Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

બારડોલીના કડોદરામાં બ્રેઇનડેડ વૃધ્ધે કિડની લિવરનું દાન કરી અનોખો કિસ્સો બનાવ્યો

સુરત:બારડોલીના કડોદના સુથાર ફળિયામાં રહેતા તળપદા કોળી પટેલ સમાજના બ્રેઇનડેડ જાહેર કરાયેલા વૃધ્ધની કિડની અને લીવરનું દાન કરાયું છે. 

કડોદના નિવૃત્ત જીવન ગાળતા ૭૪ વર્ષીય ભોગીલાલભાઇ દયાળજીભાઇ પટેલ ૮ ડિસેમ્બરે સાઇકલ પર જતા હતા ત્યારે બપોરે અઢી વાગ્યાના અરસામાં જુના પેટ્રોલ પંપ કડોદ પાસે અજાણ્યા ટેમ્પોએ અડફટે લીધા હતા. માથામાં ઇજાની સારવાર માટે હોસ્પિટલમાં દાખલ કરાયા બાદ તેમને બ્રેઇન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. અને તા.૧૦મીએ તેમને બ્રેઇનડેડ જાહેર કરાયા હતા. 

આ અંગે સુરતની ડોનેટ લાઇફ સંસ્થાને જાણ થતા વૃધ્ધના પરિવારજનોને અંગદાન અંગે સમજ આપતા તેઓ તે માટે સંમત થયા હતા. ભોગીલાલભાઇની દાનમાં મળેલું લીવર કચ્છના રહીશ નારાયણભાઇ નાનીકરામ તુલ્સીયાની (ઉ.વ.૬૨)ને ટ્રાન્સપ્લાન્ટ કરાયું છે. જ્યારે બંને કિડની રીસર્ચ માટે રાખવામાં આવી છે. સુરતમાં અત્યારસુધી ૨૮૧ કિડની, ૧૧૬ લીવર, ૬ પેન્ક્રીઆસ, ૨૧ હ્યદય અને ૨૩૦ ચક્ષુના દાનથી ૬૫૧ વ્યક્તિઓને નવજીવન અને રોશની મળી છે.

(5:05 pm IST)