Gujarati News

Gujarati News

News of Thursday, 13th December 2018

છબરડા ફેઇમ પાઠય પુસ્તક મંડળ ગણીતમાં ઢ! ધો. ૫ - ૮માં ગણીતના પાઠય પુસ્તકોમાં અનેક ભૂલો નીકળી

ગુણાકાર, એકસ, માઇનસ, ઘાંતાંક સહિતના શબ્દોમાં અટવાયા છાત્રો - શિક્ષકો

રાજકોટ તા. ૧૩ : વારંવાર વિવાદમાં રહેલ ગુજરાત રાજ્ય પાઠય પુસ્તક મંડળનો વધુ એક છબરડો બહાર આવ્યો છે.

રાજય પાઠ્ય પુસ્તક મંડળે તૈયાર કરાયેલા ધો. ૫ અને ૮ના ગણિતના પાઠ્ય પુસ્તકમાં અઢળક ભૂલો હોવાનું સામે આવ્યું છે. ધો.૫ ગણિતના પુસ્તકમાં ગુણાકારની જગ્યાએ એકસ છપાયો છે. એ જ રીતે ધોરણ-૮દ્ગક્ન ગણિતના પાઠ્ય પુસ્તકમાં ઘાતાંકની જગ્યાએ માઇનસનું ચિહ્ન મૂકી દેવાયું છે. વિદ્યાર્થીઓએ અડધું સત્ર ભૂલોવાળાં પુસ્તકમાંથી અભ્યાસ કર્યો છતાં કોઈનું તેની પર ધ્યાન ગયું નહોતું. તે સૌથી આશ્ચર્યજનક બાબત છે.

ધોરણ-૫ના ગણિતના પાઠ્ય પુસ્તકમાં કુલ પાંચ પેજ પર ભૂલો છે. પેજ નંબર ૧૦૭, ૧૭૧, ૧૭૮, ૧૭૯, ૧૮૬ પર દર્શાવેલા દાખલામાં ગુણાકારની જગ્યાએ એકસની નિશાની દર્શાવવામાં આવી છે.

ધોરણ ૮ના ગણિતના પાઠ્ય પુસ્તકના પ્રકરણ નં-૧૨માં પણ ભૂલ છે. આ પ્રકરણમાં ઘાતાંકની જગ્યાએ માઇનસ (-) નિશાની દર્શાવાઈ છે.

આ અંગે ડેપ્યુટી ડિરેકટર આશિષ બોરીસાગર કહે છે કે, પ્રિન્ટિંગ કે કમ્પોઝની ભૂલો હશે તો પુનઃમુદ્રણ વખતે તેની ચકાસણી કરી સુધારી દેવાશે. બાળકોના શિક્ષણને ધ્યાનમાં રાખીને પાઠ્ય પુસ્તકોની ભૂલોના સુધારા માટે પાઠ્ય પુસ્તક મંડળનું ધ્યાન દોરાશે.

(4:06 pm IST)