Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

સરદાર પટેલના નિર્વાણ દિને સ્કૂલ-કોલેજોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની રેપ્લિકા સ્થાપવા કલેક્ટરો-મ્યુનિ.કમિશનરોને ગૃહ મંત્રાલયનો આદેશ

એકતા યાત્રા વેળાએ શિક્ષણ સંસ્થાઓને ભેટમાં અપાયેલ પ્રતિકૃતીનું અનાવરણ કરવા આદેશ

અમદાવાદઃ આગામી 15 ડિસેમ્બરે સરદાર પટેલના નિર્વાણદિનના 72 કલાક પહેલાં જ 12મી ડિસેમ્બરે રાજ્યના અધિક મુખ્ય સચિવ (ગૃહ) એ એમ તિવારીએ પરિપત્ર જાહેર કરીને તમામ કલેક્ટર તથા મ્યુનિ. કમિશનરને આદેશ કરાયો છે કે આગામી 15 ડિસેમ્બરે રાજ્યની સ્કૂલ-કોલેજોમાં સ્ટેચ્યુ ઓફ યુનિટીની પ્રતિકૃતિનું (રેપ્લિકા) અનાવરણ કરવામાં આવે.

  આ એ પ્રતિકૃતિઓ છે કે જે સ્ટેટ્યુ ઓફ યુનિટીના અનાવરણ પહેલાં નિકળેલી એકતા યાત્રા દરમિયાન રાજ્યની શિક્ષણ સંસ્થાઓને ભેટમાં આવી હતી. આ સમગ્ર પ્રકરણમાં શિક્ષણ વિભાગની જે કામગીરી છે તેના માટે રાજ્યના ગૃહ વિભાગના એસીએસે શા માટે પરિપત્ર જારી કર્યો તેની સામે પ્રશ્ન થયો છે.

  પરિપત્ર મુજબ જે પ્રતિમા વધુ ખંડિત થઈ છે તેને બરાબર સમારકામ કરાવીને જ સ્થાપિત કરવી. સામાન્ય નુકસાન થયું હોય તેવી પ્રતિમાને તાત્કાલિક રિપેર કરાવીને 15 ડિસેમ્બરે જ સ્થાપિત કરવી.દરેક જિલ્લા કલેક્ટર અને મ્યુનિ. કમિશનર આ પ્રતિમાઓને સ્થાપિત કરવા માટેના નોડલ ઓફિસર રહેશે. નોડલ ઓફિસર જ નક્કી કરશે કે કઈ રેપ્લિકાને સ્થાપી શકાશે અને કોને રિપેર કરવી જરૂરી છે.

 રેપ્લિકાને સ્થાપિત કરવા મોટું પ્લેટફોર્મ બનાવવાની જરૂર નથી, પરંતુ સ્કૂલ-કોલેજના હોલમાં પણ ગોઠવી શકાશે  રેપ્લિકાની ફરતે ભપકાદાર ફેન્સિંગ અથવા ચેઈન અથવા દોરડું ગોઠવી તેને રક્ષણ પૂરું પાડવું.

 

(8:52 pm IST)