Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

માતર તાલુકાના લીંબાસીમાં નજીવી બાબતે શ્રમજીવી મહિલાને અપશબ્દો કહી પિતા-પુત્રોએ જાનથી મારી નાખવાની ધમકી આપતા ચકચાર

માતર: તાલુકાના લીંબાસીમાં દલીત શ્રમજીવી મહિલાને રોડ વચ્ચે લારી કેમ મૂકી છે કહી પિતા અને બે પુત્રોએ જ્ઞાતિ વિરૂદ્ઘ શબ્દો બોલી જાનથી મારી નાખવાની ધમકી આપતાં ચકચાર મચી જવા પામી છે.
પોલીસ સૂત્રોમાંથી મળેલ વિગત મુજબ માતર તાલુકાના લીંબાસીમાં રામજીભાઈ કાનજીભાઈ રોહિત રહે છે. રામજીભાઈ અને તેમની પત્ની કોકીલાબેન લીંબાસી બજારમાં ફ્રૂટની લારી ધરાવે છે. કોકીલાબેન ગઈકાલે સવારે બજારમાં લારી લઈને ઊભા હતા ત્યારે જગદીશભાઈ જેઠાભાઈ ચૌહાણ (મોચી)એ આવીને રોડ વચ્ચે લારી કેમ મૂકી છે તેમ કહી ગમે તેમ ગાળો બોલવા લાગ્યો હતો તેમજ કોકીલાબેનને જ્ઞાતિ વિરૂદ્ઘ શબ્દો બોલી અપમાનીત કરી તારે અહીંથી લારી ખસેડવી જ પડશે નહીં તો અહીં વેપાર કરવા નહીં દઉં કહી કોકીલાબેનને ગડદાપાટુ માર મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે કોકીલાબેન રામજીભાઈ રોહિતની ફરિયાદ આધારે લીંબાસી પોલીસે જગદીશભાઈ જેઠાભાઈ ચૌહાણ તથા પ્રિતેશ જગદીશભાઈ તેમજ ભાવેશ જગદીશભાઈ ચૌહાણ સામે એટ્રોસીટી હેઠળ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી છે.

 

(5:19 pm IST)