંટણીના પરિણામ ભાજપની વિરુદ્ધમાં આવ્યા હોવા છતાં આને ભુલી જઇને ભારતીય જનતા પાર્ટી નવેસરથી આક્રમક રણનીતિ સાથે આગળ વધવા માટે તૈયારી કરી ચુકી છે. ૨૫મી ડિસેમ્બરથી ઉજવણીના કાર્યક્રમો શરૂ થશે.

(9:49 pm IST)